Thu Jun 18 2026

Logo

સુરતના હથોડા ગામમાં બબાલઃ ગૌહત્યા રોકવા ગયેલી પોલીસ અને ગૌરક્ષકો પર હિંસક હુમલો

2026-02-26 18:33:54
Author: Vimal Prajapati
Article Image

સુરતઃ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામમાં ગૌરક્ષકો પર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગૌહત્યા અટકાવવા ગયેલી પોલીસ ટીમ અને ગૌરક્ષકો પર 50થી પણ વધુ અસામાજિક તત્વોએ હિંસક હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ હિંસક હુમલામાં એક ગૌરક્ષક અને કેટલાક પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. એક ગૌરક્ષકને માથાના ભાગે તલવારના ઘા વાગ્યા હોવાથી સત્વરે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ હિંસક બનાવને કારણે ગામમાં તંગ પરિસ્થિતિ ઊભી થઈ છે.

શું હતો આ સમગ્ર મામલો?

પોલીસે બાતમી મળી હતી કે ગઈકાલે રાતના હથોડા ગામમાં ગૌહત્યા કરવામાં આવી રહી છે, જેથી પોલીસે બાતમીના આધારે હથોડા ગામમમાં તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ગૌરક્ષકોની ટીમ પણ સાથે પહોંચી હતી. ગૌહત્યા અટકાવવા આવેલી ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. હથોડા ગામમાં ગૌહત્યા થવાની પોલીસને બાતમી મળી હતી. જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે છ જેટલા શખસ બાઈક પર આવ્યા અને વિવાદ શરૂ કરી દીધો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે જોતજોતામાં 50થી વધુ લોકોનું ટોળું ત્યાં આવી પહોચ્યું હતું. 

અસામાજિક તત્વોએ હિંસક હુમલો કર્યો 

50થી વધુ સંખ્યામાં આવેલા અસામાજિક તત્વોએ પોતાના સાથે લાવેલા હથિયારો વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી એક પોલીસ કર્મચારીનો હાથ તૂટી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ પોલીસ કર્મચારીઓને કીમ-કોસંબાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, અહીં આ પોલીસ કર્મીઓને સારવાર ચાલી રહી છે.

ગામને છાવણીમાં ફેરવી દેવાનો આદેશ

આ હિંસક હુમલાના કારણે પોલીસે આખા હથોડા ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા આખા ગામને છાવણીમાં ફેરવી દેવાનો આદેશ આપ્યો છે, જેથી પોલીસે આખા ગામને છાવણીમાં ફેરવી દીધું છે પોલીસે કાર્યવાહી કરતા કેટલાક લોકોની ધરપકડ પણ કરી લીધી અને ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં માટે પણ કવાયત હાથ ધરી દેવામાં આવી છે. 

આ હિંસક હુમલા બાદ ગૌરક્ષકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. ગૌરક્ષકોનો આક્ષેપ છે કે, આ વિસ્તારમાં કસાઈઓ કાયદાના ડર વિના ગૌહત્યા કરી રહ્યાં છે. આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.