Mon May 25 2026

Logo

માંડવીના મોટા સલાયામાં પિતાની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પુત્રએ આચરી રૂ.૭૦ લાખની ઠગાઈ!

2026-05-25 13:17:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ માંડવી તાલુકાના મોટા સલાયા વિસ્તારમાં પિતાની માલિકીના પ્લોટના બોગસ દસ્તાવેજો તૈયાર કરી, પોતે જ જમીન માલિક હોવાનો ડોળ રચીને કળિયુગી પુત્રએ એક વેપારી સાથે રૂ.૭૦ લાખની છેતરપિંડી આચરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે મોટા સલાયામાં ગાડીઓ તથા જમીન લે-વેચનો વ્યવસાય કરતા ૨૭ વર્ષીય સાહિલ મામદ સિંધીએ આરોપી મોહમ્મદ અશરફ અલીમામદ જુણેજા વિરૂદ્ધ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

શું છે મામલો

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત સપ્ટેમ્બર ૨૦૨૩માં આરોપી અશરફે સાહિલને મોટા સલાયામાં હાજી હસન હોસ્પિટલ રોડ પાસે આવેલી માંડવી સીમ સર્વે નંબર ૧૯૨ની એન.એ. જમીન પૈકીના પોતાના માલિકીના ૬ પ્લોટ વેચવાની ઓફર કરી હતી. વિશ્વાસ જીતવા માટે આરોપીએ મહારાષ્ટ્રમાં નોટરાઈઝ્ડ કરાયેલી એક બોગસ ફારગતી નોટ અને તલાટીના સહી-સિક્કાવાળી નકલી લાલ બૂક દર્શાવી હતી, જેમાં માલિક તરીકે અશરફનું નામ હતું. દસ્તાવેજો સાચા જણાતાં તમામ ૬ પ્લોટોનો સોદો રૂ.૧ કરોડમાં નક્કી થયો હતો. આરોપીએ પોતાના પર દેવું હોવાનું બહાનું બતાવીને રકમ બેંકના બદલે રોકડી ચૂકવવાની અને દસ્તાવેજ પહેલાં રૂ.૭૦ લાખ આપવાની શરત મૂકી હતી.

સાહિલે ઓક્ટોબર ૨૦૨૩થી માર્ચ ૨૦૨૫ દરમિયાન ટુકડે-ટુકડે રૂ.૪૦ લાખ ચૂકવ્યા બાદ, ઓગસ્ટ ૨૦૨૪માં દસ્તાવેજ કરવા માટે વકીલ અને સાક્ષીઓ સાથે માંડવી સબ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતા. જો કે, પ્લોટોની સરકારી નોંધ ન પડી હોવાથી સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ કરવાનો ઈનકાર કર્યો હતો. તે સમયે પણ આરોપીએ ખોટું સોગંદનામું રજૂ કરી વહીવટી સેટિંગની ગોળ-ગોળ વાતો કરી હતી. ત્યારબાદ નવેમ્બર ૨૦૨૪માં મુંદરા ખાતે વકીલની ઓફિસે આરોપીએ નોટરાઈઝ્ડ સાટા કરાર કરી આપતાં ફરિયાદીએ બાકીના રૂ.૩૦ લાખ ચૂકવીને કુલ રૂ.૭૦ લાખ પૂરા કર્યા હતા.

લાંબો સમય વીતવા છતાં આરોપીએ વેચાણ દસ્તાવેજ ન કરી આપતાં ફરિયાદી સાહિલે પોતાની રીતે પ્લોટની માલિકીની તપાસ કરાવી હતી. તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે ઉક્ત પ્લોટો આરોપી અશરફના નામે નહિ પરંતુ તેના પિતા અલીમામદ હાજી હસન જુણેજાની માલિકીના છે. પોતે માલિક ન હોવા છતાં નકલી લાલ બૂક, બોગસ ફારગતી નોટ અને ખોટા સોગંદનામાના આધારે રૂ.૭૦ લાખ પડાવી લેવાયા હોવાનું સ્પષ્ટ થતાં માંડવી પોલીસે આરોપી વિરૂદ્ધ છેતરપિંડી અને ડોક્યુમેન્ટ ફોર્જરી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)