Wed Aug 19 2026

Logo

સાતમ-આઠમ પહેલા જ સિંગતેલના ભાવમાં 10 દિવસમાં રૂ.50નો વધારો! તહેવાર પહેલા ફરસાણ મોંઘુ થવાના એંધાણ

2026-08-08 18:07:25
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર એટલે સાતમ, આઠમ અન નોમ. તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે હવે ખાદ્ય સિંગતેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કારણે ગૃહિણીઓનું બજેટ તહેવારના દિવસોમાં ખોરવાય એવી પૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. સૌરાષ્ટ્ર અનેક નાના-મોટા વિસ્તારમાં વરસાદના અભાવે તમામ ખાદ્ય સમગ્રીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર રાજકોટમાં છેલ્લા દસ દિવસમાં સિંગતેલના ભાવમાં 50 અને કપાસિયા તેલના ભાવમાં 40 રૂપિયાનો મોટો વધારો થયો છે. જે રીતે ભાવમાં વધારો થયો છે એને ધ્યાને લેતા તહેવાર પહેલા જ ફરસાદના સ્વાદ માટે વધારે રકમ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. 

અન્ય તેલના ભાવ વધવાના એંધાણ

એંધાણ એવા પણ વર્તાય રહ્યા છે કે, સાતમ-આઠમ અને નોમમાં તેલના ડબ્બાના ભાવ 3000 રૂપિયા સુધી પહોંચી જશે. આ ભાવને ધ્યાને લેતા અન્ય તેલના ભાવમાં પણ હવે વધારો થવાના પૂરા એંધાણ છે. તેલના ભાવમાં વધારો થતા હવે ફરસાણના ભાવમાં વધારો તોળાઈ રહ્યો છે. આઠમના તહેવારોની રોનકમાં મોંઘવારીએ ઝાંખલ લાવી હોય એવો માહોલ અત્યારે તો જોવા મળી રહ્યો છે.

વરસાદ વ્યવસ્થિત રીતે ન થતા અને પૂરતો વરસાદ ન વરસતા હવે રાજ્યભરના તેલના ભાવમાં વધારો થાય એવી પૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. છેલ્લા પંદર દિવસમાં સિંગતેલના ડબ્બાનો નવો ભાવ 2900 રૂપિયા સામે આવ્યો છે. કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થતા ડબ્બાના 2795 રૂપિયા થયા હોવાનું જાણવા મળે છે. રાજકોટની તેલમાર્કેટમાંથી મળેલા રિપોર્ટ અનુસાર આ અંગે આંકડો સામે આવ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વઘારો થતા તહેવાર પહેલા જ ફરસાણના ભાવમાં વધારો થાય એવા પૂરા એંધાણ છે. 

ફૂડસ્ટોલના ફૂડના ભાવને અસર

સિંગતેલ અને કપાસિયા તેલની સાથે અન્ય તેલ જેવા કે, સનફ્લાવર, પામોલીન તથા મકાઈના તેલના ભાવમાં પણ વધારો થઈ શકે છે. આમ આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ખાંડ અને બેસનના ભાવમાં આંશિક વધારો થયા બાદ હવે તેલના ભાવમાં વધારો થતા તહેવાર પહેલા જ બજેટ બગડશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સિંગતેલ અને કપાસિયા તેલની માગ રહે છે એવામાં તહેવાર પહેલા ભાવ વધારો થતા તૈયાર ફરસાણ મોંઘુ થઈ શકે છે. બીજી તરફ મેળાની તૈયારીઓ રાજકોટમાં ચાલી રહી છે ત્યારે ફૂડ સ્ટોલના ભાવમાં પણ ફેર પડશે એવી પૂરી શક્યાતો છે.