સુરત: સામાન્ય રીતે જાહેર હિતને ધ્યાને લઇને વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં સરકારના આદેશ પર વહીવટી તંત્ર સુરક્ષા વ્યવસ્થા સાથે આ કાર્યવાહી કરતી હોય છે પણ શું તમે ક્યારેય 'ભૂતિયા' ડિમોલિશન કાર્યવાહી વિશે સાંભળ્યું છે.
તો આવી જ કઈક ઘટના સ્માર્ટ સિટી સુરતમાંથી બહાર આવી છે, કે જ્યાં શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર 30 મે થી 1 જૂન દરમિયાન અધિકારીઓ અને પોલીસની હાજરીમાં સતત ત્રણ દિવસ સુધી ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી અને આ દરમિયાન અંદાજે 100 કરતાં વધારે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પણ હવે આ ડિમોલિશન કાર્યવાહી કોણે કરી તે સ્વીકારવા જ કોઈ તૈયાર નથી અને આ મુદ્દો ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે.
હવે આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ એન્ટ્રી કરી છે અને તેમણે કહ્યું છે કે ભાજપના રાજમાં ગુજરાતમાં બિલ્ડરો, ભૂમાફિયાઓ અને સરકારમાં બેઠેલા અમુક લોકોની મિલીભગતથી જમીનો પચાવી પાડવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારીથી તેને પ્રોત્સાહન મળે છે, તેમણે કહ્યું હતું કે ઉદ્યોગપતિ કે મોટા લોકોના દબાણો પર બુલડોઝર એક્શન લેવામાં નથી આવતા પણ ગરીબોની જમીન અને તેના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે.
તેમણે સુરતમાં કરવામાં આવેલી કાર્યવાહી મામલે વાત કરતાં કહ્યું હતું કે સુરતમાં 29 તારીખે કોઈ પણ જાતની નોટિસ કે જાણ વગર જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફની હાજરીમાં બુલડોઝર કાર્યવાહી કરીને 100 જેટલા પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ ડિમોલિશન કર્યું કોણે કર્યું તેની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કોઈએ જવાબ આપવા તૈયાર નથી.
તેમણે કહ્યું કે મ્યુનિસપિલ કમિશનર કહે છે કે અમે નથી કરાવ્યું, પોલીસ કમિશનરે કોઈ જવાબ આપ્યો નથી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે તો પોલીસ પ્રોટેક્શન કોના દ્વારા માંગવામાં આવ્યું તે અંગે પ્રશ્ન કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા 10 દિવસથી કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિકો દ્વારા સતત રજૂઆતો અને આંદોલન કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
સુરતમાં ૨૯ તારીખે કોઈપણ જાતની નોટિસ વગર, પોલીસ પ્રોટેક્શન હેઠળ ગરીબોના ૧૦૦ કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર ડિમોલિશન કોણે કરાવ્યું તેનો મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ કમિશનર પાસે કોઈ જવાબ નથી. બિલ્ડરો અને ભૂમાફિયાઓને ફાયદો કરાવવા માટે પ્રશાસન અને સરકારમાં બેઠેલા… pic.twitter.com/ZPyGysAQbb
— Gujarat Congress (@INCGujarat) June 9, 2026
અંતે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જે લોકોએ ખોટું ડિમોલિશન કર્યું છે, જે પણ અધિકારીઓ સાથે રહ્યા હતા, જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું હતું અને જે પણ કમિશનરનું અધિકારક્ષેત્ર હોય તે તમામની સામે આગામી ત્રણ દિવસમાં જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવે તેમજ પીડિતોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે, તો પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિ મંડળ સુરત જઈને સ્થાનિક રહીશો સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.