Sun Sep 06 2026

Logo

સુરતમાં મિત્રોએ જ બિઝનેસમેનનો યુવતી સાથે નગ્નાવસ્થામાં વીડિયો ઉતારી દોઢ કરોડ ખંખેરી લીધા

2026-03-11 11:44:00
Author: Tejas Rajpara
સુરતમાં મિત્રોએ જ બિઝનેસમેનનો યુવતી સાથે નગ્નાવસ્થામાં વીડિયો ઉતારી દોઢ કરોડ ખંખેરી લીધા

સુરત: હીરાનગરીના અઠવાલાઈન્સ વિસ્તારમાં વિશ્વાસઘાતની એક એવી ઘટના સામે આવી છે જેણે શહેરીજનોને હચમચાવી દીધા છે. પોતાના જ અંગત મિત્રોએ એક આધેડ વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી, તેમનો વાંધાજનક વીડિયો બનાવી કરોડોની મિલકત પડાવી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અઢી વર્ષ સુધી ચાલેલા આ બ્લેકમેઈલિંગના ખેલમાં આરોપીઓએ માત્ર રોકડ જ નહીં, પરંતુ પરિવારના પેઢી દર પેઢીના દાગીના પણ હડપ કરી લીધા હતા. આખરે ભોગ બનનારના પુત્રને જાણ થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટનાની શરૂઆત અઢી વર્ષ પહેલા થઈ હતી, જ્યારે ફરિયાદીના પરિચિતો મેહુલ જડિયા, વિનોદ મનાની અને યુસુફ ચોકસી તેમને વિશ્વાસમાં લઈ બારડોલી-પલસાણા હાઈવે પર ફરવા લઈ ગયા હતા. ત્યાં અગાઉથી નક્કી કર્યા મુજબ એક અજાણી યુવતીને બોલાવી ફરિયાદીનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને આરોપીઓએ આધેડ પાસેથી 39 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (FD) તોડાવી લીધી હતી.

બ્લેકમેઈલિંગ અહીં જ ન અટક્યું; આરોપીઓએ ફરિયાદીની પત્ની, દાદી અને પુત્રવધૂના અંદાજે 130 તોલા (1 કિલો 300 ગ્રામ) સોનાના દાગીના અને 5 કિલો ચાંદી પણ પડાવી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આરોપીઓ એટલા શાતિર હતા કે તેમણે અસલી દાગીના જેવા જ દેખાતા આબેહૂબ નકલી દાગીના બનાવડાવીને બેંકના લોકરમાં મુકાવી દીધા હતા. આ રીતે તેમણે લાંબા સમય સુધી પરિવારને અંધારામાં રાખ્યો હતો કે તેમના દાગીના લોકરમાં સુરક્ષિત છે.

જ્યારે ફરિયાદીના પુત્રને આ આખી ઘટનાની શંકા ગઈ અને તેણે પૂછપરછ શરૂ કરી, ત્યારે આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મેહુલ જડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મેહુલ અગાઉ પણ હપ્તાખોરીના વિવાદોમાં સંડોવાયેલો હતો. હાલ પોલીસ ફરાર આરોપી યુસુફ ચોકસીને શોધવા અને આ ટોળકીએ અન્ય કોઈને શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.