Sat Sep 05 2026

Logo

જર્મનીના ગુરુદ્વારામાં લોહીયાળ અથડામણ; તીક્ષ્ણ હથિયારોથી હુમલો, 11 લોકો ઘાયલ

Moers   2026-04-21 10:51:00
Author: Savan Zalariya
જર્મનીના ગુરુદ્વારામાં લોહીયાળ અથડામણ; તીક્ષ્ણ હથિયારોથી હુમલો, 11 લોકો ઘાયલ

જર્મનીના મોઅર્સ શહેરના એક ગુરુદ્વારામાં હિંસક અથડામણની ઘટના બની હતી, જેમાં 11 લોકો ઘાયલ થયા છે. શહેરના ડ્યુઇસબર્ગ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં શીખ સમુદાયના બે જૂથો સામસામે આવી ગયા હતાં, સોશિયલ મીડિયા પર હિંસક અથડામણના કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વિડીયો જોવા મળે છે કે લોકો છરીઓ અને કિરપાણ સહિત અન્ય તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી રહ્યા છે. 

સ્થાનિક અખબારના જણાવ્યા મુજબ આ અથડામણમાં લગભગ 40 લોકો સામેલ હતાં. કેટલાક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કેટલાક લોકો ગુરુદ્વારામાં તીક્ષ્ણ હથિયારો ઉપરાંત પેપર સ્પ્રે અને બંદૂક વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો. 

ચૂંટણી બાબતે બાખડ્યા જૂથો!
આ લોહિયાળ અથડામણ કેમ શરુ થઇ એનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી,પરંતુ પ્રારંભિક અહેવાલ મુજબ  ડિરેક્ટર બોર્ડની ચૂંટણી બાબતે વિવાદ થયો હતો, જેના કારણે અથડામણ થઇ હતી. કેટલાક લોકોના જણાવ્યા મુજબ ગુરુદ્વારાના ભંડોળના ઉપયોગ બાબતે મતભેદો થયા હતાં.  

અહેવાલ મુજબ, આ અથડામણમાં 11 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને પેરામેડિક્સ અને ઇમરજન્સી સર્વિસના ફિઝિશિયન દ્વારા ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી.
 

એક શખ્સની ધરપકડ:
હજુ સુધી પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન ડીપાર્ટમેન્ટ કોણે કોના પર હુમલો કર્યો એ નક્કી કરવા માટે તપાસ કરી રહ્યું છે. પોલીસ વિભાગે વિસ્તારમાં પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા છે.

પોલીસના સુધી બંદૂક મળી નથી, પરંતુ ઘટનાસ્થળેથી મળેલા શેલ કેસીંગ મુજબ તે બ્લેન્ક-ફાયરિંગ પિસ્તોલ હતી, જે માત્ર અવાજ જ કરે છે.