હેં... ખરેખર?! - પ્રફુલ શાહ
આપણે પરિવાર, સ્વજનો અને મિત્રો સાથે રહીએ. આપણામાંથી મોટાભાગના પાર્ટી, મેળાવડા અને મહેફિલના માણસો છે. એકલતા સૌને ખાવા ધસી આવે. બે-પાંચ દિવસ એકલા રહેવાનું આવે તો એકદમ અકળાઈ જઈએ.
આથી જોર્જે જેમ રહેવાની કલ્પના જ ન થઈ શકે. સવાલ થાય કે એવી તો કેવીક ધાડ મારે છે જોર્જે મહાશય? એ જાણવા માટે છેક પોર્ટુગલમાં ડોકિયું કરવું પડશે. એમાંય પોર્ટુગલના મધ્ય ભાગમાં આવેલા હરિયાળા સેરા દા લાઉસા પર્વતમાળાની ગોદમાં વસેલા ગામ તાલાસ્નાલ (ઝફહફતક્ષફહ) જવું પડે. આ એકદમ અનોખું ગામ છે જેની વસતિ છે એક જણાની. એટલે અહીં રહેનારી એકમાત્ર વ્યક્તિ છે આપણા જોર્જેભાઈ.
આવું કઈ શક્ય છે? આવું કેવી રીતે બન્યું? આજે દુનિયાનાં અન્ય ગામોથી બિલકુલ અલગ તરી આવતા આ ગામમાં એક સમયે 120થી વધુ માણસો રહેતા હતા, પરંતુ આજે આ ઐતિહાસિક શિસ્ટ (તભવશતિ-ંપતરીમય કે રેસાદાર ખનિજો ધરાવતો રૂપાંતરિત ખડક) પથ્થરથી બનેલા ગામમાં એકલો જોર્જે જ વસવાટ કરે છે.
હાલ જોર્જેની ઉપસ્થિતિ તાલાસ્નાલના ધબકારને થોડું જીવંત રાખે છે. બાકી અહીંની વળાંકવાળી પથ્થરની ગલીઓ, સ્લેટ પથ્થરથી બનેલાં મકાનો અને જંગલોથી ઢંકાયેલા સુંદર ઢોળાવ ધરાવતું આ ગામ પ્રવાસીઓ માટે સ્વપ્ન જેવું ગજબનાક સ્થળ છે. અહીં ભીડ, ટ્રાફિક, કોલાહલ કે પ્રદૂષણ નથી. શાંતિ અને કુદરતી સૌંદર્યની શોધનારાઓ માટે તો તાલાસ્નાલ પૃથ્વી પરનું સ્વર્ગ છે સ્વર્ગ.
તાલાસ્નાલ પોર્ટુગલના શિસ્ટ ગામોના નેટવર્કનો ભાગ છે. આ બધાં ગામો વિશિષ્ટ પથ્થરની સ્થાપત્યશૈલી અને ગ્રામીણ સંસ્કૃતિની જાળવણી માટે જાણીતા છે. જોકે 1900ના શરૂઆતી દાયકામાં તાલાસ્નાલની શિકલ એકદમ અલગ હતી. અહીં શાળા, ઓલિવ તેલ બનાવવાનો ધંધો અને સારા એવા પ્રમાણમાં માનવ વસ્તી હતી, પરંતુ 1980ના દાયકામાં સ્થિતિએ જાણે શીર્ષાસન કર્યું. મોટા ભાગના લોકોએ વધુ સુવિધા અને કામધંધાની શોધમાં શહેરો ભણી દોટ મૂકી.
આજે તો અહીં માત્ર જોર્જે રહે છે. તે ગામનો બાર ચલાવે છે. અથવા કહો કે નાનકડા બારમાં કામ કરે છે. સાથોસાથ અને અહીં ફરવા આવતા પ્રવાસીઓને આવકાર આપે છે. આજકાલ દુનિયાભરના લોકો ખાસ કરીને જોર્જેને મળવા, તેના બારમાં વાઇન પીવા અને એક એવા ગામનો અનુભવ કરવા આવે છે, જે લગભગ એક જ માણસ દ્વારા જીવંત રાખવામાં આવ્યું છે.
હા, પ્રવાસીઓને આકર્ષવા માટે તાલાસ્નાલમાં સ્લેટ પથ્થરથી બનેલી ઇમારતો, જંગલનાં દૃશ્યો અને ગ્રામીણ વારસાની શાંતિપૂર્ણ ઝાંખી મળે છે.
અહીં મકાનો, છાપરાં અને રસ્તાઓ બધું જ સ્થાનિક સ્લેટ પથ્થરથી બનાવેલું છે, જે ગામને અનોખો દેખાવ આપે છે. કહી શકાય કે સમય જાણે અહીં અટકી ગયો છે. આ બધું પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. તાલાસ્નાલમાં ગામની ગલીઓમાં રખડવું,
પથ્થરની સાંકડી ગલીઓમાં ફરતા ફરતા જૂનાં મકાનો અને છુપાયેલા ખૂણાઓ શોધવા ઉપરાંત હાઈકિંગ અને બાઈકિંગ કરી શકાય.પાઇન જંગલોની સુંદરતા માણી શકાય.
આ તાલાસ્નાલ નામના ગામમાં ફરવું એટલે પોર્ટુગલના ભૂતકાળની જીવંત તસ્વીરમાં પ્રવેશ કરવો. અને એકમાત્ર રહેવાસી જોર્જેને મળવું.