Tue Sep 08 2026

Logo

આજે આટલું જ:કદાચ...

2026-09-06 08:13:28
Author: Shobhit Desai
આજે આટલું જ:કદાચ...

શોભિત દેસાઈ

અરે! આજે લેખનું આ શિર્ષક ક્યાંથી લટાર મારવા આવી ગયું ‘આજે આટલું જ...’માં? મારા હિસાબે ‘મુંબઈ સમાચાર’ સ્વર્ગમાં ય વંચાતું હોવું જોઈએ. અને એ તો પાછા કોલમ પણ લખતાં ને ‘મું. સ.’ માટે! તે આજે એમના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘કદાચ’ શિર્ષક બનીને બેસી ગયું. કોના? અરે ગુજરાતી ભાષાના નવરત્ન ગીતકાર અનિલ જોશીના... શું દોમ દોમ ગીતો, રડ્યા ખડયા મુક્ત પદ્ય ‘કદાચ’માં!!! ‘હું તો ખાલી શકુંતલાની આંગળી’થી લઈને ‘અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં’નો ઉત્તમ ગીતોનો મુદ્રાલેખ મૌજુદ ‘કદાચ’માં. ગુજરાતી કવિતાનો એ સુવર્ણકાળ. રમેશ પારેખ ‘ક્યાં’, રાજેન્દ્ર શુકલ ‘કોમલ રિષભ’, મનોજ ખંડેરિયા ‘અચાનક’, આદિલ મંસૂરી ‘સતત’, લાભશંકર ઠાકર ‘માણસની વાત...’ અને પાછા આ બધાં અદ્ભુત અદ્ભુત સંગ્રહનાં મુખપૃષ્ઠ ડિઝાઈન થયેલા આદિલસા’બ દ્વારા. આદિલસાબ’ ઉર્દૂના ય મોટા શાયર, બહુ જ જાણીતા ચિત્રકાર અને અદ્ભુત કોપી રાઈટર.
ચાલો, જવા દો...

અશ્રુઓથી આંખ ધોવાના દિવસ ચાલી ગયા
નિતર્યું નિર્દોષ રોવાના દિવસ ચાલી ગયા
વાત હું એક ખરબચડા વિષયની છેડવાનો હતો આજે, પણ લોહીમાં કવિતા વહે તો એનો તો શો ઉપાય! પાછો વાત છેડું એ જ જે છેડવી હતી આજે...

અમૃત ઘાયલે નેહરુને કહ્યું હતું કે...
ખોટો સાચો જવાબ તો આપો!
થોડો ઝાઝો હિસાબ તો આપો!
બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો!

એટલે કે 1963માં નેહરુ રાજકોટ આવ્યાં અને ઘાયલ એમને મળ્યા પૂરતી સીમિત નથી આ વાત. એ પછીની દરેક સરકારો જોશો તો શરૂઆતનાં ગુલાબીપણા પછી બહુ જ ટૂંક જ સમયમાં કાચીંડો ડર લાગે ભય પમાડે એવા પ્રદર્શન ભરવાનું શરૂ જ કરી દે છે અને ઠેઠ નવું ઈલેકશન આવે ત્યાં લગ ચાલુ જ રાખે છે. વી. પી.  સિંહે સત્તા હાથમાં લીધી ત્યારે હરીન્દ્ર દવેએ તંત્રીલેખનો અંત ઠાંસોઠાસ હરીન્દ્રાઈ મુત્સદ્દીપણા સાથે કર્યો હતો : આજથી અમારું, અખબાર વિશ્ર્વનાં સહુનું નવી સરકાર સાથેનું 100 દિવસનું હનીમૂન શરૂ થાય છે, આશા રાખું છું કે 100 દિવસ પછી હું આવું જ લખી શકું. પ્રજાને આગલી સરકારનાં પુનરાવર્તન સમજાય તો છે, પણ ક્યારેક તો બહુ મોડેથી. અને કદાચ જો સરકાર બદલાઈ તો નવી સરકારે તો ખુદને ઓછી ખરાબ પણ ઠેરવી તો પ્રજા તો રાજીની રેડ. એમાંય ચૂંટણી જીતવાના ગોબરા ઈરાદાથી કેન્દ્ર, રાજ્ય, સૌ કરતાં સૌ સરકાર દ્વારા ચૂંટણીના થોડા વખત પહેલાં મફત ભોજન, મફત રેશન, મફત ઘર, મફત મંદિર, મફત મસ્જિદ અને બાદબાકી માણસ જાહેર કરીને છેલ્લાં દસ વરસથી મધ્યમવર્ગ રીતસર ગોળીએ દેવાય છે અને 150 કરોડમાંથી માંડ 30-40 કરોડનો મધ્યમ વર્ગ (ઉપલો અને નીચલો) જાય ચુલામાં!!! એજ લાગના છે સા... અવાજ ઉઠાવે? અને એ પણ અમારી સામે?! અમે કોણ?! અમે ગીતા- કુરાન-બાઈબલ ઈત્યાદિના સર્જકો સોરી રક્ષકો છીએ. ભલે અમને એક શ્ર્લોક- આયત- સુક્તિ ન આવડકતા હોય, પણ અમે એનાં નામે મંદિર- મસ્જિદનાં ટંટા ઊભા કરવામાં કેવા પ્રવીણ છીએ એ તમને નથી ખબર? તો લે લેતો જો... અમેરિકા જેવી છૂટ નથી આપણે ત્યાં પણ જે રીતે ‘ભાઈ’ઓ એટલે કે નેગાગિરીના એક્સટેન્ડેડ પરિવારજનો શસ્ત્ર વપરાશ આચરે છે એ જોતાં લાગે કે લાઈસન્સ્ડ શસ્ત્રોની ખરીદી અને વેચાણ ભારતમાં અતિમુક્ત છે. છેલ્લાં 80 વર્ષથી (લોહિયાનો આયુષ્યકાળ મારા પહેલાં શરૂ થયો હતો) દરેક પ્રમાણિકપણે વિચારી શકનાર શખ્સ દરેક સરકારનો વિરોધી કેમ બની જાય છે? ધર્મમાં વિશ્ર્વાસ બેસી જાય એવી ‘ગાઇડ’ કે રાજકારણી વ્યવસ્થા વિષે પુન: વિચાર કરવા પ્રેરે એવી ‘આંધી’ જેવી (અત્યારની તાબોટીયા ફિલ્મો તો વાહવાહવાહ) ફિલ્મો બનતી હતી. મારફાડ અને ધમાધમી કે મનોરંજન અને મનોરંજનથી ભરપુર ફિલ્મોમાં ભલે ગામના, તિલકવાળા શેઠને ચોર-બળાત્કારી અને કુરાનિયતનાં કહેવાતા રખેવાળ મૌલવીને ભલે ગરીબ અને પ્રમાણિકતાની પાઠશાળા બતાવાતો હતો પણ મુસ્લિમી લેખકોની આ ચોરી લબાડી બાદ પણ એને કહાનીનો મુખ્ય મુદ્દો નહોતો બનાવાતો. અત્યારે તો એકાદ ‘રોકસ્ટાર’ તમારા જીવનમાં આવે તો તમારા પુણ્ય...

જે દેશમાં એક અબજપતિ સામે એક કરોડ ભૂખ્યાં, વસ્ત્ર વગરનાં બેઘર પેદા થાય એ દેશને તમે કેવો કહો? અશક્તો!, વિરકતો!, ભક્તો! કોઈ તો બોલો?! કંઈ તો બોલો!? ‘ઝંજીર’માં વિજય (બચ્ચન) માલા (જયા)ને કહે છે: ખોલ આ ડ્રોઈંગ રૂમના પર્દા અને જો કે બહારની દુનિયા કેટલી બદસુરત અને ઓછપથી ભરેલી છે.’ હવે પાછું નવું છોગું. કવિ- લેખક- ચર્ચાસમર્થ ટૂંકમાં વિચારો રજૂ કરવાની ક્ષમતા ધરાવનારને પહેરાવવામાં આવી રહ્યું છે! દિમાગી નકસલ. અમને તો એનો ય પદ્મ પુરસ્કાર જેટલો જ આનંદ છે... પણ સાથે સાથે ‘રાજીનામા માત્ર યુપીએમાં હોય અમારામાં તો હોય જ નહીં ને!’ નું વિધાન આવ્યા બાદ તરત જ પોસ્ટ અને અટકથી પ્રધાન વાંકમાં છે કે બલીનો ખાસ મિત્ર છે એ સમય નક્કી કરશે, પણ શાસકપક્ષનું પહેલું નારાજીનામું આવ્યું. ગઈકાલની તાજા ખબર : સુપ્રીમ કોર્ટના આદેશથી સમગ્ર દેશની કોર્ટમાં જવાનિયા પરની જુઠ્ઠી એફઆઈઆરો (ખોટો શબ્દ જાણી જોઈને) પાછી ખેંચી લેવામાં આવી એ છે કલાપીની પંક્તિ: ‘કંઈ લાખો નિરાશામાં અમર આશ છુપાઈ છે’

મારું જ્ઞાન રાજકારણમાં કેટલું એ રાજકારણને તો બરાબ્બર ખબર છે. આર્યભટ્ટે શું શોધ્યું હતું? હા... હા... એટલું જ, પણ એક અણઘડ, અભણ જ્યોતિષની આગાહી : બે વરસ પૂરતી કોઈ એક ખાસ કંપનીની એકહથ્થુતા ઓછી થઈ રહી છે.


देशको है बश्वदे पैमाने पे खु की जरुरत
मांग ये मेरे लिए है युं छोटी, दे दो
पर ये है अहले-सियासतसे गुजारीश मेरी
जिनसे खूं मांग रहे हो उन्हे रोटी दे दो.

આજે આટલું જ...