Thu Jun 18 2026

Logo

સુરતના પુણા ખાતે સાડીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કરોડો રૂપિયાનો સામાન બળીને ખાખ

2026-03-28 13:40:00
Author: Vimal Prajapati
Article Image

સુરતઃ ગુજરાતના ટેક્સટાઈલ સિટી સુરતમાં આગની એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.  પુણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીક એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના ચોથા માળે રહેલી સાડીના ગોડાઈનમાં આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હોવાથી આગ વધારે ફેલાઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ કામે લાગી ગઈ હતી. આગે કાબૂમાં લેવા માટે ફાયર વિભાગના કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. 

અર્જુન પાર્ક સોસાયટીમાં આવેલા સાડીનું ગોડાઉન બળીને ખાખ

સુરતના પુણા ગામમાં આવેલા ઉદ્યોગીક વિસ્તારમાં અર્જુન પાર્ક નામની સોસાયટી આવી છે તેમાં આગની ઘટના બની હતી. આ સોસાયટીની એક બિલ્ડિંગમાં ચોથા માટે જે સાડીઓનું મોટું ગોડાઉન હતું તેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.  અહીં મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત મટીરિયલ હોવાના કારણે આગ વધારે વિકરાળ બની હતી. આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. 

કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આગના કારણે લાખો-કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, કેટલું નુકસાન થયું તેનો નિશ્ચિત કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ આંકડો કરોડોમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે કારણ કે, ગોડાઉનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ના થઈ હોવાની તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આગ લાગી ત્યારે ગોડાઉનમાં કોઈ હાજર ના હોવાના કારણે હાનહાનિ ટળી ગઈ છે.

5 ફાયર સ્ટેશનની ગાડીઓએ આગને કાબૂમાં લીધી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે પુણા, વરાછા અને કાપોદ્રા સહિતના શહેરના 5 ફાયર સ્ટેશનની ગાડીઓને તૈનાત કરવામાં આવી હતી. ફાયર કર્મીએ ભારે જહેમતે એક કલાક બાદ આગને કાબૂમાં લીધી હતી. આ આગ શા કારણે લાગી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે તેવું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.