Sat May 02 2026

Logo

સુરત બેંક લૂંટ કેસઃ પોલીસને મળી મહત્વની કડી, ઉધનામાં એક મહિનાથી રહેતા હતા ભાડે

2026-05-02 12:06:00
Author: MayurKumar Patel
Article Image

સુરતઃ વરાછાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં થયેલી દિલધડક લૂંટ કેસમાં પોલીસની અલગ અલગ ટીમ લૂંટ કરનારી ટોળકીનું પગેરું દબાવી રહી છે. જોકે લૂંટ કરનારી ટોળકી દાંડી વિસ્તારમાં રોકાઈ હોવાની એક કડી પોલીસને હાથ લાગી છે. ઉપરાંત લૂંટ કરવામાં વપરાયેલી ત્રણ બાઈક પણ કીમ વિસ્તારમાંથી પોલીસને મળી આવી હતી. જેથી ઓલપાડનો પટ્ટો પકડીને બીજા કોઈ વાહનમાં ટોળકી નાસી ગઈ હોવાની દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. 

ત્રણ બાઈક કીમ વિસ્તારમાંથી મળી 

પોલીસને  લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ત્રણ બાઈક કીમ વિસ્તારમાંથી મળી આવી હતી. જ્યારે લૂટારુંઓ ઓલપાડના દાંડી વિસ્તારમાં રોકાયા હોવાનું પણ પોલીસની તપાસમાં જણાયું હતું. કીમ વિસ્તારમાં બાઈક મૂકી ગયા હોય ત્યાંથી લૂટારુંઓ બીજા કોઈ વાહનમાં બેસીને ઓલપાડ થઈને અંકલેશ્વર તરફ ગયા હોવાનું હાલ પોલીસનું અનુમાન છે 

ઉધનામાં એક મહિનાથી રહેતા હતા ભાડે

પોલીસે આ મામલે તપાસ કરતા તમામ આરોપીઓ ઉધનામાં  છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ભાડે રહેતા હોવાનું પણ સામે આવ્યું હતું. આ સાથે જ છેલ્લા 17 દિવસથી વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકની રેકી કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. બિહારી અને યુ.પી.ની ગેંગ હોવાની દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. લૂંટારૂઓ બેંક સુધી આવ્યા અને લૂંટ કરી ભાગ્યા તે દિશામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.

શું છે મામલો

પાંચ દિવસ અગાઉ વરાછાના લંબે હનુમાન રોડ પર એફિલ ટાવરની સામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લૂંટનો એક બનાવ બન્યો હતો.જેમાં ચારથી પાંચ લૂટારુંઓ દેશી પિસ્તોલ લઈને બેંકમાં ધસી આવ્યા હતા. પિસ્તોલની લૂંટારાઓએ બેંકના કર્મચારીઓને બંધક બનાવીને કેશ કાઉન્ટર પરથી રૂ. 12 લાખની લૂંટ ચલાવી હતી. તે જ સમયે, બેંકની કેશ વેનમાંથી રૂ. 40 લાખ લઈને આવેલા કર્મચારીને પણ લૂંટારાઓએ લૂંટી લીધો હતો. આમ રોકડા રૂ.52  લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. લૂંટ કરનાર ટોળકીએ બેંકના કર્મચારીઓના મોબાઈલ ફોન પણ લઈ લીધા હતા. આ ફોન રસ્તામાં ફેંકતા ગયા હતા. જેમાં 8 જેટલા ફોન વરાછાથી લસકાણા સુધીમાં પોલીસને મળી આવ્યા હતા.