અમદાવાદઃ સુરતની સિવિલ હૉસ્પિટલમાં પીજીમાં અભ્યાસ કરતા 30 વર્ષીય ડૉ. હર્ષ પંડ્યાએ કરેલા આપઘાતની ઘટનાની ગંભીરતાથી લઈ આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ તપાસ માટે કમિટીની રચના કરી હતી. આ સાથે તેમણે મૃતકના પિતા સાથે ફોન પર વાતચીત કરી તેમને સાંત્વના આપી હતી તેમ જ ન્યાયની ખાતરી આપી હતી.
રાજ્ય સરકારે આપેલી વિગતો અનુસાર નવી સિવિલ હૉસ્પિટલના સુપરિટેન્ડન્ટ અને ડીનની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાને 24 કલાકમાં રિપોર્ટ તૈયાર કરવાની કડક સૂચના આપી હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે તપાસ પૂર્ણ થયા બાદ જ તપાસ કમિટીના સભ્યોને ઘરે જાય તેવી સૂચના પણ આપી હતી. રવિવારે જ રાત સુધીમાં તમામ વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવશે અને રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર ખાતે નિયામકને મોકલવામાં આવશે, તેવી માહિતી મળી હતી. મૃતક ડો. હર્ષને કોઈ પરેશાન કરતું હતું અથવા તેમની સાથે રેગિંગ જેવી કોઈ ઘટના ઘટી હતી કે શું તે અંગે પણ તપાસ થશે. દરમિયાન મૃતકનું પેનલ ફોરેન્સિક પોસ્ટ મોર્ટ્મ કરવામાં આવ્યું હોવની માહિતી પણ મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં આવેલી પીજી હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
હર્ષ મૂળ અરાવલ્લી જિલ્લાના મોડાસા ગામનો વતની હતો ને નવી સિવિલ હૉસ્પિટલમાં માર્ક્રોબાયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. આ સાથે તે રેસિડેન્ટ ડોક્ટર તરીકે પણ ફરજ બજાવતો હતો. હર્ષ નિયત સમયે હૉસ્પિટલે ન આવતા તેના રૂમમ પર તપાસ કરવા ગયેલા સાથી ડોકટરને તેણે જવાબ ન આપતા દરવાજો તોડવો પડ્યો હતો અને તેની પંખા સાથે લટકેલી લાશ મળી હતી.