Fri May 08 2026

Logo

સુરત પોલીસનું ‘ઓપરેશન મુસ્કાન’: 4 મહિનામાં 257 બાળકો સહિત 696 લાપતા લોકોનું પરિવાર સાથે મિલન

2026-05-08 19:13:41
Author: Mumbai Samachar Team
Article Image

સુરતઃ ગુજરાત પોલીસ લોકોની મદદ માટે હંમેશા કાર્યરત રહેતી હોય છે. જ્યારે કોઈ પરિવારનો સભ્ય, ખાસ કરીને નાનું બાળક વિખૂટું પડે છે, ત્યારે તે પરિવાર પર આભ તૂટી પડતું હોય છે. તે પીડા અને વેદનાની કલ્પના કરવી પણ અશક્ય છે. આવા પરિવારોના ચહેરા પર ફરીથી ‘મુસ્કાન’ લાવવાના ઉમદા હેતુ સાથે સુરત શહેર પોલીસ દ્વારા એક અત્યંત સંવેદનશીલ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ચાર જ મહિનામાં 257 બાળકો/બાળકીઓ સહિત કુલ 696 લાપતા/અપહ્યુત લોકોને શોધીને તેમનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે. 

સુરત પોલીસે સંવેદનશીલ અભિયાન હાથ ધર્યું 

આ માનવીય અભિગમની સફળતા બદલ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તેના મિસિંગ સેલની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ તેમજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની સૂચનાથી સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર ડૉ. કરનરાજ વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે વર્ષ 2026ના પ્રથમ ચાર મહિનામાં (જાન્યુઆરીથી એપ્રિલ) કુલ ૬૯૬ બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢીને પરિવાર સાથે મિલાવ્યા છે. જેમાં 257 બાળકો/બાળકીઓ અને 439 પુખ્ત વયના સ્ત્રી-પુરુષોનો સમાવેશ થાય છે.

મિસિંગ સેલ અને ક્રાઈમ બ્રાન્ચે કરી પ્રશંસનીય કામગીરી

છેલ્લા ચાર મહિનામાં મિસિંગ સેલ અને ક્રાઈમ બ્રાન્ચે કરેલી કામગીરીના વિગતવાર આંકડા જોઈએ તો, જાન્યુઆરી-2026માં 16 છોકરાઓ, 15 છોકરીઓ, 86 સ્ત્રીઓ અને 35 પુરુષો મળી કુલ 152 વ્યક્તિઓનું મિલન તેમના પરિવાર સાથે કરાવ્યું હતું. ફેબ્રુઆરી માસમાં આ કામગીરીમાં વધુ વેગ સાથે 38 છોકરાઓ, 59 છોકરીઓ, 52 સ્ત્રીઓ અને 44 પુરુષો સહિત સૌથી વધુ 193 લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા. માર્ચ માસમાં 33 છોકરાઓ, 42 છોકરીઓ, 67 સ્ત્રીઓ અને 52 પુરુષો મળી કુલ 194 વ્યક્તિઓને શોધવામાં સફળતા મળી હતી. 

આ સાથે એપ્રિલ-2026ની વાત કરવામાં આવે તો, માં 27 છોકરાઓ, 27 છોકરીઓ, 50 સ્ત્રીઓ અને 53 પુરુષો મળી કુલ 157 વ્યક્તિઓને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા હતા. આમ, ચાર મહિનાના અંતે કુલ 114 છોકરાઓ, 143 છોકરીઓ, 255 સ્ત્રીઓ અને 184 પુરુષો મળી કુલ 696 લોકોના જીવનમાં ફરીથી ખુશીઓ લાવવામાં પોલીસને મોટી સફળતા મળી છે. માત્ર એપ્રિલ-2026ના ટૂંકા ગાળામાં જ સુરત પોલીસે સઘન પ્રયત્નો કરીને કુલ 157 વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. જેમાં આશ્ચર્યજનક રીતે વર્ષ 2022થી 2025 દરમિયાન ગુમ થયેલા જૂના કેસોનો પણ ઉકેલ લાવવામાં આવ્યો છે.

આ કામગીરી માટે મિસિંગ સેલ દ્વારા છેલ્લા 18 વર્ષમાં થયેલા મિસિંગ કેસોના કાગળો અને રજિસ્ટરો ચેક કરીને રી-ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યા હતા. પોલીસની અલગ-અલગ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, સોર્સીસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય રાજ્યોના સ્થાનિક સરપંચો તથા પોલીસનો સંપર્ક કરીને આ શોધખોળ હાથ ધરી હતી. ઘણા કિસ્સાઓમાં ગુમ થયેલા વ્યક્તિઓ રાજ્ય કે જિલ્લા બહાર હોવાનું પણ સામે આવ્યું હતું. ગુજરાત પોલીસની આ કામગીરી સાબિત કરે છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ સામાજિક જવાબદારી અને માનવતાના કાર્યમાં પણ અગ્રેસર છે.