Mon Jul 27 2026

Logo

એકસ્ટ્રા અફેર: કલમ 142નો ઉપયોગ: સુપ્રીમનો ઉદ્દેશ સારો પણ ન્યાય ઝડપી નહીં થાય

2026-05-30 08:32:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણની કલમ 142 હેઠળ પોતાને મળેલી ખાસ સત્તાનો ઉપયોગ કરીને દેશની તમામ હાઈ કોર્ટને કેસોના ચુકાદા ઝડપથી આપવા અને  ન્યાયમાં થતો વિલંબ રોકવા માટે કેટલાંક ફરમાન કર્યાં છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, હાઈ કોર્ટના જજ કોઈ પણ ચુકાદો અનામત રાખે પછી તેની ત્રણ મહિનામાં જાહેરાત કરી દેવી પડશે.
 
જામીનના કેસમાં દલીલો પૂરી થઈ જાય પછી એ જ દિવસે ને મોડામાં મોડા બીજા દિવસે ચુકાદો જાહેર કરી દેવો પડશે. અંડરટ્રાયલ આરોપીને જામીન મળે તો તેની જાણ એ જ દિવસે કરીને તેને બધી પ્રક્રિયા પૂરી કરીને એ  દિવસે છોડી દેવો પડશે ને ટ્રાયલ કોર્ટને પણ એ જ દિવસે જામીન મંજૂર કરાયા હોવાની જાણ કરવી પડશે. હાઈ કોર્ટ કોઈ પણ ચુકાદો આપે તેના 24 કલાકમાં વેબસાઈટ પર ચડાવી દેવાનો રહેશે. 

ઝારખંડ હાઈ કોર્ટમાં કેસોના ચુકાદામાં અને ચુકાદા ચડાવવામાં થતા વિલંબને લગતા કેસમાં સુપ્રીમ કોર્ટે બીજાં પણ ઘણાં ફરમાન કર્યાં છે. તેમાંથી મોટા ભાગનાં ફરમાન હાઈ કોર્ટ પ્રોસીજરને લગતાં છે તેથી બધાની વાત માંડવાનો અર્થ નથી પણ આ બધાં ફરમાનોના કારણે ન્યાયતંત્રમાં થતો વિલંબ દૂર થઈ જશે કે કેસોના ચુકાદા ઝડપથી આવી જશે એવી આશા કમ સે કમ અત્યારે તો લાગતી નથી. 

તેનું કારણ એ કે, ભારતમાં કેસોના ચુકાદા ઝડપથી નથી આવતો અને ન્યાયમાં અસહ્ય અને વાસ્તવમાં અપરાધિક વિલંબ થાય છે તેના માટે ઘણાં કારણો જવાબદાર છે. હાઈ કોર્ટની પ્રોસીજર ન્યાય મેળવવાની લાંબી  પ્રક્રિયાનો એક ભાગ છે. સુપ્રીમ કોર્ટનાં ફરમાનોથી આ પ્રોસીજરમાં સુધારો થઈ જશે એવી આશા નથી પણ માનો કે સુધારો થઈ જાય તો પણ તેના કારણે આખું ન્યાયતંત્ર ઝડપથી કામ કરતું થઈ જશે એવી આશા ના રાખી શકાય. 

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, હાઈ કોર્ટમાં રોજનાં હજારો લોકો રાહત માટે આવે છે પણ હાઈ કોર્ટોમાં અયોગ્ય વિલંબ થાય છે. તેના કારણે ન્યાયમાં વિલંબ થાય છે તેથી ન્યાયતંત્રની વિશ્વસનિયતાને ધક્કો પહોંચે છે અને લોકોના ન્યાયતંત્રમાં વિશ્વાસ ડગી રહ્યો છે. આ વાત સાવ સાચી છે પણ તેનો ઉપાય સુપ્રીમ કોર્ટના થોડાંક ફરમાનોની પાટાપિંડી નથી. તેના માટે આખી સિસ્ટમને સુધારવી પડે,  ખાલી અનામત રખાયેલા ચુકાદા ઝડપથી જાહેર કરવા કે જામીન અરજીની સુનાવણી પતે કે તરત ચુકાદો જાહેર કરવા જેવા નિયમો બનાવવાથી ઝડપ ના આવે. 

સુપ્રીમ કોર્ટે નિયમો બનાવવા જ હોય તો જામીન અરજી થાય તેના વધારેમાં વધારે ચાર દિવસ કે અઠવાડિયામાં તેનો નિકાલ થઈ જાય એવો નિયમ બનાવવો પડે. એ જ રીતે હાઈ કોર્ટમાં આવતા કોઈ પણ કેસમાં વધુમાં વધુ ત્રણ મહિના ને બહુ ખેંચાય તો છ મહિનામાં ચુકાદો આવી જાય એવું ફરમાન કરવું જોઈએ. અત્યારે તો હાઈ કોર્ટમાં કેસ આવે પછી તમામ પક્ષકારોને નોટિસ આપવાથી માંડીને બીજી પ્રક્રિયામાં જ છ મહિના નિકળી જાય છે. પછી પક્ષકારો હાજર થવામાં ઠાગાઠૈયા કરે તેમાં તારીખ પર તારીખ પડતી જાય ને કેસ લંબાતો જાય. 

એ જ રીતે જામીન અરજીનો ચુકાદો આવવામાં જ ઘણી વાર બબ્બે ત્રણ-ત્રણ મહિના નિકળી જાય છે. તેમાં રાજકીય દબાણ હેઠળ કોઇને ફિટ કરી દીધો હોય તો બાર મહિના લગી જામીન અરજીનો ચુકાદો જ ના આવે એવું પણ થઈ જાય છે. આ સ્થિતિ બદલવાની જરૂર છે ને સમગ્ર પ્રક્રિયા ઝડપી થાય ને દરેક પ્રકારના કેસ માટે નિશ્ચિત સમયમર્યાદા નક્કી થાય એ જરૂરી છે પણ તેના બદલે સુપ્રીમ કોર્ટે જેનાથી ઝાઝો ફરક ના પડે એવાં ફરમાન કરી દીધાં છે. 

સુપ્રીમ કોર્ટે બીજી લગામ હાઈ કોર્ટ દ્વારા મનફાવે એ રીતે કેસોની પ્રાયોરિટી નક્કી કરાય છે તેના પર મૂકવાની છે. અત્યારે હાઈ કોર્ટો પોતાને મનફાવે એવા કેસો લઈ લે છે ને પછી પ્રાયોરિટીના ધોરણે તેમની સુનાવણી પણ હાથ ધરી દે છે. હિંદુ મંદિરો તોડીને મુસ્લિમ આક્રમણખોરોએ મસ્જિદો બનાવી નાંખી સહિતના કેસો તેનો પુરાવો છે. આ પ્રકારના કેસો મહત્ત્વના છે કે નહીં એ નક્કી કરવાનું કામ સુપ્રીમ કોર્ટ પર છોડી દેવું જોઈએ. સુપ્રીમ કોર્ટને લાગે કે, આ કેસ સુનાવણી કરવા જેવો છે તો જ તેને દાખલ કરે, બાકી તેને ઊગતો જ ડામી દે તો આપોઆપ જ કેસોનો ભરાવો બંધ થઈ જાય. 

એ જ રીતે ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં જેવો વ્યવહાર દરેક કેસ સાથે થાય છે એ પણ બદલવો જરૂરી છે. કેટલાક કેસ એવા હોય કે જે બે-ચાર સુનાવણીમાં જ પતી જાય એવા હોય ને કેટલાક કેસ લાંબા ચાલે એવા હોય. હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પોતાની વિવેકબુદ્ધિને આધારે જજોને કેસોની ફાળવણી કરતા હોય છે. તેના બદલે એક સિસ્ટમ હોવી જોઈએ કે જેમાં સામાન્ય લાગતા કેસો ઝડપથી પતી જવા જોઈએ જ્યારે બહુ મહત્ત્વના કેસો લાંબા ચાલે તો વાંધો નહીં. 

ખાસ કરીને ભ્રષ્ટાચાર સહિતના નીતિમત્તાને લગતા કેસોનો નિકાલ ઝડપથી આવે એવી સ્થિતિ હોવી જોઈએ. આ તો બે ઉદાહરણ છે પણ આ પ્રકારનાં બીજી પણ ઘણી એવી બાબતો છે કે જેના પર સુપ્રીમ કોર્ટ લગામ મૂકી શકે છે. 

સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ પોતાને મળેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરવો જ હતો તો ખરેખર ન્યાય ઝડપથી થાય એ માટે વધારે આકરાં પગલાં ભરવાની જરૂર હતી. 

ભારતીય બંધારણની કલમ 142 સુપ્રીમ કોર્ટને કોઈપણ પેન્ડિંગ કેસમાંસંપૂર્ણ ન્યાય સુનિશ્ચિત કરવા માટે જરૂરી કોઈપણ હુકમનામું અથવા આદેશ પસાર કરવાની અસાધારણ સત્તા આપે છે. સુપ્રીમ કોર્ટ અસરકારક રીતે  પ્રક્રિયાગત અથવા બંધારણીય અવરોધોને બાયપાસ કરીને વિશેષ સત્તા હેઠળ આદેશો આપી શકે છે એ જોતાં સુપ્રીમ કોર્ટે સપાટો બોલાવી દેવાની જરૂર હતી. તેના બદલે સુપ્રીમ કોર્ટે કોઈ ફરક જ ના પડે એવાં ફરમાનો કરીને સોનાની જાળ પાણીમાં નાંખી દીધી હોય એવું લાગે છે. 

ભારતમાં ન્યાયતંત્ર એક સમયે અત્યંત શક્તિશાળી મનાતું હતું અને લોકો આંખ મીંચીને ન્યાયતંત્રમાં વિશ્વાસ મૂકતા હતા. બીજે બધે ભલે અન્યાય થાય પણ કોર્ટમાં જઈશું એટલે ન્યાય મળશે જ એવો લોકોનો પાકો ભરોસો હતો પણ  ન્યાયમાં થતા વિલંબના કારણે લોકોમાં આ ભરોસો ઘટ્યો છે. આ ભરોસો પાછો કાયમ કરવો જરૂરી છે ને સુપ્રીમ કોર્ટે એ વાત સમજીને કલમ 142નો ઉપયોગ કરીને આદેશ આપ્યા પણ તેનાથી સુપ્રીમ કોર્ટની સારી ભાવનાનો ઉદ્દેશ પાર નહીં પડે.  તેના માટે દંડો ચલાવવો પડે.