Tue Jun 30 2026

Logo

કંપનીના ડિરેક્ટરના નામે વ્હૉટ્સઍપ  મેસેજ મોકલી 10 કરોડની છેતરપિંડી મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહારથી છ આરોપીની ધરપકડ

2026-06-30 20:01:45
Author: Sapna Desai
Article Image

મુંબઈ: કંપનીના ડિરેક્ટરનો ફોટો વાપરીને તથા તેના નામે કર્મચારીને વ્હૉટ્સઍપ મેસેજ મોકલીને 10.40 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં સાઉથ સાયબર પોલીસે મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહારથી છ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ છેતરપિંડી આચરી મેળવેલી રકમથી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્રમાં નામાંકિત જ્વેલર્સ પાસેથી સોનું ખરીદ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

સાઉથ સાયબર પોલીસે આ કેસમાં ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ જ્ઞાનેશ્ર્વર ઠોકે, વિકાસ ઉપેન્દ્ર બિંદ, બિરેન્દ્રકુમાર ચંદ્રમા ભગત, રંજનકુમાર રાજુ ખરવાર, વંશ સુમિત મનોચા અને ફૈયાઝ શબ્બીર હુસેન આલમ તરીકે થઇ હતી. પોલીસના જણાવ્યા મુજબ 3 જૂન, 2026થી 15 જૂન, 2026 દરમિયાન છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસનો ફરિયાદી ખાનગી કંપનીમાં કામ કરતો હોઇ તેને આરોપીઓએ કંપનીના ડિરેક્ટરનો ફોટો વાપરીને તથા તેના નામે વ્હૉટ્સઍપ મેસેજ કર્યો હતો, જેમાં પોતે મિટિંગમાં વ્યસ્ત હોવાનું જણાવીને તાત્કાલિક વિવિધ બૅંક ખાતાંમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. મેસેજ કંપનીના ડિરેક્ટરનો હોવાનું માનીને અને તેમનો આદેશ હોવાનું સમજી ફરિયાદીએ કંપનીના બૅંક ખાતામાંથી 63 ટ્રાન્ઝેક્શન દ્વારા 10.40 લાખ આરોપીએ જણાવેલા બૅંક ખાતામાં ટ્રાન્ઝફર કરી દીધા હતા. 

દરમિયાન આ પ્રકરણે ફરિયાદ નોંધાતાં 16 જૂને ગુનો દાખલ કરાયો હતો અને સંબંધિત બૅંકોનો સંપર્ક સાધીને રકમ અટકાવવાનું કહેવામાં આવ્યું હતું. બીજી તરફ પોલીસ ટીમો તૈયાર કરી તેમને બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી મોકલવામાં હતી. કંપનીના ખાતામાંથી 31 લાખ રૂપિયા જ્ઞાનેશ્ર્વર ઠોકેના ખાતામાં ટ્રાન્સફર થયાનું તપાસ દરમિયાન જણાતાં તેને જાલનાથી શોધી કઢાયો હતો. તેની પૂછપરછ બાદ પોલીસે બાકીના આરોપીઓની બિહાર અને દિલ્હીથી ધરપકડ કરી હતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.