Thu Aug 20 2026

Logo

હોર્મુઝ ક્રિક ખૂલશે ખરા? 850થી વધુ ટેન્કર ફસાયા હવે ક્રૂડ સપ્લાય ચેઈન ખોરવાય એ ભીતિ

2026-03-18 19:52:32
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈ વચ્ચે હવે દુનિયાભરના દેશ ક્રૂડ અને ઊર્જાને લઈ ગંભીર વિચારણા કરી રહ્યા છે, વૈકલ્પિક રસ્તો શોધી રહ્યા છે. સૌથી વધુ ચિંતા હોર્મુઝ ક્રિકની છે, જ્યાંથી 90 ટકા દેશમાં ક્રૂડ ઓઈલના જહાજ કે ટેન્કર પહોંચે છે. યુરોપથી લઈને અમેરિકા સુધી અને ભારતથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી. 

હોર્મુઝ ક્રિકમાંથી પસાર થતા મોટા ભાગના ટેન્કરમાં ક્રૂડ અને ગેસ હોય છે. હવે વાત ત્યાં આવીને અટકી છે કે, હોર્મુઝ ક્રિક ખૂલશે ખરી? ખૂલશે તો ક્યારે? હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનું પરિવહન એકાએક ઘટી ગયું છે. બીજી માર્ચથી પ્રતિદિવસ 10થી ઓછા જહાજ પસાર થઈ રહ્યા છે. 

દૈનિક ધોરણે 135 જહાજોની અવરજવર

હોર્મુઝના રસ્તેથી દૈનિક ધોરણે 135 જહાજોની અવરજવર થતી હતી. 1.41 કરોડ ક્રૂડ ઓઈલના બેરલ અને 54 લાખ બેરલ અન્ય ઉત્પાદનોના નીકળતા હતા. વૈશ્વિક ઊર્જાની આપૂર્તિ માટે આ રસ્તો ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. માત્ર  તેલના ટેન્કર અહીંથી પસાર ન થતા જહાજોનો ટ્રાફિક જામ થયો છે. 

આશરે 850થી વધુ ટેન્કર અહીં દરિયામાં જામ થઈ જતા ક્રૂડ ઓઈલની સપ્લાયને માઠી અસર પહોંચી છે. જ્યારે યુદ્ધ શરૂ થયું હતું એ સમયે માર્ચ મહિનામાં મિડલ ઈસ્ટ ગલ્ફ ક્રુઝ શિપમેન્ટના 74 લાખ બેરલ પસાર થયા હતા,જે આ વખતે ફેબ્રુઆરીના અંત સુધીમાં અડધા માંડ થયા છે. 

ક્રૂડ ઓઈલ ફસાયું હોર્મુઝમાં

નિષ્ણાંતોના અનુમાન અનુસાર હોર્મુઝ ક્રુઝ બંધ થતા અત્યારે ખાડીમાં 12.5 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ ફસાયેલું છે. જહાજ અને ટેન્કર જળમાર્ગ બંધ થતા અટવાયા છે અને મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. ભારત માટે હોર્મુઝ ક્રિક ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. 90 ટકા LPG અને ક્રૂડ આ જ જળમાર્ગના રસ્તેથી પસાર થાય છે. 42 ટકા ભારતમાં આવતું ક્રૂડ ઓઈલ અહીંથી પસાર થાય છે. મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવગ્રસ્ત હોવાને કારણે બધું અટકેલું પડ્યું છે. હોર્મુઝ બંધ થતા આ શિપિંગ ઈન્ડસ્ટ્રી માટે એક ભૂકંપથી કમ નથી. 

સ્થિતિ સામાન્ય થતા વાર લાગશે

યુદ્ધમાં સિઝફાયર થયા બાદ પણ સ્થિતિ સામાન્ય થતા વાર લાગશે. હોર્મુઝ શરૂ થતા પણ જહાજ ત્યાંથી પસાર થશે તો સમય લાગશે. ક્રૂડ ઓઈલની અછતને કારણે એશિયામાં રહેલી ક્રૂડ રિફાઈનરીનો નફો ખોટમાં ફેરવાયો છે. સ્થિતિ એ આવીને ઊભી છે કે, લાભ જાળવી રાખવા માટે કંપની પોતાના બીજા ખર્ચા ઓછા કરી રહી છે. 

આ ખોટના ફટકામાંથી ભારતીય રિફાઈનરી પણ બાકાત નથી. ઉદ્યોગ સાથે જોડાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે, સિંગાપોરના ગ્રાસ રિફાઈનિંગ માર્જિનમાં અસર થઈ છે. આના પરથી એટલું સ્પષ્ટ સમજી શકાય કે રિફાઈનરીમાં થતું નુકસાન ઘણું મોટું હોઈ શકે છે. 

સ્થિતિ આવી ઊભી થઈ

મિડલ ઈસ્ટમાં વધી રહેલા જોખમને ધ્યાને લઈને શિપિંગ કંપનીઓએ માલિકી હક ધરાવતી કંપનીઓ પાસેથી કેટલોક વધારાનો ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે. અફ્રામેક્સ (આ મધ્યમ કદનું કાચા તેલ વહન કરતું ટેન્કર છે) માટેના દર યુદ્ધ પહેલા પ્રતિ બેરલ 2.46 ડોલર હતા, જે વધીને હવે પ્રતિ બેરલ 9.46 ડોલર થઈ ગયા છે. 

ઘણી શિપિંગ કંપનીઓ હવે બીજા ઓર્ડર લેતા અને શિપિંગ ઑપરેશન કરતા પણ ડરે છે. ખાસ કરીને મિડલ ઈસ્ટના સામાનને લઈને ઘણોખરો માલ હજુ પહોંચવાનો પણ બાકી છે.