Mon Sep 14 2026

Logo

સુરતમાં સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના: નજીવી બાબતે ચાર સગીરોએ ધોરણ 10ના વિદ્યાર્થીને ચપ્પુના ઘા ઝીંક્યા

2026-03-16 13:49:00
Author: Devayat Khatana
સુરતમાં સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના: નજીવી બાબતે ચાર સગીરોએ ધોરણ 10ના વિદ્યાર્થીને ચપ્પુના ઘા ઝીંક્યા

સુરત: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદના અનેક બનાવોએ તે ઘટનાને તાજી કરી નાખી છે. ત્યારે આજે સુરતમાં સેવન્થ ડે સ્કૂલ જેવી જ ઘટના બની હતી. જેમાં સુરતના પાંડેસરામાં ખૂબ જ સમાન્ય બાબતનો ખાર રાખીને ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ હતી, 

મળતી વિગતો અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં એક નજીવી બોલાચાલી બાબતે ખાર રાખીને એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્કૂલના ગેટની બહાર ચાર વિદ્યાર્થીઓ સાથે મળીને એક વિદ્યાર્થીને આંતર્યો હતો, તેમજ માર માર્યો હતો. જો કે અહીથી ન અટકતા ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં અવાયો હતો. 

આ ઘટનાઆ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ કરેલા આક્ષેપને કારણે પણ આ ઘટના વધુ ચર્ચામાં છે. કારણ કે વિદ્યાર્થીના પિતાનો આરોપ છે કે હુમલો કરનાર સગીરોએ ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. પિતાએ આક્ષેપ કર્યો હતો કે, ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારો સરળતાથી મળી જતાં હોવાના કારણે સગીરોમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમદાવાદના બાપુનગરમાં ટ્યુશનમાં રૂમમાં જગ્યા ન હોવાથી હુમલો કરનાર સગીરને બીજા રૂમમાં બેસવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો.ટ્યુશનમાં થયેલી બોલાચાલીની અદાવત રાખી દેવે પોતાની કમરના ભાગેથી છરો કાઢી સગીરના પેટના ડાબા ભાગે એક ઘા મારી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.