Tue Oct 06 2026

Logo

સુરતમાં સોસાયટીમાં રમતી બાળકી પર કાર ફરી વળી, કારચાલક પણ સોસાયટીનો જ રહેવાસી

2026-08-01 18:03:21
Author: Pooja Shah
સુરતમાં સોસાયટીમાં રમતી બાળકી પર કાર ફરી વળી, કારચાલક પણ સોસાયટીનો જ રહેવાસી

અમદાવાદઃ અક્સમાતના એક હૃદયદ્રાવક કિસ્સામાં ઘર પાસે સોસાટીમાં રમતી બાળકી પર કાર ફરી વળતા તેનું મોત નિપજ્યું હતું. સુરતમાં કામરેજ સોસાયટીમાં 7 વર્ષની બાળકી સોસાયટીમાં રમતી હતી ત્યારે અહીં જ રહેતા એક યુવકે કારનો ટર્ન લેતા ધ્યાન રહ્યું નહીં અને બાળકી કારની હડફેટે આવી ગઈ હતી. બાળકીને હૉસ્પિટલે લઈ જતા તેનું મોત નિપજ્યાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. 

ઘટનાની મળતી વિગતો અનુસાર અહીંની સૌરાષ્ટ્ર ટાઉનશિપમાં રહેતા રત્ન કલાકાર સંજયભાઈ બોરડની 7 વર્ષની દીકરી જન્નત પોતાના ઘર પાસે રમી રહી હતી. આ સમયે અહીં જ રહેતા એન્જિનિયર અજયકુમાર પોશીયા (35)ની કારે ટર્ન લીધો હતો અને ગાડી નીચે બાળકી આવી ગઈ હતી. બાળકીને લોહીલુહાણ હાલતમાં કારચાલક અને આસપાસના લોકો હૉસ્પિટલે લઈ ગયા હતા, પરંતુ તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું.

બાળકીના પિતાએ કારચાલક સામે ફરિયાદ કરતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોગાનુજોગ બન્ને પરિવાર મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે, જેમાં બાળકીનો પરિવાર મૂળ અમરેલીનો જ્યારે વાહનચાલક મૂળ ગીર-સોમનાથ જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું હતું.