Sun Oct 04 2026

Logo

ઍરપોર્ટ પર સુરતના વેપારીને છેતરી 1.95 કરોડનું સોનું અને 1.28 લાખ દિરહામ સાથે ઠગ ફરાર

2026-09-12 18:27:22
Author: Yogesh C. Patel
ઍરપોર્ટ પર સુરતના વેપારીને છેતરી 1.95 કરોડનું સોનું અને 1.28 લાખ દિરહામ સાથે ઠગ ફરાર

મુંબઈ: દુબઈથી આવેલા સુરતના કાપડના વેપારીને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કથિત રીતે ઠગીને 1.95 કરોડ રૂપિયાનું સોનું અને 1.28 લાખ યુએઈ દિરહામ (આશરે 33.35 લાખ રૂપિયા) ભરેલી બૅગ સાથે ઠગ ફરાર થઈ ગયો હતો.સુરતના 67 વર્ષના વેપારીએ નોંધાવેલી ફરિયાદને આધારે સહાર પોલીસે બે શખસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી, વિશ્ર્વાસઘાત અને અન્ય સુસંગત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

વેપારીનો ગાર્મેન્ટ બિઝનેસ બંધ થઈ ગયો હોવાથી તે નવું વ્યાપારી સાહસ શરૂ કરવા માગતો હતો. દુબઈ ગયેલો વેપારી કેરળના વતની મોહમ્મદ આસિફના સંપર્કમાં આવ્યો હતો. આસિફે સૂચવ્યું હતું કે તેણે યુએઈમાં કાયદેસર રીતે સોનું ખરીદી કરવું જોઈએ અને તે ભારતમાં વેચવું જોઈએ, એવું ફરિયાદમાં જણાવાયું હતું.આસિફની સલાહ પછી વેપારીએ ગયા મહિને દુબઈમાંથી 1.5 કિલો વજનની સોનાની બે લગડી ક્રેડિટ પર ખરીદી હતી, જેનું મૂલ્ય 1.95 કરોડ રૂપિયા હતું. તેની પાસે 33.35 લાખ રૂપિયા મૂલ્યના દિરહામ પણ હતા, જેમાંથી તે ભારતમાં સોના પરની કસ્ટમ્સ ડ્યૂટી ભરવાનો હતો.

વેપારી દુબઈથી મુંબઈમાં અમિરાતની ફ્લાઈટમાં આવ્યો ત્યારે તેને નિયાસ મોહમ્મદ કટુમડાથિલ મળ્યો હતો, જેણે પોતાની ઓળખ મોહમ્મદ આસિફના પરિચિત તરીકે આપી હતી. ફ્લાઈટ મુંબઈ પહોંચ્યા પછી નિયાસે વેપારીને કસ્ટમ્સની ડિક્લેરેશન પ્રક્રિયામાં મદદરૂપ થવાની તૈયારી દાખવી હતી.ઈમિગ્રેશનની ઔપચારિકતા પૂરી કર્યા પછી વેપારી સોનું જાહેર કરીને તેની કસ્ટમ્સ ડ્યૂટી ચૂકવવાની તૈયારી કરતો હતો ત્યારે નિયાસે મદદ કરવાને બહાને સોનું અને રોકડ ભરેલી કાળી બૅગ પોતાના હાથમાં લીધી હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.

જોકે બાદમાં નિયાસ વેપારીની નજર ચૂકવીને ડોમેસ્ટિક ડિપાર્ચર ગેટ તરફ ઝડપથી નીકળી ગયો હતો અને બેંગલુરુની ફ્લાઈટ પકડીને છટકી ગયો હતો. વેપારીએ મોહમ્મદ આસિફ સાથે મળીને ઍરપોર્ટ પર નિયાસની શોધખોળ કરી હતી, પણ તેની કોઈ ભાળ મળી નહોતી. આખરે વેપારીએ સહાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં નિયાઝ મોહમ્મદ અને કેરળના મલપ્પુરમના રહેવાસી મોહમ્મદ હરીશે આ કાવતરું ઘડ્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)