સુરતઃ સુરતમાં ગુનેગારોને પોલીસને ડર જ ના હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી સાથે છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે. આ દીકરી રાત્રે 8 વાગ્યાની આસપાસ ટ્યુશનનથી ઘરે જઈ રહી હતી, તે દરમિયાન 35થી 40 વર્ષીય આધેડ મહંમદ અઝીઝ નામના વ્યક્તિએ તેની છેડતી કરી હતી. આ દરમિયાન દીકરીએ હિંમત દાખવીને ચીસાચીસ કરી તેના કારણે આસપાસમાં રહેલા લોકો દોડી આવ્યા અને આરોપીને ઝડપી લીધો હતો.
પહેલા તો આરોપીને બરાબરનો મેથીપાક આપી દીધો
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા સ્થાનિકોએ આરોપીને બરાબરનો મેથીપાક આપી દીધો હતો. પોલીસ આવી અને આરોપીને વાનમાં બેસાડ્યો ત્યારે પણ ગુસ્સે થયેલા લોકોએ તેને વાનમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. ત્યારબાદ પોલીસ આરોપીને અલથાણ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તે તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી.
ઘટનાની જાણ થતા પાટીદારો ઘટનાસ્થળે આવી પહોંચ્યાં
સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટના બાદ વાતાવરણ તંગ બન્યું છે. આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. જુઓ ગ્રાઉન્ડ ઝીરોથી સીધો રિપોર્ટ. Surat Althan… pic.twitter.com/QnhZGdbO0z
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) April 25, 2026
આ સમગ્ર ઘટના મામલે જ્યારે પાટીદાર સમાજના લોકોને જાણ થઈ ત્યારે વરાછા, કતારગામ, કાપોદ્રા અને સરથાણા જે પાટીદારનો ગઢ ગણાય છે, ત્યાના પાટીદારો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે આવી પહોંચ્યાં હતાં. પાટીદાર સમાજના લોકો, આગેવાનો, સરદાર પટેલ ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યાં હતાં. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે થોડી જ વારમાં 4 હજારથી પણ વધારે પાટીદારો અલથાણ પોલીસ સ્ટેશન આવી પહોચ્યાં હતાં. હજારોની સંખ્યામાં પાટીદારો આવી પહોચ્યાં હોવાના કારણે ત્રણ કિલોમિટર સુદી ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો.
આરોપીનું સરઘસ કાઢવા સમાજે કરી માંગણી
અલથાણ પોલીસ સ્ટેશનની બહાર એક્ઠા થયેલા પાટીદારોની માંગણી હતી કે, અત્યારે જ આરોપીનું સરઘસ કાઢવામાં આવે! સ્થિતિ બેકાબૂ થઈ ગઈ હોવાના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યાં હતાં. આ સાથે પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓએ લોકોને સમજાવવા માટે ખૂબ જ પ્રયત્ન પણ કર્યો પરંતુ લોકો માનવા માટે તૈયાર જ નહોતા. જેથી પોલીસ દ્વારા હળવા બળનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
હિંદુ સંગઠનો પણ અલથાણ પોલીસ સ્ટેશન પહોંચ્યાં
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પાટીદારો સાથે સાથે હિંદુ સંગઠનો પણ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યાં હતાં. આરોપી શેખ અઝીઝને સુરક્ષાના કારણે બીજા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો અને મેડિકલની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યાં પ્રમાણે આરોપી મૂળ તો બારડોલીનો છે અને ડિઝાઈનરનું કામ કરે છે. આરોપી સુરત શા માટે આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.
આરોપી સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી
આ ઘટના મામલે પોલીસે કહ્યું કે, દીકરીના વાલી અને ક્લાસ ટીચરની હાજરીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઈમીડિયેટલી પોક્સો (POCSO)ની જે સેક્શન્સ છે, તે લગાવીને ફરિયાદ લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પીડિતાની માતાએ કહ્યું કે, મારી દીકરીને ન્યાય અપાવવા માટે આટલા લોકો આવ્યા તેના માટે બધાનો આભાર. પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે સારો સહકાર આપ્યો છે. મારી દીકરીને ન્યાય મળતે તે માટે હું પાટીદાર સમાજ, એસપીજી ગ્રુપ સહિત દરેકનો આભાર માનું છું. મારી દીકરી સુરક્ષિત છે.