Fri Sep 04 2026

Logo

સુરતમાં આર્કિટેક્ટે ચાલુ કારમાં બીયર પીધી ને પછી કાર ભગાવીને 4ને ઉડાવી દીધા

2026-06-04 11:10:00
Author: Mayur Patel
સુરતમાં આર્કિટેક્ટે ચાલુ કારમાં બીયર પીધી ને પછી કાર ભગાવીને 4ને ઉડાવી દીધા

સુરતઃ શહેરમાં આર્કિટેક્ટે ચાલુ કારમાં બીયર પીધી હતી. જે પછી કાર ભગાવીને અકસ્માત સર્જ્યો હતો. આર્કિટેક્ટે રસ્તા પર જતા બાઇક, સ્કૂટર અને સાઇડમાં પાર્ક કરેલી અન્ય એક કારને જોરદાર અડફેટે લીધી હતી. જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. સરથાણા વિસ્તારમાં બનેલી આ ઘટનાના પગલે થોડીવાર માટે રોડ પરથી પસાર થતાં ચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

કેવી રીતે બની ઘટના

સરથાણા જકાતનાકા પાસે કનૈયા નમકીન નજીક ફૂલ દારૂના નશામાં ચૂર એક આર્કિટેક્ટે પોતાની ઇલેક્ટ્રિક કાર પૂરપાટ ઝડપે હંકારી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. કારની ટક્કરના કારણે બે સગા ભાઈઓ સહિત ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રોષે ભરાયેલા લોકોએ ચાલકને પકડીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.  

યુવક નશામાં એટલો ધૂત હતો કે તેને ભાન નહોતું રહ્યું અને સ્પીડ પરથી કાબૂ ગુમાવી બેસતા કાર મોતની સ્પીડે દોડવા લાગી હતી. કાબૂ બહાર ગયેલી  કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈક સવાર બે સગા ભાઈઓ તથા બે મહિલાઓને અડફેટે લીધી હતી. જે બાદ રોડ સાઇડમાં પાર્ક કરેલી એક કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ઘટના બાદ સ્થાનિકોએ કાર ચાલકને બહાર કાઢ્યો ત્યારે તેને બોલવાના પણ હોશ નહોતા. આ પછી લોકોએ કાર ચાલકને પકડીને મેથીપાક આપ્યો હતો. ઘટનાના પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો અને કાર ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

કાર ચાલક છે મૂળ ભાવનગરનો

અકસ્માત સર્જનારા કાર ટાલકનું નામ વિજય ભીકડીયા (ઉ.વ.32) હોવાનું સામે આવ્યું હતું. આ સરથાણા શ્યામધામ મંદિર પાસે આવેલી પુરુષોત્તમ નગર સોસાયટીમાં રહે છે. ઉપરાંત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડલી ગામનો રહેવાસી છે.