Fri May 01 2026

Logo

શિવ રહસ્યઃ ભગવાન શિવની લીલા અસંભવ કાર્યને પણ સંભવ બનાવી દે છે

2026-03-30 08:29:00
Author: Bharat Patel
Article Image

 

ભરત પટેલ

દેવર્ષિ દ્વારા માતા પાર્વતી અને ભગવાન શિવ અમરનાથ ગુફા ખાતે વિદ્યમાન છે એટલું કહેતાં જ સમસ્ત દેવગણ અને શિવગણો ત્યાંથી નીકળી અમરનાથ ગુફા તરફ પ્રયાણ કરે છે. પહોંચતાં જ ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે, ‘દેવર્ષિ મને આ જ બે હિમલિંગ દૃશ્યમાન થતું હતું.’ બ્રહ્માજી પણ કહે છે કે, ‘મને પણ આ જ બે હિમલિંગ દૃશ્યમાન થતું હતું.’ સમસ્ત દેવતાઓ બંને હિમલિંગની લાંબો સમય સુધી પૂજા-અર્ચના કરતાં માતા પાર્વતી અને ભગવાન પ્રસન્ન થયેલા. 

ભગવાન અમરેશ્વર સાક્ષાત દર્શન આપતા કહે છે, ‘બ્રહ્મજ્ઞાન મેળવવાનો અધિકાર એને છે જે સાંસારિક મોહને ત્યાગી ચૂકયો હોય અને કોઈ સાંસારિક ઇચ્છા પણ ન હોય, એકમાત્ર ઉદ્દેશ શિવતત્ત્વની પ્રાપ્તિ કરવાનો હોય છે. સમૃદ્ધિની દેવી લક્ષ્મી જો બ્રહ્મજ્ઞાનમાં લીન થઈ જાય તો સંસારમાં દરિદ્રતા છવાઈ જશે અને કલા અને વિદ્યાની દેવી સરસ્વતી જો બ્રહ્મજ્ઞાનમાં લીન થઈ જાય તો સંસારમાંથી વિદ્વાનો અને કળા નિષ્ક્રિય થઈ જશે. આપણે એટલે કે દેવતાઓનું પ્રથમ કર્તવ્ય સંસારનું કલ્યાણ છે. 

દેવતાઓએ વ્યક્તિગત સ્વાર્થનો પરિત્યાગ કરવો જોઈએ. શું તમે બ્રહ્મજ્ઞાની બનીને પોતાના કાર્યથી વિમુખ થવા માગો છો?’ માતા સરસ્વતી અને માતા લક્ષ્મી માફી માગતા કહે છે કે, અમને જ્ઞાત થઈ ગયું છે કે બ્રહ્મજ્ઞાન કરતાં સંસારનું કલ્યાણ ઉત્તમ કાર્ય છે. માતા પાર્વતી અને ભગવાન શિવનો જયજયકાર કરતાં સમસ્ત દેવગણ પોત-પોતાના લોક જઈ પોતાની જવાબદારી નિભાવવા લાગ્યાં. 

બીજી તરફ મહારાજા પ્રિયવર્ત અને મહારાણી બહિષ્મતી સાગર કિનારે સંધ્યાવિહાર(સનસેટ જોવા) માટે પહોંચ્યાં. મહારાજા પ્રિયવર્ત સૂર્યની સુંદરતા વિશે કહે છે, તો મહારાણી બહિષ્મતી પોતાના સ્વામી પ્રિયવર્તને સૂર્ય સાથે સરખાવતાં કહે છે કે ‘હું તે સૂર્યની સુંદરતા અને આ સૂર્યની સુંદરતા બંને જોઈ રહી છું.’ એજ વખતે અંધારું થઈ જતાં મહારાણી બહિષ્મતી કહે છે ‘અંધારું જ ન હોત તો પરોઢનું સૌંદર્ય કઈ રીતે સમજાત. જો અંધકાર ન હોત તો સૌંદર્ય પણ ન હોત. સૌંદર્યનો જન્મ જ ગાઢ અંધકારમાંથી થતો હોય છે. કવિના ગાઢ અચેતનમાં કવિતાનો જન્મ થાય છે અને એક ચિત્રનો જન્મ ચિત્રકારના હૃદયમાં થતો હોય છે. સમાધિ, ભક્તિ અને ધ્યાનનો જન્મ પણ ભક્તિના ગાઢ અંધકારમાં જ થતો હોય છે અને એક બીજનું અંકુરિત થવું પણ ધરતીના ગહન અંધકારમાં જ શક્ય છે.’
*
એ જ સમયે બ્રહ્માજી ત્યાં પધારે છે. મહારાજા પ્રિયવર્ત અને મહારાણી બહિષ્મતી તેમને વંદન કરી આશીર્વાદ લે છે.

મહારાજા પ્રિયવર્ત: ‘પ્રણામ પરમપિતા.’

બ્રહ્માજી: ‘તમારી ચિંતા વ્યર્થ છે, ભગવાન શિવની લીલા અસંભવ કાર્યને પણ સંભવ બનાવી દે છે. હવે સમય થઈ ગયો છે કે તમે તમારું માનવ જીવન સાર્થક કરી શકો. શિવ કૃપાથી આ પૃથ્વીને સાત ખંડોમાં અને એ સાત ખંડોમાં સાત સમુદ્રની રચના કરો. સૃષ્ટિની રચના વખતે આ કાર્ય તમારા માટે છોડી દેવામાં આવ્યું હતું, જે હવે તમારે પૂર્ણ કરવાનું છે.’

મહારાજા પ્રિયવર્ત: ‘હે પરમપિતા હું ધન્ય થઈ ગયો પણ આ કાર્ય હું કઈ રીતે પૂર્ણ કરીશ?’

બ્રહ્માજી: ‘હે પ્રિયવર્ત! પૃથ્વીને નવું રૂપ આપવાના કાર્યમાં તમને દેવતાઓના શિલ્પી અને મહારાણી બહિષ્મતીના પિતા વિશ્ર્વકર્માની સહાય અવશ્ય મળશે, પ્રથમ તમેે બંને તેમને પ્રસન્ન કરો.’

મહારાજા પ્રિયવર્ત: ‘હે પરમપિતા તમારા દર્શન પામી હું ધન્ય થયો. તમારી આજ્ઞાનું પાલન કરવું મારું પ્રથમ કર્તવ્ય છે. તુરંત આદરણીય વિશ્ર્વકર્માજીના આશીર્વાદથી મને સોંપાયેલું કાર્ય હું પૂર્ણ કરીશ.’

બ્રહ્માજી:  ‘હે પ્રિયવર્ત! હું એટલું જ કહીશ કે, સફળતા મેળવવાનો પહેલો અને સરળ માર્ગ એટલે ધૈર્ય. જો આ અનુષ્ઠાનમાં તમે ધૈર્યને ધારણ કરશો તો અવશ્ય સફળ થશો.તમારું કલ્યાણ થાઓ.’

આટલું કહી બ્રહ્માજી ત્યાંથી વિદાય લે છે. મહારાજા પ્રિયવર્ત અને મહારાણી બહિષ્મતી દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્ર્વકર્મા ત્યાં પ્રકટ થાય છે.

મહારાજા પ્રિયવર્ત: ‘પિતા વિશ્ર્વકર્મા કસમયે અમારા એક આહ્વાન પર ઉપસ્થિત થયા એ માટે અમે ક્ષમાપાર્થી છીએ.’

વિશ્ર્વકર્મા: ‘કસમયે નહીં હું આ પાવન ક્ષણની રાહ વર્ષોથી જોઈ રહ્યો હતો. ભગવાન શિવની કૃપાથી આ ક્ષણ આવી રહી છે.’

મહારાણી: ‘પિતાશ્રી મહારાજા પ્રિયવર્તને તમારા આશીર્વાદ અને સહકારની જરૂર છે.’

વિશ્વકર્મા: ‘જે કાર્યને સ્વયં બ્રહ્માજીએ અપૂર્ણ રાખી તમારા પતિ અને અમારા જમાઈ પ્રિયવર્તને પૂર્ણ કરવાની જવાબદારી સોંપી ખૂબ અગત્યનું છે. એમને સહકાર આપવો મારા માટે ગર્વની વાત છે. હું તમને એક દિવ્ય સિંહાસન અને એક દિવ્ય ખડગ આપીશ. આ દિવ્ય સિંહાસન પર આરુઢ થયા બાદ તમને બંનેને પૃથ્વીનો ભૂમિ ભાગ અને જળ સ્પષ્ટ દેખાવા માંડશે અને આ ખડગમાંથી નીકળેલો દૈવી પ્રકાશ પૃથ્વીમાતાને ખંડ ખંડમાં રૂપાંતરિત કરશે. આ કાર્યની સફળતા માટે સંપૂર્ણ દેવગણ અને ત્રિદેવના આશિર્વાદ તમારી સાથે છે. જાઓ સફળ થાઓ, પણ કાર્યની સફળતા માટે માતા પૃથ્વીના આશીર્વાદ અવશ્ય લેશો.’

આટલું કહી વિશ્વકર્મા ત્યાંથી વિદાય લે છે. મહારાજા પ્રિયવર્ત અને મહારાણી બહિષ્મતી દિવ્ય સિંહાસન પર બેસી માતા પૃથ્વીનું આહ્વાન કરતાં માતા પાર્વતી પ્રકટ થાય છે.

મહારાજા પ્રિયવર્ત: ‘હે માતા! ભગવાન શિવની આજ્ઞાથી અમે તમારી શરીરરૂપી ભૂમિને સપ્તદ્વિપ ખંડ અને સાત મહાસાગરમાં પરિવર્તિત કરવા માગીએ છીએ. માના હૃદયમાં મમતાનો વાસ હોય છે. અમારા કાર્યથી ભૂમિ અને સાગર વચ્ચે નવો સંબંધ સ્થાપિત થશે. પૃથ્વીવાસી માનવોનો વિકાસ સુગમ થશે.આશીર્વાદ આપો જેથી અમે અમારા કાર્યમાં સફળ થઇએ.’

માતા પૃથ્વી: ‘હું તમારી સદ્ભાવના અને ત્રિદેવોની ઇચ્છાથી વાકેફ છું. તમારા આ કાર્યથી પૃથ્વીવાસીઓનું કલ્યાણ થશે અને નિશ્ર્ચિત સમયે પ્રત્યેક ખંડને સૂર્યદેવના દર્શન થશે. તમારું મનોરથ પૂર્ણ થાઓ. જાઓ સફળ થાઓ.’

ભગવાન વિશ્ર્વકર્મા દ્વારા અપાયેલા ખડગનો મહારાજા પ્રિયવર્તએ સાત વખત ઉપયોગ કર્યો. ફળસ્વરૂપે એ સાતેય સ્થાન સાત દ્વિપોમાં પરિવર્તિત થઈ ગયા અને આ પ્રકારે સાત મહાસાગરનું પણ નિર્માણ થયું.

એજ સમયે ભગવાન શિવ, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્માજી ત્યાં પ્રકટ થાય છે.

ભગવાન શિવ: ‘હે મનુપુત્ર પ્રિયવર્ત અને વિશ્ર્વકર્મા પુત્રી બહિષ્મતી તમારા નામ પણ અમારા ત્રિદેવની સાથે પૃથ્વીના રચનાકાર તરીકે પ્રખ્યાત થશે.’    (ક્રમશ):