Fri Jun 19 2026

Logo

સુરતમાં બેંક લૂંટનારા 6 લૂંટારાઓએ 40 મિનિટ કેશ વાનની રાહ જોઈ હતી, જાણો કઈ રીતે કરી દિલધડક લૂંટ ?

2026-04-28 09:25:00
Author: Devayat Khatana
Article Image

સુરત: ગઇકાલે ગુજરાતના ડાયમંડ સિટી સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) શાખામાં આજે ધોળા દિવસે હથિયારધારી લૂંટારૂઓ ત્રાટક્યા હતા. અંદાજે 5થી 6 જેટલા લૂંટારૂઓએ પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી.

40 મિનિટ સુધી બેંકમાં જ કેશ વાનની રાહ જોઈ
પોલીસ તપાસમાં લૂંટની આ ઘટનાના દિલધડક સીસીટીવી ફૂટેજ અને વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટારૂઓ બપોરે 1:11 કલાકે શાંતિથી ગ્રાહકના સ્વાંગમાં બેંકની અંદર પ્રવેશ્યા હતા. તેઓ કોઈ ઉતાવળ કરવાને બદલે પૂરી 40 મિનિટ સુધી બેંકમાં જ બેસી રહ્યા હતા અને કેશ વાન આવવાની રાહ જોઈ હતી. જેવી કેશ વાન બેંકમાં આવી અને કેશ ડિપોઝિટની પ્રક્રિયા શરૂ થઈ, કે તરત જ લૂંટારૂઓએ અસલી ખેલ શરૂ કર્યો હતો.

માત્ર 13 મિનિટમાં લૂંટને અંજામ આપી બાઈક પર ફરાર
બપોરે 1:54 કલાકે લૂંટારૂઓએ પિસ્તોલ કાઢી કર્મચારીઓને બાનમાં લીધા હતા. લૂંટારૂઓએ સૌ પ્રથમ સ્ટાફના મોબાઈલ ફોન છીનવી લીધા હતા જેથી કોઈ પોલીસને જાણ ન કરી શકે. ત્યારબાદ માત્ર 13 મિનિટમાં કેશ વાનમાંથી લાવેલા અને કેશ કાઉન્ટર પર પડેલા મળી કુલ 50 લાખથી વધુની રકમ વિમલના થેલા અને લગેજ બેગમાં ભરી લીધી હતી. લૂંટ ચલાવ્યા બાદ તમામ આરોપીઓ સ્પોર્ટ્સ બાઈક પર સવાર થઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસની સઘન તપાસ અને નાકાબંધી
ઘટનાની જાણ થતા જ DCP આલોક કુમાર સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-1 પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. DCPએ જણાવ્યું હતું કે, "લૂંટારૂઓએ કોઈ બુરખો પહેર્યો નહોતો અને સીસીટીવીમાં તેમના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે." હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને સુરત શહેરમાં ચારે તરફ નાકાબંધી કરીને લૂંટારૂઓને ઝડપી લેવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.