સુરતઃ દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થામાં ભાજપના ધારાસભ્યની પેનલની કારમી હાર થઈ હતી. પૂર્વ સાંસદ અને ધારાસભ્યએ જ વર્તમાન ધારાસભ્યની પેનલનું પાણી ઉતાર્યું હતું. બે દિવસ પહેલા યોજાયેલી ચૂંટણીમાં 87 ટકાથી વધારે મતદાન થયું હતું.
મહુવા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચંટણીમાં મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામોમાં પૂર્વ સાંસદ-ધારાસભ્ય માનસિંહ પટેલ જૂથનો દબદબો યથાવત રહ્યો હતો. સહકાર પેનલના કુલ 11 ઉમેદવારો વિજેતા બન્યા હતા, જ્યારે મહુવાના ધારાસભ્ય મોહન ધોડિયાની આગેવાની હેઠળ ચૂંટણી લડનાર કિશાન પરિવર્તન પેનલને અપક્ષ સહિત માત્ર 5 બેઠકો મળી હતી.
ચૂંટણીમાં નાગધરા બેઠક પરથી મહુવા સુગરની કુલ 16 બેઠકો મહિલા ઉમેદવાર વનિતા મુકુંદ નાયક બિનહરીફ વિજેતા બન્યા હતા, બાકીની 15 બેઠકો માટે તા. 27 સપ્ટેમ્બરે કુલ 22 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. કુલ 7,041 મતદારોમાંથી 6,143 મતદારોએ મતદાન કરતાં 87.24 ટકા મતદાન નોંધાયું હતું.
મહુવાની કાછલ સરકારી કોલેજ ખાતે ચૂંટણી અધિકારી તથા બારડોલીના પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર રોશની પટેલની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી. પરિણામોમાં માનસિંહ પટેલ સહકાર પેનલના 11 ઉમેદવારોનો વિજય થયો હતો. બીજી તરફ મોહન ધોડિયાની આગેવાની હેઠળ ચૂંટણી મેદાનમાં ઉતરેલા કિશાન પરિવર્તન પેનલના અપક્ષ સહિત કુલ 5 ઉમેદવારો વિજેતા બન્યા હતા.
ભાજપના બંને જૂથો વચ્ચેના આ ચૂંટણી જંગમાં માનસિંહ પટેલ જૂથનો પ્રભાવ યથાવત રહેતાં સહકાર પેનલના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાની સહકારી ક્ષેત્રની અંતિમ ચૂંટણી લડી રહેલા માનસિંહ પટેલના જૂથની જીત બાદ સભાસદો અને સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.