સુરતઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. જેવામાં હવે સુરતમાં મડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક તરફ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અને બીજા બાજુ ભૂંકપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે અને તેનું કેન્દ્ર બિંદુ સુરતથી આશરે 42 કિમી દૂર નોંધાયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુરતમાં વરસાદની વચ્ચે 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
રાજ્યમાં અત્યારે અમદાવાદ, સુરત, વલસાડ, વાપી અને નવસારીમાં વરસાદે ભારે તારાજી સર્જી છે, અનેક જિલ્લાઓમાં તે સુરક્ષાને ધ્યાને રાખતા રાજ્યની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. તેવામાં સુરતમાં ભારે વરસાદની વચ્ચે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. જો કે, ભૂંકપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
કુદરતી આફતોને લઈને લોકોમાં ભયનો માહોલ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુરત નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકોમાં કુદરતી આફતોને લઈને ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે, ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર મળ્યાં નથી. ભારે વરસાદ અને ભૂકંપના આંચકાની સ્થિતિને ધ્યાને રાખતા તંત્ર દ્વારા સતર્ક રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
295 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું
સુરતમાં ભારે વરસાદ વચ્ચે અંબિકા તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિને ધ્યાને રાખતા 7 ગામોમાંથી 295 લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અંબિકા નદી અને ઓલણ ખાડીઓના જળસ્તરમાં વધારાને પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર તેમજ તાલુકા પ્રશાસન દ્વારા ત્વરિત પગલાં ભરીને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 295 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.