...પણ નાની-મધ્યમ કંપનીઓના સ્ટૉક્સમાં આકર્ષણ સાથે સાવચેતી જરૂરી
ઈન્વેસ્ટમેન્ટ વર્લ્ડ - જયેશ ચિતલિયા
છેલ્લા એક દાયકાથી દેશમાં નાની-મધ્યમ (SME-સ્મૉલ અને મિડિયમ એન્ટરપ્રાઇસિસ) કંપનીઓની બજાર સતત વિકસતી રહી છે, તેમ છતાં તેના વિશે હજી વિશાળ રોકાણકાર વર્ગમાં માહિતી-જાગ્રતિનો અભાવ છે. હવે નિયમન સંસ્થા `સેબી' તેમાં વધુ વિશ્વસનીયતા ઊભી કરવા વાત એક રસપ્રદ કિસ્સાથી શરૂ કરીએ. `ઉમ્મીદ સે જયાદા, મગર કિતના જયાદા?' આવો સવાલ તાજેતરમાં એક આઇપીઓને લઈને થયો. એ પણ નાની-મધ્યમ કદની કંપનીના. યસ, એસએમઈ કંપનીના.
આ કંપની પૂજા પ્રિસિસન એન્જિનિયરિગ તેના વિસ્તરણ પ્રોજેક્ટ માટે બીએસઈના એસએમઈ સેગમેન્ટ મારફત મૂડીબજારમાં આઇપીઓ સાથે પ્રવેશી હતી. તેનો ઇસ્યૂ 160 કરોડ રૂપિયાનો હતો અને તેને રિસપૉન્સ શું મળ્યો ખબર છે? ઇસ્યૂના છેલ્લા દિવસ સુધીમાં કંપનીને 30 હજાર કરોડ રૂપિયા સુધીની બિડસ (અરજીઓ) મળી. કમાલની અને વિક્રમની વાત એ છે કે કંપનીને જોઈતા હતા 160 કરોડ રૂપિયા અને રોકાણકારો આપવા તૈયાર થયા હતા 30 હજાર કરોડ રૂપિયા...! બીએસઈ એસએમઈ સેગમેન્ટ માટે આ એક વિક્રમ હતો. આ હકીકત દર્શાવે છે કે માર્કેટમાં નાણાકીય પ્રવાહિતા જોરમાં છે, લોકો તેમના રોકાણ માટે માર્ગ કે આકર્ષક સાધનો શોધી રહ્યા છે.
હવે મૂળ વાત પર આવીએ. મૂડીબજાર-શૅરબજારમાં આઇપીઓની કતાર, તેમના ઑફર ભાવ, બિનસત્તાવાર બજારના ભાવ, લિસ્ટિંગના દિવસે ઓપનિંગ અને લિસ્ટિંગ બાદના ભાવોના ટે્રન્ડ વિશે કાયમ ચર્ચા થતી રહેતી હોય છે, પરંતુ ચર્ચા મહદંશે મુખ્ય બજાર અથવા મેઇન બોર્ડ સંબંધી થાય છે, જ્યારે કે છેલ્લા એક દાયકાથી દેશમાં એસએમઈ કંપનીઓની બજાર સતત વિકસતી રહી હોવા છતાં તેના વિશે હજી વિશાળ રોકાણકાર વર્ગમાં જાગૃતિ ઓછી છે. આ કંપનીઓ મહદંશે નવી છે અથવા તેમના વિશેની જાણકારી સરળતાથી ઉપલબ્ધ નથી, તેમનાં ફંડામેન્ટલ્સ વિશે અને ટે્રકરેકૉર્ડ વિશે પણ સવાલો થતા હોય છે, તેમ છતાં આ સેગમેન્ટ દસ વરસમાં સફળતાના માર્ગે આગળ વધી રહ્યુુંં છે.
જોકે આ સફળતામાંથી સબક લઈ અને સાવચેતીનો અભિગમ વિકસાવવો રોકાણકારો માટે અનિવાર્ય છે. ભારતમાં એસએમઈ સેગમેન્ટના માર્ગે નવા યા નાના-મધ્યમ કદનાં સાહસો વધુ વિકસવાની શક્યતા આકાર પામી છે. આ દિશામાં નિયમન તંત્ર `સેબી' પણ વધુ વિકાસલક્ષી તેમ જ શિસ્તલક્ષી પગલાં વિચારી રહ્યું છે જે માટે લિસ્ટિંગના નવા નિયમોની તૈયારી થઈ રહી છે, આ ફેરફાર કોને કેટલા ફળશે એ તો સમય કહેશે.
જોકે રોકાણકારોનાં હિતોની રક્ષા વધુ મજબૂત થવાની અપેક્ષા રાખી શકાય. આ સેગમેન્ટ કાર્યરત થયા બાદ નાની-મધ્યમ કંપનીઓ માટે મૂડીસર્જનની તક ઊભી થઈ. જે એક્સચેંજના માધ્યમથી હોવાથી પારદર્શક અને શિસ્તબદ્ધ કહેવાય. આ અક્સચેંજીસને કારણે નાની-મધ્યમ કંપનીઓ માટે ઊંચા વ્યાજના બૅન્ક ધિરાણ કરતાં મૂડીબજારમાં આઇપીઓ લાવીને ભંડોળ ઊભું કરવાનું વધુ સરળ, ઝડપી અને લાભદાયી પણ બન્યું છે.
સરકાર પણ એસએમઈ સેક્ટર માટે પ્રોત્સાહનલક્ષી નીતિઓ ધરાવે છે, જ્યારે કે નિયમન તંત્ર સેબી એસએમઈ સેગમેન્ટ પર લિસ્ટિંગ માટેના નવા નિયમો મેઇનબોર્ડ સમાન બનાવવાની પ્રોસેસમાં છે, જેમાં તેના વિકાસના માર્ગને સરળ બનાવવા ઉપરાંત શિસ્તબદ્ધ કરવાનું લક્ષ્ય છે.
વિતેલા દાયકાના અનુભવોમાંથી આ સેગમેન્ટમાં લિસ્ટેડ થતી કંપનીઓ સંબંધી ચોક્કસ જોખમના સંકેતો કે કિસ્સાઓ બહાર આવતા રહ્યા છે. અહીં ઘણી કંપનીઓએ તેની પાત્રતા કરતાં વધુ વૅલ્યુએશન મેળવવાના પ્રયાસ કર્યા હોવાથી રોકાણકાર વર્ગે સહન કરવું પડ્યું છે. ક્યાંક પ્રાઇસ મેનિપ્યુલેશનના કિસ્સા પણ બનતા રહ્યા છે તો વળી પ્રવાહિતાનું સ્તર નીચું રહેવાથી રોકાણકારોને મુશ્કેલી પડી છે.
અહી લિસ્ટિંગ મેળવી લેવાથી કંપની સારી કે મજબૂત બની જતી નથી એ સમજવું રોકાણકારો માટે મહત્ત્વનું છે. દાયકાના અનુભવ બાદ આ સેગમેન્ટ પરિપકવ બનતું જતાં રોકાણકારોમાં પણ અવેરનેસ વધી રહી છે. વૈશ્વિકરણના પ્રવાહ સાથે ભારતીય અર્થતંત્ર જે મુજબ આકાર પામી રહ્યું છે તેને લીધે આગામી પાંચથી દસ વરસમાં અનેક કંપનીઓ આ સેગમેન્ટ પર આવશે. સેબીનું લક્ષ્ય પારદર્શકતા વધારવા સાથે મેનિપ્યુલેશન અટકાવવાનું રહેશે.
હાલમાં બે સ્ટૉક એક્સચેંજની સ્થિતિ જોઈએ તો BSE SME મંચ પર 750 કંપનીઓ લિસ્ટેડ થઈ છે, આ સેગમેન્ટમાંથી અત્યાર સુધીમાં 203 કંપનીઓ મેઇન બોર્ડ પર શિફટ થઈ છે એટલે કે આ કંપનીઓને તેમના વિકાસને આધારે મેઇન બોર્ડ પર સ્થાન મળ્યું છે.
બીજી તરફ NSE SME મંચ પર 700 કંપનીઓ લિસ્ટેડ થઈ છે. બીએસઈ હોય કે એનએસઈ, એસએમઈ કંપનીઓ સામે વિશ્વાસ ઊભા કરવા બાબતે પડકારો હજી પણ ઊભા છે. આ સેગમેન્ટ ફંડામેન્ટલ્સ પર જ ટકી શકશે અને ચાલી શકશે. વર્તમાન અને ભાવિ આર્થિક માહોલમાં કંપનીઓ માટે તકો ચોક્કસ ઊભી થશે, પણ આ માટે એસએમઈ સેગમેન્ટને ફંડામેન્ટલ્સની દૃષ્ટિએ મજબૂત-તંદુરસ્ત બનાવવું જોઈશે.