Sun Aug 30 2026

Logo

સુરત સ્વિમિંગપુલની આશ્ચર્ય પમાડે તેવી ઘટના

2026-03-30 16:50:01
Author: Pooja Shah
સુરત સ્વિમિંગપુલની આશ્ચર્ય પમાડે તેવી ઘટના

ઘણા લોકો હોવા છતાં યુવાન વલખા મારી ડૂબી ગયો ને કોઈનું ધ્યાન ન ગયું

અમદાવાદઃ વાપીમાં નેશનલ હાઈ-વે પર એક વ્યક્તિના મોત બાદ 20 મિનિટ સુધી કોઈ મદદે ન આવ્યા હોવાના કિસ્સા બાદ સુરત શહેરમાં એક નવાઈ પમાડે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના સ્વિમિંગ પુલમાં એક 22 વર્ષીય યુવાન ડૂબીને મૃત્યુ પામ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે યુવાને ડૂબતા પહેલા બે મિનિટ સુધી વલખા માર્યા હતા અને આસપાસમાં ઘણા લોકો પણ હતા, પરંતુ કોઈનું ધ્યાન ગયું નહીં. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. 

અહીંના અક્ષય રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં 23મી માર્ચે પાંડેસરાનો રહેવાસી પુરુષોત્તમ અશોકભાઈ ચૌધરી નામનો યુવાન બપોરે બે વાગ્યે ન્હાવા પડ્યો હતો. તે સમયે પુલમાં અને આસપાસ લગભગ 20 કરતા વધારે લોકો હાજર હતા. ઘણા પુલમાં જ સ્વિમિંગ કરતા હતા, ધૂબાકા મારતા હતા. આ યુવાન પુલમાં પડ્યા બાદ ડૂબવા વાગ્યો અને બહાર આવવા વલખા મારવા લાગ્યો હતો, જે સીસીટીવીમાં જોઈ શકાય છે.

લગભગ બે મિનિટ સુધી તે હાથ ઉપર કરી સ્થિર રહેવાની અને મદદની મેળવવાની કોશિશ કરતો રહ્યો. તે સમયે તેની આસપાસના લોકોમાંથી કોઈનું આ યુવાન તરફ ધ્યાન ગયું નહીં. ત્યારબાદ તે પુલમાં ડૂબી ગયો અને બેભાન થઈ ગયો હતો. તેને ઓલપાડ સરકારી હૉસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડોક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાએ સૌ કોઈને આશ્ચર્યમાં મૂક્યા છે. આસપાસના લોકો તેની મદદ માટેના ઈશારાને સમજી શકયા નહીં, કે કોઈનું ધ્યાન ગયું નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે સ્વિમિંગ પુલમાં સુરક્ષાની વ્યવસ્થા લઈને સવાલો ઊભા થયા છે.