Sat Sep 05 2026

Logo

યોગ ગુરુ પ્રદીપની પૂછપરછમાં થયો મોટો ઘટસ્ફોટ, જીવતો હતો વૈભવી લાઈફ સ્ટાઈલ

2026-03-21 12:19:00
Author: Mayur Patel
યોગ ગુરુ પ્રદીપની પૂછપરછમાં થયો મોટો ઘટસ્ફોટ, જીવતો હતો વૈભવી લાઈફ સ્ટાઈલ

અમદાવાદઃ નકલી નોટ કૌભાંડમાં પકડાયેલા સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના સાથીદારોના કોર્ટે 10 દિવસના રિમાંડ મજૂર કર્યા હતા. જે બાદ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. યોગ ગુરુ પ્રદીપે 3 કરોડ રૂપિયાની નકલી નોટ બજારમાં ફરતી કરી દીધી હતી.

તપાસમાં બહાર આવ્યું  કે, સુરતના શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે પ્રદીપ જોટાંગિયા નકલી નોટોનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીઓએ છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ આશરે અઢી થી ત્રણ કરોડ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરી દીધી હતી. પોલીસે મુકેશ ઠુમ્મરના ઘરે દરોડો પાડી 500 રૂપિયાના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી હતી. આરોપીઓ અત્યંત આધુનિક રીતે AIની મદદથી અસલી નોટો સ્કેન કરી તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા. નકલી નોટ છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ ચીનથી મંગાવવામાં આવતો હતો. આ કાગળમાં આરબીઆઈનો લોગો અને ભારતનું નામ અગાઉથી હોવાની શક્યતા છે.

આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા ચીન મારફતે ભારતના અર્થતંત્રને તોડવા માટે આ 'ઈકોનોમિક ટેરર' ચલાવવામાં આવતું હોવાની આશંકા છે. જેને પગલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને રૉ જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

આ ઉપરાં તેની વૈભવી લાઈફ સ્ટાઈલના વીડિયો પણ સામે આવી રહ્યા છે. પ્રદીપને રજવાડી જીવનશૈલી જીવવાનો પણ ભારે શોખ હતો. તપાસ દરમિયાન તેના એવા વીડિયો સામે આવ્યા છે, જેમાં તે કિંમતી ઘોડા પર સવાર થઈને મહારાણા પ્રતાપના સોન્ગ ઉપર અશ્વ સવારી કરતો જોવા મળે છે. એક વીડિયોમાં આ મહાઠગ ભગવાન શ્રીકૃષ્ણનો વેશ ધારણ કરીને ભક્તોની વચ્ચે મટકી ફોડતો નજરે પડે છે. શ્રદ્ધાળુઓને આકર્ષવા અને પોતાની છબી એક દૈવી પુરૂષ તરીકે ઉભી કરવા તે આવા ધાર્મિક નાટકો કરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો  કે, આ નકલી યોગગુરૂએ પોતાના આશ્રમમાં જ ઓપરેશન થિયેટર જેવી વ્યવસ્થા ઉભી કરી હતી. આશ્રમમાં 2 એવા રૂમ મળી આવ્યા છે જે ઓપરેશન થિયેટર તરીકે વપરાતા હતા, જેમાં તમામ મેડિકલ સાધન-સામગ્રી પણ હતી. આ સાધનોનો ઉપયોગ કેવી રીતે અને કોના પર કરતો હતો તે મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું  કે, આ શખસ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે. ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ જોટંગીયા સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો.