Sat Aug 15 2026

Logo

સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં ટીપી ચેરમેને મહિલા કોર્પોરેટર-પતિને ફટકારતાં બંનેને ફ્રેક્ચર, કેમ થયું ઢીશૂમ ઢીશૂમ ?

2026-08-05 11:41:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરમાં ભાજપ ધારાસભ્યની ઓફિસમાં ટીપી ચેરમેને મહિલા કોર્પોરેટર-પતિને ફટકારતાં બંનેને ફ્રેક્ચર થયું હતું. સોસાયટીના પ્રશ્નોની બેઠકમાં મામલો વણસતાં ઢીશૂમ ઢીશૂમ થયું હતું.

જાણો શું છે સમગ્ર મામલો

સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલય ખાતે ભાજપના જ બે જૂથો વચ્ચેની આંતરિક ખેંચતાણમાં છૂટા હાથની મારામારી થઈ હતી. ધારાસભ્યની હાજરીમાં જ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહર વોરા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

વોર્ડ નંબર 5 (ફૂલપાડા-અશ્વિનીકુમાર)ની ભાતની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલિશન અંગે ચર્ચા કરવા ધારાસભ્ય કાંતિ બલરે કાર્યાલય પર કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનોની બેઠક બોલાવી હતી. સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ આંતરિક વર્ચસ્વની લડાઈ સપાટી પર આવી હતી. કોર્પોરેટર જયશ્રીબેનના પતિ મનહર વોરાએ ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત અને અસંકલનનો આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો.

ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યની હાજરીમાં જ ખુરશી લઈને મારવા દોડ્યા હતા. આ ઝપાઝપીમાં મનહર વોરા અને મહિલા કોર્પોરેટરને હાથ તથા આંગળીના ભાગે ફેક્ચર થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ડિમોલિશન અને ટીપી વિભાગના નિર્ણયોને મુદ્દે પક્ષના જ બે હોદ્દેદારો વચ્ચે ધારાસભ્યની હાજરીમાં થયેલી આ મારામારીના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા.. ભાજપના જ નેતાઓ એકબીજા પર હુમલો કરવા સુધી ઉતરી આવતા પ્રદેશ હાઇકમાન્ડ આ મામલે કેવા શિસ્તભંગના પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

ધારાસભ્યની  હાજરીમાં છૂટાહાથની મારામારી થતા કાર્યાલયમાં ઉપસ્થિત અન્ય લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. બાદમાં કાર્યકર્તા, આગેવાનોએ વચ્ચે પડીને માંડ માંડ બંનેને અલગ કર્યા હતા. શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની જાહેરમાં મારામારી થતા આ મુદો ચર્ચાનો વિષય બન્યો હતો.