Fri Jun 19 2026

Logo

ઐતિહાસિક અડાલજની વાવમાં કેપ્ટન સૂર્યાએ કરાવ્યું ખાસ ફોટોશૂટ, જુઓ તસવીરો

2026-03-09 19:02:52
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગર: ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ સ્તરે પોતાનો દબદબો સાબિત કરતા T20 વર્લ્ડ કપ 2026નું ટાઇટલ જીતી લીધું છે. ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ચેમ્પિયન બન્યા બાદ આજે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ગુજરાતના ફેમસ હેરિટેજ પ્લેસ અડાલજની વાવની મુલાકાત લીધી હતી.

આ ઐતિહાસિક સ્થળના કળાત્મક માહોલ વચ્ચે કેપ્ટન સૂર્યાએ ચમકતી વર્લ્ડ કપ ટ્રોફી સાથે ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની છે.

ગાંધીનગર પાસે આવેલી વિશ્વપ્રસિદ્ધ અડાલજની વાવ ખાતે આજે સવારથી જ ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. સૂર્યકુમાર યાદવના આગમનના સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પોતાના મનપસંદ ખેલાડીની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા હતા. સુરક્ષાના કારણોસર સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે ભારતની મુલાકાતે આવેલા ન્યૂઝીલેન્ડ ટીમના કેટલાક વિદેશી મહેમાનો પણ આ ભવ્ય સ્થાપત્યની કોતરણી અને કળા જોવા માટે અહીં પહોંચ્યા હતા.

અડાલજની વાવ ખાતે મીડિયા સાથે વાત કરતા કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રોફી જીતવી એ મારા માટે ખૂબ જ ખાસ અહેસાસ છે. 2024 પછી BCCI અને જય શાહે મારા પર જે વિશ્વાસ મૂક્યો હતો, આ જીત તેનું પરિણામ છે..

' નોંધનીય છે કે, વર્ષ 2023ના વર્લ્ડ કપ ફાઈનલ પહેલા પણ તત્કાલીન કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે આ જ ઐતિહાસિક વાવ ખાતે ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું, જે પરંપરા આજે સૂર્યાએ જાળવી રાખી છે.

8મી માર્ચ 2026ના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં ભારતની જીત બાદ સમગ્ર ગુજરાતમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના મહાનુભાવોએ પણ ટીમ ઇન્ડિયાના પ્રદર્શનને તાળીઓથી વધાવ્યું હતું.

ભારત સતત બીજી વાર T20માં વિશ્વ વિજેતા બનતા અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. અડાલજની વાવ ખાતે થયેલું આ ફોટોશૂટ આ ઐતિહાસિક જીતની સ્મૃતિઓમાં વધુ એક યાદગાર પ્રકરણ ઉમેરશે.