Wed Sep 09 2026

Logo

સુપ્રીમ કોર્ટે ડુંગળી- લસણના સંશોધન મુદ્દે દાખલ કરેલી પીઆઇએલ ફગાવી, વકીલ પર નારાજગી વ્યક્ત કરી...

2026-03-09 17:11:18
Author: Chandrakant Kanoja
સુપ્રીમ કોર્ટે ડુંગળી- લસણના સંશોધન મુદ્દે દાખલ કરેલી પીઆઇએલ ફગાવી, વકીલ પર નારાજગી વ્યક્ત કરી...

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક વકીલે ડુંગળી અને લસણના સંશોધન મુદ્દે દાખલ કરેલી જાહેર હિતની અરજી પર નારાજગી વ્યક્ત કરીને ફગાવી દીધી  છે. તેમજ વકીલને  પૂછ્યું છે કે શું તમે આ બધી અરજીઓ અડધી રાતે ડ્રાફ્ટ કરો છો. આ બેન્ચના વડા સીજેઆઇ  સૂર્ય કાંતે અરજીઓની પ્રકૃતિ અને મુસદ્દા પર પ્રશ્ન ઉઠાવતા ટિપ્પણી કરી  હતી. તેમજ પૂછ્યું હતું કે શું તમે આ બધી અરજીઓ મધ્યરાત્રિએ તૈયાર કરી રહ્યા છો. આ અરજીમાં ડુંગળી અને લસણમાં તામસિક છે કે તેમાં નકારાત્મક તત્વો છે તે અંગે સંશોધન કરવા માટે એક સમિતિ બનાવવાનો નિર્દેશ કોર્ટને આપવાની માંગ કરવામાં આવી હતી. 

જૈન સમુદાય ડુંગળી, લસણ અને કંદમુળને તામસિક ખોરાક ગણીને ટાળે 

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જૈન સમુદાય ડુંગળી, લસણ અને કંદમુળને તામસિક ખોરાક ગણીને ટાળે છે. સુનાવણી દરમિયાન અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે આ મુદ્દો સામાન્ય છે. તેમજ ગુજરાત હાઇકોર્ટમાં તાજેતરમાં છૂટાછેડા પણ ખોરાકમાં ડુંગળીના ઉપયોગના લીધે થયા હતા. ત્યારે કોર્ટે પૂછ્યું, કે શું તમે જૈન સમુદાયની લાગણીઓને કેમ ઠેસ પહોંચાડવા માંગો છો. 

અન્ય ત્રણ પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો 

સુપ્રીમ કોર્ટે આ અરજી ઉપરાંત વકીલ દ્વારા દાખલ કરાયેલી અન્ય ત્રણ પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જેમાં  દારૂ અને તમાકુ ઉત્પાદનોમાં કથિત હાનિકારક ઘટકોને નિયંત્રિત કરવા માટે દિશાનિર્દેશો માંગવા,મિલકતોની ફરજિયાત નોંધણી સુનિશ્ચિત કરવાની માંગ અને  શાસ્ત્રીય ભાષાઓની ઘોષણા માટે માર્ગદર્શિકા બનાવવાની માંગની હતી.