Fri Jun 19 2026

Logo

મેં બહુ મોટી ભૂલ કરી જેને લીધે અમે હારી ગયા: હૅરી બ્રુકની કબૂલાત

2026-03-06 13:09:00
Author: Ajay Motiwala
Article Image

મુંબઈ: કહેવાય છેને કે ‘કૅચીઝ વિન મૅચીઝ'. ઇંગ્લૅન્ડના કેપ્ટન હૅરી બ્રુકે (Harry Brook) આ ઇંગ્લિશ કહેવતનો જ ઉલ્લેખ કરીને પોતાની ભૂલ કબૂલ કરી છે અને કહ્યું છે કે ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ભારત સામે તેની ટીમ આ ભૂલને કારણે જ છેવટે હારી ગઈ.

હૅરી બ્રુકે પોતાની ટીમની ફીલ્ડિંગની કચાશ તરફ ધ્યાન દોર્યું હતું અને ખાસ કરીને સતત બીજા મુકાબલામાં મૅચ-વિનર બનેલા સંજુ સૅમસન (89 રન, 42 બૉલ, સાત સિક્સર, આઠ ફોર)ની ઇનિંગ્સની શરૂઆતમાં જ પોતાનાથી તેનો જે કૅચ (Catch) છૂટી ગયો હતો એ બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.

સૅમસન 15 રન પર હતો ત્યારે બ્રુકથી તેનો સીધો આસાન કૅચ છૂટી ગયો હતો. મૅચનો એ ટર્નિંગ પોઇન્ટ હતો અને બ્રુકની એ ભૂલ પછી સૅમસને બીજા 74 રન બનાવ્યા હતા જે ભારત માટે મૅચ-વિનિંગ નીવડ્યા હતા.

અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવને બાદ કરતા ટૉપ-ઑર્ડર તથા મિડલ-ઑર્ડરના બૅટ્સમેનોના નાના-મોટા યોગદાનની મદદથી ભારતે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં સાત વિકેટે 253 રન કર્યા હતા. બ્રિટિશ ટીમ લડાયક બૅટ્સમૅન જેકબ બેથેલ (105 રન, 48 બૉલ, સાત સિક્સર, આઠ ફોર ) તથા વિલ જેક્સ (35 રન, 20 બૉલ, બે સિક્સર, ચાર ફોર)ની જોરદાર લડત છતાં તેમ જ મૅચની અંતિમ (શિવમ દુબેની) ઓવરમાં જોફ્રા આર્ચરે ઉપરાઉપરી ત્રણ સિક્સર ફટકારી હોવા છતાં ઇંગ્લૅન્ડની ટીમ અંતે 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી શકી હતી અને ભારતનો સાત રનથી રોમાંચક વિજય થયો હતો.

હૅરી બ્રુકે મૅચ પછી કહ્યું, ‘ભારતીયોએ ખૂબ સારી બૅટિંગ કરી હતી. હું કબૂલ કરું છું કે મારાથી સૅમસનનો જે કૅચ છૂટી ગયો હતો એ અમને ભારે પડ્યો અને આખરે અમે હારી ગયા હતા. એ મારી બહુ મોટી ભૂલ હતી. અમારી ફીલ્ડિંગ સારી નહોતી. ભારત જેવી ટોચની ટીમ સામે આવી કચાશ ચાલે જ નહીં. કહેવાય છે ને કે કૅચીઝ વિન મૅચીઝ. કમનસીબે સૅમસનના શૉટમાં મેં કૅચ ઝીલવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ બૉલ ઝીલી નહોતો શક્યો અને સૅમસનને મારા હાથે જીવનદાન મળી ગયું હતું. એ પછી હું સ્કોર બોર્ડ તરફ જ જોયા કરતો હતો અને સૅમસન રનનો ઢગલો કરતો રહ્યો હતો.'