સુરતઃ નકલી નોટો છાપવાના કૌભાંડમાં ઝડપાયેલો યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા પાસે કોઈ ડિગ્રી ન હોવા છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને સારવારનું નાટક કરતો હતો. ઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદના નામે લોકોની સારવાર કરતા આ પ્રદીપ જોટાંગિયા વિરુદ્ધ સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો ખોલ્યો હતો. ડોક્ટરોના એક પ્રતિનિધિમંડળે રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાને મળીને રજૂઆત કરી હતી.
ડોક્ટરોએ શું રજૂઆત કરી
ડોક્ટરોએ રજૂઆત કરતાં જણાવ્યું કે, પ્રદીપ સામે એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગભરાય. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આવા ઢોંગીઓને કારણે વર્ષો જૂની ભારતની આયુર્વેદિક પરંપરા અને સંસ્કૃતિ બદનામ થાય છે. સરકાર આવા તત્વોને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત આયુર્વેદિક ડોક્ટરોએ આક્ષેપ કર્યો કે પ્રદીપ બાબા માત્ર સોશિયલ મીડિયા પરથી અધકચરું જ્ઞાન મેળવીને ગંભીર બીમારીઓની સારવાર કરવાનો દાવો કરતો હતો. આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી તે નિર્દોષ નાગરિકોને છેતરતો હતો. તેની સામે એવો દાખલો બેસાડવો જોઈએ કે સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં લોકોના રૂંવાડા પણ ઉભા થઈ જવા જોઈએ.
ડોક્ટરોએ જણાવ્યું હતું કે આયુર્વેદ એ વિજ્ઞાન છે, જાદુ કે સોશિયલ મીડિયાના નુસખા નથી. વર્ષોની તપસ્યા અને અભ્યાસ બાદ ડોક્ટરો તૈયાર થતા હોય છે, ત્યારે આવા અભણ અને લાલચુ લોકોના કારણે સમગ્ર આયુર્વેદિક જગતની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. સરકારે આયુર્વેદને આવા ઢોંગીઓથી બચાવવા માટે કડક કાયદાકીય અમલવારી કરવી અત્યંત જરૂરી બની છે.

ડોક્ટરોના પ્રતિનિધિમંડળની રજૂઆત બાદ રાજ્ય આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે અને સતત પગલાં લઈ રહી છે. એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે દરેક ડૉક્ટર, લેબોરેટરી, એક્સ-રે અને સોનોગ્રાફી સેન્ટરોએ ફરજિયાતપણે નોંધણી નંબર લેવો જ પડશે. અમે ગુજરાત સરકારના આ બજેટ સત્રમાં એક્ટમાં સુધારો કરીને આ માટે ચોક્કસ સમયમર્યાદા પણ આપી છે, જેથી બધાને પૂરતી તક મળે. અમારો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ લેભાગુ તત્વો, જેમની પાસે કોઈ માન્ય ડિગ્રી નથી, તેઓ ખાનગી પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરી શકે.
કોણ છે પ્રદીપ જોટાંગિયા
પ્રદીપ ગુરુજીનું સાચું નામ પ્રદીપ દિલીપભાઈ જોટાંગીયા છે. તેણે ક્રિષ્ના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેઓ હવે સાથે રહેતા નથી. આધ્યાત્મિક ગુરુ બનતા પહેલા પ્રદીપ મૂળ રાજકોટમાં 'સત્યમ' નામથી હેર સલૂન ચલાવતો હતો. ત્યારબાદ તેણે રાજકોટમાં જ 'સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટર' અને પટેલ ફાઉન્ડેશનના નામે યોગ ક્લાસની શરૂઆત કરી હતી.
જોકે, રાજકોટમાં લોકોનું મોટું ફૂલેકું ફેરવ્યા બાદ પ્રદીપ સુરત આવી ગયો અને યૂટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યોગ, રોગમુક્તિ અને મેડિટેશનના લાઈવ સેશન અને વીડિયો મૂકવાની શરૂઆત કરી હતી. જેનાથી તેને મોટો અનુયાયી વર્ગ મળ્યો. જે બાદ તેણે પોતાને યોગગુરુ તરીકે પ્રમોટ કરવાનું શરૂ કર્યું હતું.
તેણે સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામમાં 'શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન' ની સ્થાપના કરી હતી. જે બાદ લગભગ 7 વર્ષ પહેલા તેણે લોકોના પૈસે ગામમાં એક વીઘા જમીન ખરીદીને આ સંસ્થા દ્વારા સંચાલિત શ્રી સત્યમ યોગ ધામનું આલિશાન બાંધકામ શરૂ કર્યું હતું. સામાન્ય રીતે આશ્રમ ખુલ્લા હોય છે, પરંતુ પ્રદીપે આશ્રમની ફરતે 15 ફૂટ ઊંચી દીવાલ અને લોખંડના તારની ફેન્સીંગ કરી એક કિલ્લો બનાવી દીધો હતો. આ બાબતે જ્યારે ગામના લોકોએ વિરોધ કર્યો, ત્યારે તેણે બહાનું કાઢતા જણાવ્યું કે, આ બધું અંગત સુરક્ષા અને યોગની એકાગ્રતા માટે છે.
પ્રદીપ જોટાંગિયાની ધરપકડ બાદ તેની વૈભવી લાઈફ સ્ટાઈલના એક બાદ એક વીડિયો પણ સામે આવ્યા હતા. પ્રદીપને રજવાડી જીવનશૈલી જીવવાનો પણ ભારે શોખ હતો. એક વીડિયોમાં તે ઘોડા પર સવાર થઈને મહારાણા પ્રતાપના સોંગ ઉપર અશ્વ સવારી કરતો જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં આ મહાઠગ ભગવાન શ્રીકૃષ્ણનો વેશ ધારણ કરીને ભક્તોની વચ્ચે મટકી ફોડતો નજરે પડે છે. શ્રદ્ધાળુઓને આકર્ષવા અને પોતાની છબી એક દૈવી પુરૂષ તરીકે ઉભી કરવા તે આવા ધાર્મિક નાટકો કરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે, આ નકલી યોગગુરૂએ પોતાના આશ્રમમાં જ ઓપરેશન થિયેટર જેવી વ્યવસ્થા ઉભી કરી હતી. આશ્રમમાં 2 એવા રૂમ મળી આવ્યા છે જે ઓપરેશન થિયેટર તરીકે વપરાતા હતા, જેમાં તમામ મેડિકલ સાધન-સામગ્રી પણ હતી. આ સાધનોનો ઉપયોગ કેવી રીતે અને કોના પર કરતો હતો તે મુદ્દે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ શખસ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે. ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ જોટંગિયા સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો.