Fri Apr 17 2026

Logo

આમલીનું ઝાડ: ખેડૂતોની આવકનો છે મજબૂત સ્રોત

2026-04-12 12:49:00
Author: Anant Mammora
Article Image

ટૂંકું ને ટચ - અનંત મામતોરા

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ બદલાતી ઋતુને કારણે ખેડૂતો પર સંકટ આવી જાય છે. સાથે જ વધતી મોંઘવારી, ઓછી ઊપજ અને જળસંકટ ખેડૂતો માટે મોટો પડકાર છે. એથી તેઓ વિચારતાં હોય છે કે એવી કઈ ખેતી કરવી જે ઓછા ખર્ચે કરી શકાય અને ભરોસાને પાત્ર હોય. એવામાં આમલી એક મજબૂત વિકલ્પ હોઈ શકે છે. લાંબું આયુષ્ય, ઓછી માવજત અને દુકાળ સહન કરવાની ક્ષમતા આમલીના ઝાડમાં હોય છે. એક વખત એને રોપવામાં આવે કે વર્ષોનાં વર્ષો સુધી એ ઉત્પાદન આપે છે. 

ભારતીય રસોઈમાં આમલીનો વપરાશ તો થાય જ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ તેની માગ છે. એને કારણે ખેડૂતોને સારી એવી આવક મળે છે. 

સાથે જ જો ખેડૂતો એનાથી તૈયાર થનાર વસ્તુઓ જેવી આમલીની પેસ્ટ, આમલીનો પાઉડર તો પણ કમાણી સારી એવી થાય છે. એના માટે જરૂરી છે સ્વચ્છ પેકેજિંગ અને સારી ગુણવત્તાવાળી વસ્તુ. જો આવું થાય તો ખેડૂતોની આવકમાં ઘણો વધારો થઈ શકે છે. 

ભારતમાં સૌથી વધુ ઉપયોગીમાંનું જ વૃક્ષ છે આમલીનું. આમ તો આ મૂળ આફ્રિકાનું છે. જોકે પ્રાચીન સમયથી જ એ ભારતમાં છે. ખાસ કરીને કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિળનાડુ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ આમલીના ઝાડ જોવા મળે છે. 

આવકની સાથે જ એ પર્યાવરણની દૃષ્ટિએ પણ અગત્યનું છે. આમલીનું ઝાડ 15થી 25 મીટર સુધી વધે છે. એ સરળતાથી સોથી બસો વર્ષ સુધી ટકી રહે છે. એ ઘટાદાર વૃક્ષ હોય છે. એમાં નાની-નાની પત્તીઓ હોય છે, જે ગ્રીન અને નરમ હોય છે. આજકાલ આધુનિક ટેક્નિકને કારણે ગ્રાફટિંગ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા છોડ તૈયાર કરી શકાય છે. 

આમલીના ઝાડને ઉષ્ણકટિબંધ અને ઉપોષ્ણકટિબંધ વાતાવરણ માફક આવે છે. 25થી 35 ડિગ્રીનું તાપમાન એને માટે યોગ્ય છે. આમલી દરેક પ્રકારની માટીમાં ઊગે છે. 

ખેડૂતો માટે આ ઝાડ ઓછા ખર્ચે વધુ આવક રળી આપનારું સાબિત થાય છે. એના માટે સિંચાઈ અને ખાતરની જરૂર ઓછી પડે છે. જ્યાં પાણીની અછત છે એવા વિસ્તારમાં તો આમલી સહેલાઈથી ઊગી જાય છે. 

આમલીનો ઉપયોગ ભારતમાં સાંભાર, ચટણી, કઢી અને અનેક પ્રકારના પીણાંમાં કરવામાં આવે છે. એનો ઔદ્યોગિક ઉપયોગ પણ થાય છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં એની ખાસ્સી ડિમાન્ડ છે. ટાર્ટિક એસિડ, પોલિશ અને વિવિધ દવાઓમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. 

આમલીના સ્વાસ્થવર્ધક ગુણો પણ છે. એ પાચનમાં સહાયક અને એન્ટિઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. આમલીને લાંબા સમય સુધી સાચવીને રાખી શકાય છે. 

આમલી અન્ય પાકની જેમ પોતાનું સહઅસ્તિત્વ કાયમ કરી લે છે. આમલીથી સારી આવક તો થાય જ છે સાથે જ એ ભૂમિ સંરક્ષણનું પણ કામ કરે છે. વર્તમાનમાં વિદેશમાં પણ આમલીની ખૂબ ડિમાન્ડ વધી છે. એથી નિકાસ બજારમાં આમલીની સતત માગ હોય છે. એથી આમલીની નિકાસ ભારત દ્વારા સતત કરવામાં આવે છે. 

આમલીનું ઝાડ પશુઓને છાંયડો આપે છે. કાર્બનનું અવશોષણ કરવામાં પણ આ ઝાડ અગત્યનું છે. 

આમલીનું ઝાડ ધીરે-ધીરે વધે છે. છ વર્ષ બાદ એ ફળ આપવાની શરૂઆત કરે છે. આમલીનું એક વૃક્ષ દર વર્ષે 100થી 300 કિલો આમલીનું ઉત્પાદન આપે છે. એથી આમલી આવકનું સારું, સહેલું અને સુગમ માધ્યમ છે.