Sun Sep 27 2026

Logo

સ્થાનિકમાં ખાંડના ભાવમાં ઘટાડો છતાં આયાત પોસાણક્ષમ રહેશેઃ ઈસ્મા

2026-09-10 19:21:03
Author: Ramesh Gohil
સ્થાનિકમાં ખાંડના ભાવમાં ઘટાડો છતાં આયાત પોસાણક્ષમ રહેશેઃ ઈસ્મા

નવી દિલ્હીઃ સ્થાનિક સ્તરે ખાંડના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો થયો હોવા છતાં આયાત પોસાણક્ષમ રહે તેવી શક્યતા ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ઈસ્મા)ના પ્રમુખ નિરજ શિરગાઉકરે વ્યક્ત કરી છે. 

નોંધનીય બાબત એ છે કે ગયા મહિને સ્થાનિક સ્તરે ખાંડના ભાવ વધી આવતા તહેવારોની મોસમ દરમિયાન સ્થાનિકમાં રિટેલ સ્તરે ખાંડનો પુરવઠો જળવાઈ રહે અને ભાવ અંકુશ હેઠળ રહે તે માટે સરકારે અન્ય પગલાંઓની સાથે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટીમુક્ત ધોરણે ખાંડની આયાત માટે મંજૂરી આપી હતી. જોકે, તાજેતરમાં ખાંડના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવવાની સાથે વૈશ્વિક સ્તરે પણ ખાંડના ભાવમાં મક્કમ વલણ રહ્યું હોવા છતાં આયાત પોસાણક્ષમ રહેવાની ટિપ્પણી તેમણે કરી હતી. 

ગત બુધવારે યોજાયેલ ચોથા ઈન્ડિયા સુગર ઍન્ડ બાયો એનર્જી પરિસંવાદ પશ્ચાત્‌‍ તેમણે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે સ્થાનિકમાં ખાંડના ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં આયાત થાય તેવી શક્યતા છે. 

પખવાડિયા પહેલા દેશમાં એક્સ મિલ ધોરણે ખાંડના ભાવ જે કિલોદીઠ રૂ. 65થી 67ની સપાટીએ હતા તે હાલ ઘટીને કિલોદીઠ રૂ. 43થી 44 આસપાસ છે. જોકે, આ ભાવઘટાડાની રિટેલ બજાર પર અસર હજુ બે સપ્તાહ પછી જોવા મળશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

સૂત્રોના જણાવ્યાનુસાર ખાંડ મિલોએ અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલી આયાતની માત્રા પૈકી આઠ લાખ ટન ખાંડની આયાત માટે અરજી કરી છે. જોકે, વૈશ્વિક સ્તરે તંગ પુરવઠા અને ભારતની ખરીદી નીકળતાં ભાવમાં તીવ્ર વધારો થતાં તેઓ આયાત પોસાણક્ષમ રહેશે કે નહીં તે અંગે ચિંતિત છે. વધુમાં સરકારે આયાત માટેનો વિકલ્પ ખુલ્લો કરવાની સાથે મોટા વપરાશકારો અને ડીલરો માટેની સ્ટોક મર્યાદાના ધોરણો આકરા બનાવ્યા છે.

ખાંડ મિલોને પિલાણ વહેલું શરૂ કરવા માટેનાં ઓપરેશનલ પડકારોનો સામનો કરવો પડશે એ અંગે ઈસ્માએ સરકારને વાકેફ કરી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે અમે સરકારને વહેલા પિલાણ શરૂ કરવામાં મિલોને આવતી મુશ્કેલીઓથી વાકેફ કર્યા છે અને આ સંદર્ભે સરકાર સાથે ચર્ચા થઈ રહી હોવાનું શિરગાઉકરે જણાવતા ઉમેર્યું હતું કે ઉદ્યોગ આગામી વર્ષ માટેના ઉત્પાદન અને ઈથેનોલની ફાળવણી બન્ને માટે આશાવાદી છે તેમ છતાં આગામી પિલાણ મોસમ અંગેની સ્પષ્ટતા માટે ઉદ્યોગ રાહ જોઈ રહ્યો છે. 

દરમિયાન સરકારે મિલો પર ભાવવધારાનો આક્ષેપ કરવાની સાથે દેશમાં પુરતો સ્ટોક હોવાનું જણાવ્યું છે. જોકે, તેણે વર્ષ 2025-26ની ખાંડ મોસમ માટે તેનો ઉત્પાદન અંદાજ જે 343 લાખ ટનનો મૂક્યો હતો તે ઘટાડીને 306 લાખ ટન કર્યો છે, જ્યારે દેશની સાથાનિક વાર્ષિક વપરાશી માગ 280થી 285 લાખ ટન રહેવાનો અંદાજ છે.