નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપ સાતમી ફેબ્રુઆરીથી રમાય છે, પરંતુ સેમિ ફાઇનલ અને ફાઇનલ (Final) ક્યાં રમાશે એ નક્કી નહોતું અને એનું કારણ એ છે કે પાકિસ્તાન નામની પનોતી શનિવાર સુધી આ ટૂર્નામેન્ટમાં હતી. જોકે હવે એ ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જતાં નૉકઆઉટનું શેડ્યૂલ સ્પષ્ટ થઈ ગયું છે. ચોથી માર્ચની પ્રથમ સેમિ ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી) કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં અને પાંચમી માર્ચની બીજી સેમિ ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી) આઠમી માર્ચે અમદાવાદમાં રમાશે.
શનિવારે શ્રીલંકાએ 213 રનનો લક્ષ્યાંક મેળવવાના પ્રયાસમાં 147 રન કર્યા ત્યારે પાકિસ્તાન (Pakistan) સેમિ ફાઇનલની રેસની બહાર થઈ ગયું હતું અને ન્યૂ ઝીલૅન્ડને આપોઆપ સેમિમાં પ્રવેશ મળી ગયો હતો. શનિવારની પાકિસ્તાન સામેની મૅચમાં શ્રીલંકાનો જોરદાર લડત બાદ પાંચ રનથી પરાજય થયો હતો.
પાકિસ્તાન અને શ્રીલંકા બન્ને દેશ સેમિ ફાઇનલની બહાર થઈ ગયા હોવાથી બન્ને સેમિ ફાઇનલ તથા ફાઇનલમાં ભારતમાં યોજવા માટે માર્ગ મોકળો થઈ ગયો છે. પાંચમી માર્ચની બીજી સેમિ ફાઇનલ કે જેમાં ઇંગ્લૅન્ડ પહોંચી ગયું છે એ વાનખેડેમાં જ રમાવાની હતી અને ત્યાં જ રમાશે. પ્રથમ સેમિ માટે કોલંબો અથવા કોલકાતાના નામ નક્કી કરાયા હતા. જોકે શ્રીલંકા અને પાકિસ્તાન બન્ને આઉટ થઈ ગયા હોવાથી એ સેમિ ફાઇનલ કોલકાતામાં જ રમાશે જેમાં સાઉથ આફ્રિકા પહોંચી ગયું છે. પાકિસ્તાન શનિવાર સુધી ટૂર્નામેન્ટમાં જીવંત હતું એટલે એને સેમિ ફાઇનલ ચોથી માર્ચે કોલંબોમાં રમવા મળવાની હતી અને એ ફાઇનલમાં પણ પહોંચી શકે એ જોતાં અમદાવાદનું નામ નક્કીપણે લઈ શકાતું નહોતું. જોકે હવે પાકિસ્તાન સ્પર્ધાની બહાર ફેંકાઈ જતાં ફાઇનલમાં કોઈ પણ દેશ આવે, એ અમદાવાદમાં જ રમાશે.
એટલું તો પહેલેથી જ નક્કી હતું કે ભારત જો સેમિ ફાઇનલમાં પહોંચશે તો પાંચમી માર્ચે વાનખેડેની બીજી સેમિમાં જ રમશે. ઉલ્લેખનીય છે કે 2023ના વન-ડે વર્લ્ડ કપની ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ અમદાવાદમાં રમાઈ હતી.