Sat Sep 12 2026

Logo

રાજકોટ હાઇવે પર ગેરકાયદે ડિવાઇડર તોડનારા સામે કડક કાર્યવાહી: આટકોટમાં પ્રથમ FIR દાખલ

2026-06-05 16:27:00
Author: Devayat Khatana
રાજકોટ હાઇવે પર ગેરકાયદે ડિવાઇડર તોડનારા સામે કડક કાર્યવાહી: આટકોટમાં પ્રથમ FIR દાખલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ જિલ્લામાં તંત્ર દ્વારા હાઇવેના ડિવાઇડર ગેરકાયદેસર રીતે તોડનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે આટકોટ પોલીસ મથકમાં પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં અજાણ્યા શખ્સ સામે સરકારી સંપત્તિને રૂ. 60 હજારનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં એ તારણ બહાર આવ્યું હતું કે હાઇવે પર ગેરકાયદે રીતે બનાવેલા કટ અકસ્માત માટેનું મુખ્ય કારણ છે. 

પોલીસના જણાવ્યા આંસુયર, વર્ષ 2025માં જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં 172 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં મોટાભાગના જીવલેણ બનાવો સ્ટેટ અને નેશનલ હાઇવે પર બન્યા છે. પોલીસ, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત નિરીક્ષણમાં પેટ્રોલ પંપ, હોટલો અને અન્ય કોમર્શિયલ એકમો પાસે આવા અનેક ગેરકાયદે કટ મળી આવ્યા હતા. જિલ્લાવ્યાપી સર્વેમાં પાંચ નેશનલ હાઇવે પર ગેરકાયદે કટ હોવાનું બહાર આવ્યું હતું. 

સત્તાવાર આંકડાઓ મુજબ, રાજકોટ-પોરબંદર-સોમનાથ હાઇવે પર 10, રાજકોટ-જામનગર હાઇવે પર 16, રાજકોટ-કાલાવાડ હાઇવે પર 7 અને રાજકોટ-ભાવનગર હાઇવે પર 10  જેટલા ગેરકાયદે ઓપનિંગ મળી આવ્યા હતા. હાલ તંત્ર દ્વારા આ તમામ ગેરકાયદે કટ બંધ કરી દેવામાં આવ્યા છે.