Tue Sep 15 2026

Logo

સુરતમાં એક સમયે ભાજપને ગાળો આપનારા પાટીદાર નેતાના પત્નીને ભાજપે આપી ટિકિટ

2026-04-11 11:03:00
Author: Mayur Patel
સુરતમાં એક સમયે ભાજપને ગાળો આપનારા પાટીદાર નેતાના પત્નીને ભાજપે આપી ટિકિટ

સુરતઃ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં એક સમયે ભાજપને ગાળો આપનારા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા પટેલને પણ ટિકિટ આપવામાં આવી હતી. અલ્પેશ કથીરિયાએ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા છે. પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલને વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપીને ભાજપે મોટું રાજકીય સમીકરણ સાધ્યું છે.

કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. અલ્પેશ કથીરિયાએ ભાજપના નેતા કાવ્યા પટેલ સાથે 2021માં સગાઇ કરતા લોકોમાં કુતૂહલ પણ સર્જાયું હતું. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઈ કરી હતી. જેની તસવીરો વાયરલ થઈ હતી.

અલ્પેશ કથીરિયા કોણ છે

અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની છે. તેમણે LLBનો અભ્યાસ કર્યો છે. અલ્પેશને ધોરણ 12 સુધી તો અનામત શું છે ખબર જ ન હતી. લૉ કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ખબર પડી કે પાટીદારોને અન્યાય થાય છે. તેમને એક પ્લેટફોર્મની જરૂર હતી. 2015માં હાર્દિક પટેલ સુરત ગયા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ અને પાટીદાર અનામત આંદોલનમાં જોડાયા હતા.

ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા. 2015ના આવા જ એક કેસમાં અલ્પેશ કથીરિયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. 2022માં આપમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.

 સુરતમાં ભાજપે 31ને રિપીટ કર્યા હતા. મેયર દક્ષેશ માવાણી, રાજન પટેલને રિપિટ કરવામાં આવ્યા હતા.  જ્યારે બાકીના નવા ચહેરા પર પસંદગી ઉતારવામાં આવી હતી. ત્રણ ટર્મ ચૂંટણી લડી ચુકેલા અને 60 વર્ષની વય પાર કરી ગયેલા ઉમેદવારોની બાદબાકી કરવામાં આવી હતી. સુરતમાં ઉમેદવારોની પસંદગીને લઈ ભારે ખેચતાણ થતા મામલો ગુચવાયો હતો. આ સાથે ભાજપનો જુથવાદ પણ સપાટી પર જોવા મળ્યો હતો. પાર્લામેન્ટરી બોર્ડમાં ચાલેલી મેરેથોન ચર્ચા બાદ પ્રદેશ ભાજપ દ્વારા મોડીરાત્રે સુરત મનપાની  બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા 77 જેટલા નવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. જયારે 30 જેટલા કોર્પોરેટરના રિપીટ કરવામાં આવ્યા હતા.

સુરતમાં કોણ કોણ કપાયું

ત્રણ ટર્મ તેમજ વય મર્યાદાના ક્રાઈટેરીયાને પગલે રાકેશ માળી, હેમાલી બોઘાવાલા, કેતન મહેતા, દિનેશ જોધાણી, નરેશ ધામેલીયા, કનુ પટેલ, બસુ જગરૂ પટેલ, વિનોદ પટેલ અને નાગર પટેલ સહીતના સિનિયર સભ્યોની ટીકીટ કપાઈ ગઈ હતી. કતારગામના વોર્ડ -નં 8 (ડભોલી-સિગણપોર) બેઠકના કોર્પોરેટર ચિમન પટેલની ટિકિટ કપાઈ હતી. જયારે બેઠકનું રોટેશન બદલાવાને કારણે કૃણાલ સેલર, કેયુર ચપટવાલા, નરેન્દ્ર પાંડવ સહિતના કોર્પોરેટરોની બાદબાકી થઈ હતી.