- શોભિત દેસાઈ
તું રડે છે તારી પાસે પહેરવાં જૂતાં નથી!
છે અહીં એવાય લોકો જેને પગ હોતા નથી
ક્યારનો શું બોલે છે કે કોઈ સાંભળતું નથી?
વાણી છે ગાયબ, ઘણાંને બોલવા મળતું નથી
થાળીમાં ભોજન વિશેની તારી જે ફરિયાદ છે...
કેટલાં બચ્ચાં સૂતાં છે ભૂખ્યાં એ કંઈ યાદ છે?
એ નો એ બકવાસ તારો કે કઠણ છે જિંદગી
યાદ કર એને કે જેને માટે રણ છે જિંદગી
આવી ગયાને યાદ તમારી આજુબાજુના કેટલા બધા લોકો, બન્ને પ્રકારના...1) સતત ફરિયાદ કરવાવાળા અને 2) ક્યારેય ફરિયાદ ન કરવાવાળા... ફરિયાદ ન કરવાવાળા પાનખરનાં વૃક્ષો જેવાં હોય છે. બહારથી ભલે નિષ્પર્ણ લાગે, પરંતુ અંદરથી પરમ ત્યાગી બનીને પોતાના ભૂતપૂર્વ અને હવે પછીનાં લીલાછમ અસ્તિત્વ સાથે એવી ગોઠડી માંડી દીધી હોય કે તમારી પાસે સહેજે નિરાંત હોય અને છેલ્લાં બે-ત્રણ મહિનાથી દોઢ-બે દિવસ એકાદવાર ભોજનદર્શન થતું હોય, એમને તમે પૂછી બેસો ‘કેમ છે?’ તો તરત ટહૂકા ઉડવા માંડે તમારા કાનની ચોમેર ‘બહુ મજામાં. આવી ગરમીમાં બા’રે નીકળ્યા છો તો પાણી પીવાડું?’ એન્ટિલિયા બસ 100 માળ અને બ્રુનેઇની ભૂમિ 1000 માઇલ ઓછાં પડે. આજે તો ભાઈ સરસ મૂડમાં હતાં. નક્કી કરી નાખ્યું કે હમણાં આ રસ્તા ઉપરની લારીમાંથી મોડી રાતનું ભોજન આટોપીને થોડું પૂણ્ય કરું પરમાત્માએ આવો સમય આપ્યો આજે એના આભારરૂપે. બીજી પ્લેટનો ઓર્ડર પેક કરી આપવા કહ્યું. ભોજન આવ્યું એટલે રસ્તા પર સૂવાની તૈયારી કરતા એક ચીંથરેહાલને આપવાની કોશિશ કરી. ચીંથરેહાલે ઈશારાથી એક મિનિટ રાહ જોવાનું કહ્યું અને ઊઠીને ધીમું દોડ્યો અને એક મિનિટ પૂરી થાય એ પહેલા એક બીજા ચીંથરેહાલને લઈ આવ્યો અને કહ્યું: ‘સાહેબ મેં તો આજે મેળવી લીધું છે. આ હજી ભૂખ્યો છે. આને આપો.’ બનાવતો જ નથી ઉપરવાળો કશુંય પોણીસોળ આની. કાં તો આવા ટકોરાબંધ સોળ આની બનાવે છે અથવા મસ્ક કે ગેટ્સ જેવા છલકાતા વીસ-બાવીસ-સત્તાવીસ આની બનાવે છે. આજના આવા પવિત્ર વેદની ઋચા જેવા શબ્દ જૂથને ખરડવું નથી એટલે ઘણાં બધા સ્પૃશ્ય ન હોય એવા પર્યાય જવા દીધા છે, તો ચાલશે ને?!
70-80 વર્ષ પહેલાં ‘મરીઝ’માં હામ હતી લખવાની કે કેવો ખુદા મળ્યો છે જે પોતે ન દે, બીજાની કને માગવા ન દે... કે મારું બધું કરજ ચૂકવી દઉં જો અલ્લાહ ઉધાર આપે. આજે ફતવા છૂટે. હવે ફતવાબાજી સાવ મોળી, સ્વાદ વગરની થતી જાય છે એ ખરેખર શુભ સંકેત છે.
હું ઓતપ્રોત છું તારા ઉપર...
હું ઓતપ્રોત છું તારા ઉપર વતન! કે જ્યાં-
રસમ છે કોઈ ઉઠાવીને માથું ચાલે નહીં.
જો કોઈ પ્રેમ દીવાનો ટહેલવા નીકળે તો
નજર ચુકાવીને ખુદને બચાવીને ચાલે.
જો સળગ્યા જેલના દીવાઓ તો અમે સમજ્યા
કે તારી સેંથી સિતારાઓથી હશે ભરપૂર
જો ચમક્યા જેલના સળિયા તો જાણ થઈ અમને
હવે સવાર તારા ચહેરે ખીલી ઉઠી હશે
છીએ અલગ ભલેને આજે કાલે એક હશું
આ રાતભરની જુદાઈની હેસિયત શું છે?
ભલેને ટોચ ઉપર હોય દુશ્મનોનું નસીબ
આ ચાર દિનની ખુદાઈની હેસિયત શું છે?
(ફૈઝ અહમદ ફૈઝની અદ્ભુત નઝમના અંશનું અનુસર્જન શોભિત દેસાઈ દ્વારા)
આવી ગઈને ઉપરની નઝમ વાંચતા ઈમર્જન્સીના દિવસોની યાદ?! કેવા ફફડતા હતા ભારતીયજનો! લગભગ 68-70 કરોડની આસપાસ હતા 1975-1977 સુધી. સંજય ગાંધીએ વસતી નિયંત્રણની જે ધાક બેસાડી દીધી હતી એ અભૂતપૂર્વ હતી. ત્યાં સુધી પોસ્ટરબાજી હમ દો હમારે દો કે એના પહેલા રેડિયો પર જીંગલબાજી બસ દો યા તીન બચ્ચે હોતે હૈ ઘરમેં અચ્છે, યે બાત હૈ લાખ ટકે કી યે બોલ બડે હી સચ્ચે... ચાલતા. ઈમર્જન્સીનું મોટામાં મોટું પ્રદાન પ્રજનન પર કાબૂ. એ પછી ઈન્દિરા હારી ત્યારથી લઈને અત્યાર 2026 સુધી એકેય વડા પ્રધાને એક હરફ નથી ઉચ્ચાર્યો પ્રજનનવૃદ્ધિ ઉપર. હારી જવાની બીકથી? મોદીજી! આપ સર્વગુણ સંપન્ન છો અને આપને આખો દેશ ધ્યાનથી જૂએ-સાંભળે છે. ખૂબ મોડું થઈ જ ગયું છે. દેશને બચાવવો જ હોય તમારે તો કરો જ શુભ શરૂઆત કડકાઈથી. આ ભારત દેશ છે. એ કઈ કઈ ભાષા જાણે છે એ વિશે તમારાથી વધારે કોઈ જ જાણતું નથી. કારણ? જેને હાર-જીતથી કોઈ જ ફરક ના પડતો હોય અને જે એક જ ક્ષણમાં ‘અહાલેક!!!’ કરતાક ને હિમાલય ભેગા થઈ શકતા હોય એ નરપુંગવનું જ આ કામ છે.
આજે આટલું જ...