સુરત: સુરતમાં ડીઆરઆઈની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન પર એક ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ડીઆરઆઈના અધિકારીઓ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાંથી લગભગ 2 કિલોગ્રામ જેટલો શુદ્ધ કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ડ્રગ્સના આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં અંદાજિત કિંમત 20 કરોડ જેટલી થાય છે.
એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
આ મામલે ડીઆરઆઈએ ડ્રગની તસ્કરીમાં સામેલ એક મુસાફરની ધરપકડ કરી હતી. આરોપી સામે ડ્રગ્સ અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે.
ડીઆરઆઈના અધિકારીઓએ ટ્રેનની અંદર તપાસ કરી
આ અંગે મળતી માહિતી મુજબ ડીઆરઆઈના અધિકારીઓએ ટ્રેનની અંદર તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ અને હાવભાવ ધરાવતા એક મુસાફર પર અધિકારીઓની નજર પડી હતી. તેને અટકાવીને જ્યારે તેના સામાનની સઘન તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કિંમતી કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો. આ શુદ્ધ કોકેઇન પકડાતા જ રેલવે સ્ટેશન પરિસરમાં સનાટો વ્યાપી ગયો હતો.
આ જથ્થો તેને મુંબઈ પહોંચાડવાનો હતો
આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, તે દિલ્હીથી આ ડ્રગ્સ માત્ર એક "કેરિયર" (માલ પહોંચાડનાર) તરીકે લઈને નીકળ્યો હતો. આ જથ્થો તેને મુંબઈ પહોંચાડવાનો હતો અને ત્યાં કોઈ અન્ય એજન્ટને સોંપવાનો હતો. હાલમાં આ ડ્રગ્સનો મુખ્ય સોર્સ કયો છે, દિલ્હીમાં આ ડ્રગ્સ તેને કોણે આપ્યું અને મુંબઈમાં આ કલેક્શન કોણ લેવાનું હતું તે દિશામાં આરોપીની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.