Tue May 12 2026

Logo

આણંદમાં ગોઝારો અકસ્માતઃ ટ્રક પાછળ ટેમ્પો ટકારાતા શ્રમિક પરિવાર બન્યો કાળનો કોળિયો

2026-05-11 19:59:00
Author: Devayat Khatana
Article Image

ફતેપુરા નજીક સર્જાયેલી દુર્ઘટનામાં મધ્ય પ્રદેશના શ્રમિક પરિવારનો માળો વિખેરાયો, 5 લોકોની હાલત ગંભીર

આણંદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા તારાપુર-વટામણ હાઈવે પર એક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. આણંદ જિલ્લાના ફતેપુરા ગામ નજીક આવેલા CNG પંપ પાસે ઉભેલી એક ટ્રક પાછળ ‘બજાજ કેરી’ ટેમ્પો અથડાય હતી. આ ગમ્ખવાર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 જેટલા સભ્યોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય 5 લોકો ગંભીર ઈજાઓ પંહોચી હોવાના અહેવાલો મળ્યા હતા. 

મળતી વિગતો અનુસાર આ દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ લોકો શ્રમિકો હતા. તેઓ મૂળ મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લાના છોટી સરની ગામના વતની હતા અને રોજગારી મેળવવા માટે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા. વહેલી સવારના અંધારામાં સર્જાયેલો આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટેમ્પોના આગળના ભાગનો ફુરચો બોલી ગયો હતો. અકસ્માત બાદ મુસાફરો લોહીલુહાણ હાલતમાં વાહનમાં જ ફસાઈ ગયા હતા. 

શ્રમિક પરિવાર બન્યો કાળનો કોળિયો

મૃતકોમાં 32 વર્ષીય પ્રદીપભાઈ કાળુભાઈ મંડોલ, તેમના પત્ની 30 વર્ષીય જયલીબેન, 12 વર્ષીય પુત્રી સિજલબેન અને 8 વર્ષીય બાળકી અસ્મિતાબેન બીલાસનો સમાવેશ થાય છે. વતનથી દૂર સારી કમાણીની આશાએ નીકળેલો આ શ્રમિક પરિવાર માર્ગમાં જ કાળનો કોળિયો બની જતા શોકનું મોજું ફરી વળ્યું છે. 

પાંચ જણની હાલત હજુ પણ નાજુક

અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને અન્ય રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને પોલીસ તેમ જ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા 5 વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.