Mon May 18 2026

Logo

હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેફામ, ભાજપ નેતાને રહેંસી નાખ્યો

2026-05-18 13:59:00
Author: Mayur Kumar Patel
Article Image

સુરતઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા ચકચાર મચી ગઇ હતી.

કોણ છે ભાજપ નેતા

જય દલાલ ડિંડોલી વોર્ડ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે. તેઓ ઉધના વિસ્તારના  ધારાસભ્ય સંગીતાબેન પાટીલની નજીક ગણાતા અને તેમની સાથે રાજકીય-સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા. જાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે જય દલાલ પર તૂટી પડ્યા હતા. ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું.

શું છે મામલો

મૃતકના માતાએ કહ્યું, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો કે, જયને ગંભીર ઘા વાગ્યા છે અને હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તે દમ તોડી ચૂક્યો હતો. મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના ત્રણ આરોપીઓએ તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા હતા. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે તેમને જેલ થઈ હતી. જેને પગલે અદાવત રાખીને તેમણે તેના પુત્ર પર હુમલો કરીને તેને રહેંસી નાખ્યો હતો.

સુરતમાં છેલ્લા એક મહિનામાં થયેલી હત્યાઓ

બે દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકાના બગુમરા ખાતે આવેલી મહાદેવ પેલેસ સોસાયટીના એક ફ્લેટમાંથી 22 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. યુવતી સાથે લિવ ઈનમાં રહેતો શિવમ નામનો યુવક ફરાર થઈ જતાં પોલીસે હત્યાની આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના સ્થળેથી કેટલી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી હતી, જેના કારણે યુવતી સાથે દુષ્કર્મ કે અન્ય કોઈ અજુગતું બન્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

આ પહેલા મે મહિનાના બીજા અઠવાડિયામાં લિંબાયતના ગણેશનગર પાસે બાઈક અથડાવા જેવી નજીવી બાબતે રાહુલ જોગી નામના રીઢા ગુનેગારે 17 વર્ષના  કિશોરની ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. ભેસ્તાન વિસ્તારમાં એક ભંગારના વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ઉધના/ભેસ્તાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી  હતી.

એપ્રિલના અંતમાં સલાબતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વિશાલ સાવલી નામના પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરી દીધી હતી. પાપ છુપાવવા માટે તેણે પત્નીની લાશને લાકડાની પેટીમાં મૂકી ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર (ચણતર) કરી દીધું હતું અને ૫ દિવસ સુધી ઘરમાં જ રહ્યો હતો. અંતે પુત્રને ચિઠ્ઠી આપીને તે ફરાર થઈ ગયો હતો, જે બાદ આખો મામલો ખૂલ્યો હતો.