સુરેન્દ્રનગરઃ થાનગઢ તાલુકામાં ભરાતા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના લોકમેળામાં આ વર્ષે પણ 'ગ્રામીણ ઓલિમ્પિક્સ' અંતર્ગત યોજાયેલી અનોખી લાડુ ખાવાની સ્પર્ધા મેળારસિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. લોકસંસ્કૃતિ સાથે જોડાયેલી આ રોમાંચક સ્પર્ધામાં વિંછીયા તાલુકાના ઓરી ગામના વતની બળવંતભાઈ રાઘવાણીએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ અનોખી સ્પર્ધાનું આયોજન ગુજરાત રમતગમત પ્રાધિકરણ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ જિલ્લા તાલીમ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
30 મિનિટનો સમય અને 28 સ્પર્ધકો વચ્ચે ખેલાયો જંગ
આ સ્પર્ધાની વિગતે વાત કરવામાં આવે તો, તેમાં 25થી લઈને 75 વર્ષની વયજૂથના 28 ઉત્સાહી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નિયમ મુજબ તમામ ભાગ લેનારાઓએ 30 મિનિટની નિર્ધારિત સમયમર્યાદામાં દાળ સાથે ખાંડ અને બેસનમાંથી બનેલા લાડુ ખાવાના હતા. શરૂઆતની 15 મિનિટમાં સ્પર્ધકોએ ઝડપથી લાડુ ખાવાની શરૂઆત કરી, પરંતુ સરેરાશ 15 લાડુ ખાધા બાદ મોટા ભાગના સ્પર્ધકો હરીફાઈમાંથી બહાર થઈ ગયા હતા. છેલ્લી ક્ષણોમાં મુકાબલો માત્ર 5 સ્પર્ધકો વચ્ચે સીમિત થઈ ગયો હતો.
28 લાડુ પૂરા કરીને બળવંતભાઈ પ્રથમ આવ્યાં
સ્પર્ધામાં જેમ-જેમ સ્પર્ધકો 22, 24 અને 26 લાડુના આંકડા સુધી પહોંચ્યા, તેમ-તેમ ઉપસ્થિત મેળારસિકોએ તાળીઓના ગડગડાટથી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આખરે ગત વર્ષના વિજેતા બળવંતભાઈ રાઘવાણીએ 30 મિનિટમાં 28 લાડુ પૂરા કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સ્પર્ધાના નિયમ અનુસાર માત્ર એક જ શ્રેષ્ઠ વિજેતા પસંદ કરવાનો હોવાથી બળવંતભાઈને બે હજાર રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.
તરણેતરના આ મેળોની સ્પર્ધા અંગે શું બોલ્યાં કલેક્ટર?
સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર જી. એચ. સોલંકીએ આ અંગે જણાવ્યું કે, ‘તરણેતરનો આ મેળો માત્ર આપણી સાંસ્કૃતિક વિરાસત જ નથી જાળવતો, પણ લોકોમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારાની ભાવના પણ જગાડે છે. દર્શકોના ભારે પ્રતિસાદથી સ્પર્ધકોનો ઉત્સાહ બેવડાયો હતો’. આ પ્રસંગે મદદનીશ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની, પ્રાંત અધિકારી કે. એન. કાચા અને જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને વિજેતાને પ્રોત્સાહિત કર્યા હતા.