Mon May 25 2026

Logo

વાનખેડેના મેદાન પર `ગલી ક્રિકેટ જેવું દૃશ્ય': શાર્દુલને જાડેજાનો મજાકિયા અંદાઝમાં `જવાબ'

2026-05-24 22:47:31
Author: Ajay Motiwala
Article Image

IPL


મુંબઈઃ અહીં વાનખેડેમાં રવિવારે મુંબઈ સામેનો મુકાબલો રાજસ્થાન જીત્યું અને પ્લે-ઑફમાં સ્થાન જમાવ્યું એ પહેલાં રાજસ્થાનના રવીન્દ્ર જાડેજા અને મુંબઈના શાર્દુલ ઠાકુર વચ્ચે `ગલી ક્રિકેટ' જેવી રમૂજ જોવા મળી હતી.

રાજસ્થાનની ઇનિંગ્સની અંતિમ ઓવર ચાલી રહી હતી. શાર્દુલે ચોથા બૉલમાં જાડેજાને આઉટ કર્યો. વિકેટ મળતાં જ શાર્દુલ અતિ ઉત્સાહમાં આવી ગયો અને વિકેટ સેલિબ્રેટ કરવા લાગ્યો. મુંબઈની ટીમના બાકીના ખેલાડીઓ પણ તેની સાથે સેલિબ્રેશનમાં જોડાયા હતા. જોકે થોડી જ પળોમાં મામલો પલટાઈ ગયો હતો.

સ્ટેડિયમમાં અચાનક નો-બૉલની સાયરન વાગી અને એવું સાબિત થયું કે શાર્દુલનો એ નો-બૉલ હતો. એનો અર્થ એ થયો કે જાડેજા આઉટ નહોતો.

નો બૉલ જાહેર થતાં જાડેજાએ પણ મોકો ન છોડ્યો અને તે હસતો-હસતો શાર્દુલ (Shardul) તરફ વળ્યો અને અનોખા અંદાઝમાં પોતાના નૉટઆઉટનું સેલિબ્રેશન કર્યું હતું. જાડેજા (Jadeja) તેને જાણે એવું કહી રહ્યો હતો, `હું હજી ગયો નથી.'

ત્યાર બાદ જાડેજાએ શાર્દુલની મુસીબત વધારી દીધી હતી. જાડેજાએ તેના સતત બે બૉલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. ચોગ્ગા માર્યા પછી પણ જાડેજાએ રમૂજી અંદાઝમાં એ શૉટ્સ સેલિબ્રેટ કર્યા હતા. આ જોઈને બન્ને ટીમના ખેલાડીઓ પણ હસવાનું રોકી નહોતા શક્યા. જોકે ઇનિંગ્સને અંતે બન્ને પ્લેયર હસીને વાતચીત કરી હતી.