Thu Sep 03 2026

Logo

કોઈ પણ પ્રકારનો અહંકાર ન રાખવો જોઈએ...

2026-02-22 09:44:00
Author: Mumbai Samachar Team
કોઈ પણ પ્રકારનો અહંકાર ન રાખવો જોઈએ...

 

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

થોડા દિવસો અગાઉ એક સામાજિક મેળાવડાના યજમાન એક શ્રીમંત માણસ સાથે પોતાના મિત્રોનો પરિચય કરાવતો હતો. પેલો શ્રીમંત અદબ વાળીને એક પ્રકારના ભાર સાથે ઊભો હતો. કોઈ તેની સામે હાથ લંબાવે તો તે માત્ર ડોકું ધુણાવીને અભિવાદન ઝીલતો હતો, પણ તે કોઈ વ્યક્તિ સાથે હાથ મિલાવતો નહોતો. પોતાના સિવાય બીજા બધા મગતરા હોય એવો તેનો વર્તાવ હતો.

તેનું એવું વર્તન જોઈને મને સોક્રેટિસના જીવનનો એક કિસ્સો યાદ આવી ગયો. 

 એક વખત એથેન્સનો એક અત્યંત શ્રીમંત માણસ સોક્રેટિસ પાસે ગયો. પોતે ભવ્ય મહેલ જેવા ઘરમાં રહેતો હતો અને સમ્રાટનો અંગત મિત્ર પણ હતો એટલે તેનામાં ખૂબ જ અહંકાર હતો.

 તે અહંકારી શ્રીમંત સોક્રેટિસ પાસે ગયો અને તેના આડંબર ભર્યા શબ્દો અને બોડી લેન્ગ્વેજથી સોક્રેટિસને સમજાઈ ગયું કે આ માણસના મનમાં ભારોભાર અહંકાર છે. સોક્રેટિસે થોડીવાર તો તે માણસ સાથે વાત કરી તેની વાત સાંભળી પછી તેમણે કહ્યું, `ઊભા રહો, મને લાગે છે કે આપણે પહેલા એક અત્યંત જરૂરી કોયડાનો ઉકેલ લાવવો પડશે. એ પછી જ હું તમારી સાથે આગળ વાત કરી શકીશ.'

સોક્રેટિસે બાજુમાં ઊભેલા પોતાના એક શિષ્યને કહ્યું કે `ભાઈ, દુનિયાનો નક્શો લઈ આવ ને.'

પેલા અહંકારી શ્રીમંતને આશ્ચર્ય થયું કે અચાનક એવું શું બન્યું કે સોક્રેટિસે દુનિયાનો નક્શો માગવો પડ્યો. થોડીવારમાં સોક્રેટિસનો શિષ્ય દુનિયાનો નક્શો લઈને આવી પહોંચ્યો. સોક્રેટિસે નકશો પાથરીને તે અહંકારી શ્રીમંતને પૂછ્યું, `દુનિયાના આ નકશામાં આપણો દેશ કેવડો છે?'

શ્રીમંતને કંઈ સમજાયું નહી, પરંતુ તેણે કહ્યું, `નકશામાં તો આપણો દેશ નાની અમસ્તી જ્ગ્યારૂપે જ હોય ને!'

સોક્રેટિસ : `અને આપણું એથેન્સ?'

શ્રીમંત : `દુનિયાના નકશામાં એ તો એક નાનકડું ટપકું જ હોય ને!'

સોક્રેટિસે વેધક નજરે તેની સામે જોઈને પૂછ્યું, `તમારો મહેલ કેટલો વિશાળ છે? એનું સ્થાન ક્યાં છે અને તમાં સ્થાન ક્યાં છે એ મને જરા બતાવશો?'

શ્રીમંત માણસ સહેજ શરમાયો-છોભીલો પડયો.

સોક્રેટિસે આગળ કહ્યું, `અને આ નક્શો તો કેવળ આપણી પૃથ્વીનો જ છે. અને આપણી પૃથ્વી બ્રહ્માંડની વિસાતમાં એક ટપકું પણ નથી. સૂર્ય પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે. અને આપણો સૂર્ય તો એક સામાન્ય ગ્રહ છે. બ્રહ્માંડમાં એના કરતાં પણ લાખો ગણા મોટા સૂર્યો છે. જરા વિચારી જુઓ કે આપણા સૂર્યમંડળનો નક્શો બનાવીએ તો આપણી પૃથ્વી કેવડી હશે? અને આપણું સૂર્યમંડળ તો નાનકડું સૂર્યમંડળ છે. આવા તો લાખો સૂર્યમંડળો છે. આપણી આકાશગંગામાં તો કેટલાય સૂર્યમંડળો છે. જો માત્ર આપણી આકાશગંગાનો નકશો બનાવીએ તો એ પૃથ્વી એ નકશામાં ક્યાં અને કેવડી હશે? અને સમગ્ર બ્રહ્માંડમાં આવી તો કરોડો આકાશગંગાઓ છે તો સમગ્ર બ્રહ્માંડના નકશામાં આપણું સૂર્યમંડળ ક્યાં હશે અને આપણો સૂર્ય કેટલો ગણાય. અને તો પછી પૃથ્વી કેટલી મોટી ગણાય અને ક્યાં આપણો દેશ ગણાય? ક્યાં એથેન્સ ગણાય? અને એમાં તમારા મહેલનું અસ્તિત્વ શું અને તમાં અસ્તિત્વ શું?'

તે શ્રીમંત માણસ કદાચ આપણા ફાઇવસ્ટાર બાબાઓ, બાપુઓ, સ્વામીઓ, મહારાજાઓ જેટલો અહંકારી નહીં હોય, જડ નહીં હોય એટલે તેનો અહંકાર ઓગળી ગયો. તેણે ક્ષોભ સાથે સોક્રેટિસને કહ્યું,

`હું તમારી વાત સમજી ગયો, પરંતુ આ નકશાથી સમજાવવાની શું જરૂર હતી?'

સોક્રેટિસે કહ્યું, `મારે તમને આ સમજાવવું જરૂરી હતું, કારણ કે તમે આ સમજો નહીં ત્યાં સુધી આપણી વચ્ચે સંવાદની કોઈ શક્યતા જ નહોતી. તમે મારો સમય બગાડયો હોત અને મેં તમારો સમય બગાડયો હોત. હવે તમને આ વાત સમજાઈ ગઈ છે તો આપણી વચ્ચે સંવાદ થવાની શક્યતા છે. તમે તમારા અહંકારને બાજુ પર રાખી શકો તો કોઈની સાથે સાચો સંવાદ કરી શકો.'

આ  દ્રષ્ટાંતનો સાર એ છે કે માણસે કોઈ પણ પ્રકારનો અહંકાર ન રાખવો જોઈએ તો જ એ બીજા સાથે સરળ સંવાદ સાધી શકે...