અમદાવાદઃ ગુજરાતના સુરતમાં મહિલા ડાયેટિશિયનની પતિએ કથિત હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહને લાકાડના બોક્સમાં સ્ટફ કરી તેના જૂના મકાનમાં મૂકી આવ્યો હોવાની માહિતી પોલીસસૂત્રોએ આપી હતી.
પતિ વિશાલ સાલ્વીએ પત્ની શિલ્પા સાલવીની હત્યા 20મી એપ્રિલે કરી હતી અને ત્યારબાદ મૃતદેહને સુરતમાં પોતાના જૂના ઘરે ટ્રાન્સપોર્ટ કરી દીધો હતો. તેણે કથિત રીતે મૃતદેહને લાકડાના બોક્સમાં મૂકી દીધો હતો અને તેના પર સિમેન્ટ પાથરીને તેને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
સલબતપુરા પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર દંપતી તેમના પુત્ર સાથે શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતું હતું. 20મી એપ્રિલે પતિએ પત્નીનાં ગૂમ થયાની ફરિયાદ ગોડાદરા પોલીસ સ્ટેશને નોંધાવી હતી. જોકે, પાછળથી તેણે તેના દીકરાને એક પત્ર આપ્યો અને ઘરેથી ગાયબ થઈ ગયો.
પત્રના આધારે પોલીસે મહિલાને સલબતપુરામાં તેના જૂના ઘરમાં શોધી કાઢી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીને પકડવા વિવિધ ટીમ બનાવવામાં આવી છે. આ સાથે હત્યા પાછળનું કારણ જાણવા અને હત્યામાં અન્ય કોઈ તેની સાથે હતું કે નહીં તે માટે પોલીસ તપાસ કરી રહી છે.