ભરત ભારદ્વાજ
વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઊથલપાથલ વચ્ચે એક મહત્વની ઘટના તરફ લોકોનું ધ્યાન ગયું નથી. આ ઘટના વિશ્વમાં સ્ટોક માર્કેટના કેપિટલાઈઝેશનના આધારે થયેલા રેન્કિંગમાં ફેરફાર છે. અત્યાર સુધી આ યાદીમાં ભારત પાંચમા સ્થાને હતું પણ હવે છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. થોડા સમય પહેલાં આપણે જીડીપીમાં પાંચમા સ્થાનેથી સરકારીને છઠ્ઠા સ્થાને જતા રહેલા ને હવે શૅરબજારોમાં પણ ભારતને પાછળ ધકેલીને તાઈવાન પાંચમા સ્થાને આવી ગયું છે.
ભારતના શૅરબજારોનું માર્કેટ કેપિટલાઈઝેશન સોમવારે 4.92 ટ્રિલ્યન ડૉલર હતું જ્યારે તાઈવાનનાં શેરબજારોનું માર્કેટ કેપિટલાઈઝેશન 4.95 ટ્રિલ્યન ડૉલર હતું એ જોતાં ભારત અને તાઈવાન વચ્ચે અત્યારે ઝાઝો ગેપ લાગતો નથી પણ ધીરે ધીરે આ ગેપ વધી શકે છે કેમ કે વિદેશી રોકાણકારોના કારણે તાઈવાનનું શેરબજાર તેજીથી ફાટફાટ થઈ રહ્યું છે જ્યારે ભારતનાં શૅરબજારોમાં સુસ્તીનો માહોલ છે. તેના કારણે ભારતીય શૅરબજારોમાં એક દાડો તેજી જોવા મળે છે ને ચાર દાડા સાવ મંદી હોય છે. પરિણામે સ્થાનિક રોકાણકારો તો રાતા પાણીએ રડી જ રહ્યા છે પણ નવા રોકાણકારો પણ ફરકી રહ્યા નથી.
મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ છ મહિના પહેલાં એટલે કે ડીસેમ્બર, 2025માં 86 હજારને પાર થઈ ગયેલો ને અત્યારે 76 હજારની આસપાસ છે. મતલબ કે, છ મહિનામાં જ સેન્સેક્સ 10 હજારની આસપાસ તૂટ્યો છે. ટકાવારીની રીતે જોઈએ તો સેન્સેક્સમાં લગભગ 11-12 ટકાનું ધોવાણ થયું છે. સેન્સેક્સમાં થયેલા ધોવાણ માટે વિદેશી રોકાણકારોનો ભારતીય શૅરબજાર અને અર્થતંત્રમાં ઊઠી ગયેલો વિશ્વાસ જવાબદાર છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) ભારતીય શૅરબજારોમાં કરેલું રોકાણ વેચી વેચીને ભાગી રહ્યા છે ને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ભારતીય શૅરબજારોમાંથી લગભગ 3 લાખ કરોડનુ રોકાણ પાછું ખેંચી લીધું છે.
આ જ રોકાણકારો તાઈવાનના શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. તાઈવાનમાં પણ તાઈવાન સેમીકંડક્ટર્સ મેન્યુફેક્ચરિગ કંપની (ટીએસએમસી)ના શૅરમાં આવેલી ધુંઆધાર તેજીના કારણે શૅરબજાર ઊંચકાયું છે. વરસ પહેલાં આ કંપનીના શેરનો ભાવ 950 તાઈવાન ડૉલરની આસપાસ હતો ને અત્યારે 2300 ડૉલર છે. મતલબ કે એક વરસમાં જ ભાવ અઢી ગણો થઈ ગયો છે. તાઈવાનના શૅરબજારના લગઊગ 5 ટ્રિલ્યનના માર્કેટ કેપમાં 2 ટ્રિલ્યન ડોલર એટલે કે લગભગ 40 ટકા હિસ્સો તાઈવાન સેમીકંડક્ટર્સ મેન્યુફેક્ચરિગ કંપનીનો છે. તેના કારણે કંપનીના શૅરમાં આવેલી તેજીનો લાભ આખા શેરબજારને મળ્યો છે.
અલબત્ત તેને માટે પણ તાઈવાન સરકારે લીધેલો એક સ્માર્ટ નિર્ણય તો જવાબદાર છે જ. તાઈવાનમાં પહેલાં કોઈ પણ ફંડ કોઈ એક લિસ્ટેડ કંપનીમાં પોતાના કુલ ભંડોળના 10 ટકાનું રોકાણ કરી શકતા હતા. તાઈવાન સરકારે ગયા મહિને નિયમોમાં ફેરફાર કરીને આ મર્યાદા 25 ટકા કરી નાંખી તેમાં તાઈવાન સેમીકંડક્ટર્સ મેન્યુફેક્ચરિગ કંપનીના શેરોમાં રોકાણ કરવા પડાપડી થઈ રહી છે.
તાઈવાન સરકારે લીધેલા નિર્ણયના કારણે તાઈવાન સેમીકંડક્ટર્સ મેન્યુફેક્ચરિગ કંપનીના શૅરને ફાયદો થયો પણ કંપની પણ ખમતીધર છે એ ભૂલવા જેવું નથી. આ કંપનીની વરસની આવક સવાસો અબજ ડૉલરની આસપાસ છે અને નફાનું માર્જિન 50 ટકાની આસપાસ છે. છેલ્લા નાણાકીય વરસમાં કંપનીએ 122 અબજ ડૉલરની આવક ને 62 અબજ ડૉલરનો નફો કરેલો.
કમનસીબે આપણી પાસે આ લેવલની કોઈ કંપની નથી. આવકની રીતે તેની નજીક આવી શકે એવી કેટલાંક કોર્પોરેટ ગ્રૂપ છે, પણ પ્રોડક્ટની રીતે તાઈવાન સેમીકંડક્ટર્સ મેન્યુફેક્ચરિગ કંપનીની નજીક પણ આવે એવી કોઈ કંપની નથી. તાઈવાન સેમીકંડક્ટર્સ મેન્યુફેક્ચરિગ કંપની સેમીકંડક્ટર ચિપ્સ બનાવે છે ને તેની મોનોપોલી છે. જર્મની, જાપાન, અમેરિકા જેવા દેશોમાં તેના પ્લાન્ટ આવેલા છે. આપણે બટાકાની ચિપ્સ ને ઝાલમુરીમાં અટવાયેલા છીએ ત્યારે આ કંપની 100 કરતાં વધારે દેશોમાં તેની ચિપ્સની નિકાસ કરે છે. ચિપ્સની ડીમાન્ડ સતત વધ્યા જ કરે છે તેથી કંપનીની આવક ને નફો પણ સતત વધ્યા કરે છે, તેના શેરના ભાવ પણ વધ્યા કરે છે.
ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારોનો રસ ઘટી ગયો તેનાં બીજાં પણ કારણ છે. એક કારણ રૂપિયાનું સતત થઈ રહેલું ધોવાણ છે. સતત તૂટી રહેલા રૂપિયાના કારણે વિદેશી રોકાણકારોને શૅરો કરતાં ડોલરમાં રોકાણ કરવું વધારે ફાયદાકારક લાગી રહ્યું છે. રૂપિયો કેમ તૂટી રહ્યો છે એ કહેવાની જરૂર નથી, જે દેશ ઉત્પાદનમાં આગળ હોય ને નિકાસ વધારે કરતો હોય એ દેશનું ચલણ મજબૂત બને.
આપણે આત્મનિર્ભર ભારત ને મેઈક ઈન ઈન્ડિયાની વાતો બહુ કરી પણ હજુય મોટા ભાગની ચીજો માટે વિદેશ પર નિર્ભર છીએ. અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો તેમાં તો આપણે ઘાંઘા થઈ ગયા ને આપણી આત્મનિર્ભરતા ખોખલી છે એ સાબિત થઈ ગયું. આપણે નથી નિકાસ વધારી શકતા ને નથી વિદેશ પરની નિર્ભરતા ઘટાડી શકતા. તેના કારણે બેઉ બાજુથી માર પડી રહ્યો છે ને રૂપિયો સતત તૂટી રહ્યો છે.
આપણી રિઝર્વ બૅંક પાસે રૂપિયાનું ધોવાણ રોકવા માટેની કોઈ નક્કર વ્યૂહરચના નથી. થોડા થોડા દિવસે ડોલર વેચીને રૂપિયાને તૂટતો રોકવા ફાંફાં મરાય છે, પણ એ બધું આંગળાં ચાટીને પેટ ભરવા જેવું છે. આ રસ્તો અપનાવવા જાઓ તો વિદેશી હૂંડિયામણ ભંડાર ખાલી થઈ જાય એટલે બ્રેક મારવી પડે છે ને જેવી ડોલરના વેચાણ પર બ્રેક મારો એટલે પાછું રૂપિયામાં ધોવાણ શરૂ થઈ જાય છે. આ સ્થિતિ બદલી શકાતી નથી કેમ કે રિઝર્વ બૅંકના કારભારીઓ પાસે કોઈ વિઝન નથી, કોઈ નવા આઈડિયા નથી. તમે અર્થશાસ્ત્રીઓના બદલે ચાપલૂસ આઈએએસ અધિકારીઓને રિઝર્વ બૅંકનો કારભાર સોંપી દો તો બીજું થાય પણ શું?
અત્યાર લગી આપણે શૅરબજારની તેજીનો હવાલો આપીને અર્થતંત્રમાં ફૂલગુલાબી તેજી હોવાનું ચિત્ર ઊભું કર્યું પણ અઢી કરોડની વસતિ ધરાવતો તાઈવાન જેવો દેશ આપણાથી આગળ નિકળી જાય ને રોકાણકારોને આપણા કરતાં તાઈવાનના શૅરબજારમાં રોકાણમાં વધારે માલ લાગે ત્યારે આપણે વાસ્તવવાદી બનીને ગંભીરતાથી વિચારવું જોઈએ. આપણે મેન્યુફેક્ચરિગમાં ક્યાંય નથી એ હકીકત સ્વીકારીને તેને કઈ રીતે મજબૂત કરી શકાય ને આયાત પરની નિર્ભરતા ઘટાડીને કઈ રીતે નિકાસ વધારવી જોઈએ એ વિશે ગંભીરતાથી વિચારીને નક્કર વ્યૂહરચના બનાવવી જોઈએ. તેના માટે વિઝનરી અર્થશાસ્ત્રીઓનું નેતૃત્વ જોઈએ, હા આ કમાન્ડની જીહજૂરી કરનારા નેતા ને તેમની ચાપલૂસી કરી ખાતા અધિકારીઓ ના ચાલે.
વિશ્વમાં સ્ટોક માર્કેટના કેપિટલાઈઝેશનના રેન્કિંગમાં ટોપ 10 દેશમાં જે દેશો છે તેમાંથી હૉંગકૉંગને બાદ કરતાં બધા મેન્યુફેક્ચરિગમાં અવ્વલ દેશો છે. હૉંગકૉંગ ફાયનાન્સિયલ સર્વિસમાં અવ્વલ છે એ જોતાં ભારતે કોઈ ક્ષેત્રમાં તો અવ્વલ બનવું પડે, જાતે વિશ્વગુરુ બનવાના બદલે દુનિયા સામેથી આપણને વિશ્વગુરુ કહે એવી સ્થિતી સર્જવી પડે.