ભુજઃ કચ્છના નભોમંડળમાં અવારનવાર અકલ્પનીય અવકાશી ઘટનાઓ આકાર લેતી હોય છે. ગત મંગળવારની મધ્યરાત્રિએ ભુજના આકાશમાં એકાએક અત્યંત તેજ ગતિએ પસાર થતો અગનગોળો (ફાયરબોલ) દેખાતા લોકોમાં ભારે કૌતુક અને આશ્ચર્ય જોવા મળ્યું હતું.
ગત મંગળવારે રાત્રે આશરે ૧૨ વાગ્યાની આસપાસ ભુજના હરીપર વિસ્તારમાં રહેતા કર્મન જલ્પનભાઈ અંજારિયા નામના વિદ્યાર્થીએ આ દ્રશ્ય નિહાળ્યું હતું. કર્મન જ્યારે પોતાની અગાશી પર અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ એક અત્યંત તેજસ્વી લિસોટા સાથેનો અગનગોળો પૃથ્વી તરફ ધસી આવતો દેખાયો હતો. આ ઘટના માત્ર ૫ થી ૭ સેકન્ડ સુધી ચાલી હતી અને ત્યારબાદ તે તેજપુંજ અચાનક હવામાં જ બુઝાઈ ગયો હતો.
આ અંગે જાણીતા ખગોળશાત્રી નરેન્દ્ર ગોર 'સાગર' એ જણાવ્યું હતું કે, અવકાશમાં લાખોની સંખ્યામાં ઉલ્કાઓ ભ્રમણ કરતી હોય છે. જ્યારે કોઈ ઉલ્કાનો ટુકડો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે ઘર્ષણને લીધે તે સળગી ઉઠે છે. જો આ ટુકડો મોટો અને વધુ તેજસ્વી હોય, તો તેને ખગોળીય ભાષામાં 'ફાયરબોલ' કહેવામાં આવે છે. ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે તેની ગતિ હજારો કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. આટલી ઝડપે હવાની સાથે અથડાવાથી અતિશય ગરમી ઉત્પન્ન થાય છે.આ ઘર્ષણને કારણે ઉલ્કાનું તાપમાન ૧૬૦૦ ડિગ્રીથી વધુ થઈ શકે છે, જેનાથી તે તેજસ્વી રીતે સળગવા લાગે છે.
સળગતી ઉલ્કા તેની પાછળ આયનાઇઝ્ડ ગેસની એક પૂંછડી છોડે છે, જે આપણને આકાશમાં તેજસ્વી લિસોટા તરીકે દેખાય છે.મોટાભાગના ફાયરબોલ પૃથ્વીની સપાટી પર પહોંચતા પહેલા જ વાતાવરણમાં બળીને રાખ થઈ જાય છે. જો કોઈ ટુકડો બચ્યા પછી જમીન પર પડે, તો તેને 'ઉલ્કાપિંડ' કહેવામાં આવે છે.
વર્ણન મુજબ, ભુજના આકાશમાં દેખાયેલી આ ઘટના ચોક્કસપણે એક ફાયરબોલ હોવાની પૂરી શક્યતા છે. કચ્છના આકાશમાં આવી ઘટનાઓ અગાઉ પણ નોંધાઈ છે. ગત ૧૬ માર્ચ, ૨૦૨૫ અનોખા પ્રકાશપૂંજથી રાત્રે દિવસ જેવો માહોલ સર્જાયો હતો, વર્ષ ૨૦૨૨માં અવકાશી તેજ લિસોટા જોવા મળ્યા હતા જયારે વર્ષ ૨૦૦૬માં ધડાકા સાથે ઉલ્કાપિંડ કચ્છની ધરતી પર પડ્યા હતા. ફરી એકવાર કચ્છની ધરતી પરથી દેખાયેલા આ ફાયરબોલે વિજ્ઞાન પ્રેમીઓ અને નાગરિકોમાં કુતૂહલ જગાડ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)