ભરત પટેલ
દેવગુરુ બૃહસ્પતિ ગભરાયેલા દેવરાજને કહે છે, ‘હું તમારી સાથે જ છું કે જ્યાં સુધી માતા કામધેનુ સ્વર્ગલોક પરત ન આવી જાય. આપણે માતા કામધેનુની ત્રણ દિકરીઓને મળી ચૂક્યા છીએ, હવે તેમની જ્યેષ્ઠ પુત્રી સૌરભીને મળવા જવું જોઈએ, માતા કામધેનુ ત્યાં અવશ્ય મળી જશે.’ બીજી તરફ માતા કામધેનુ પશુપૂજક (ભગવાન શિવ) પાસે આવે છે.
પશુપૂજક કહે છે, ‘કામધેનુ તમારે જરાયે ચિંતા કરવાની જરૂર નથી, તમે અહીં અમારા આશ્રમમાં તો રહી જ શકો છો પણ તમારી ઇચ્છા હોય તો કૈલાસ ખાતે નિવાસ કરો.’ પણ માતા કામધેનુ પોતાની પુત્રીઓને મળી એમની સાથે થોડો સમય વ્યતિત કરવાની ઇચ્છા ધરાવતા હોય છે.’ માતા કામધેનુ ભગવાન શિવની માફી માગતા ભગવાન શિવ કહે છે, ‘કામધેનુ તમારે જરાયે ક્ષોભ અનુભવવાની જરૂર નથી, તમે કાંઇ એવું નથી કર્યું કે જે અનુચિત હોય. દેવરાજ ઇન્દ્રને પોતાની ભૂલનો અહેસાસ કરાવવો જરૂરી છે.’ માતા કામધેનુ તેમની પુત્રીઓને મળવા પ્રયાણ કરે છે.
એજ સમયે મહામંત્રી મણિકા ત્યાં આવે છે અને કહે છે, મહારાજા આર્યવર્તનનો દૂત મને મળવા આવ્યો છે. મને પૂછે છે કે શું દસ સહસ્ર અશ્ર્વોની ખરીદી થઈ ગઈ. તમે માતાને લઈ અહીંથી ચાલ્યા જાઓ, હું એમને સમજાવી દઈશ કે તમારી કોઈ ભૂલ નથી, દંડનો પાત્ર તો હું જ છું. આટલા અશ્ર્વો મળવા મુશ્કેલ છે. ભગવાન શિવના ઈશારાથી એ જ સમયે અશ્ર્વોનું મોટું ધણ ત્યાં આવી પહોંચે છે, એ જોઈ મણિકા ખૂબ પ્રસન્ન થઈ જાય છે.
પશુપૂજકના આશ્રમમાં હવે મણિકાને જોઈએ એથી વધુ અશ્વો હતા. વાતની જાણ થતાં જ રાજા આર્યવતન ત્યાં આવી પહોંચે છે. એની પાછળ પાછળ એક સૈનિક આવી જણાવે છે કે, તેમના અશ્ર્વ શાળામાં એકપણ અશ્ર્વ નથી રહ્યા. બધા અહીં આવી ગયા છે. રાજા આર્યવર્તન: ‘હે પશુપૂજક, તમને વિનંતી કરું છું કે આ અશ્ર્વો અમને સોંપી દો.’ એટલું બોલતાં જ ત્યાં રહેલા બધા અશ્ર્વો અદૃશ્ય થઈ જાય છે. રાજા આર્યવર્તન ખૂબ ક્રોધિત થાય છે. તેઓ કહે છે કે આ બધી સમસ્યાની જડ મણિકા છે, એને મૃત્યુ દંડ આપવામાં આવે. રાજાનો ઈશારો થતાં જ સૈનિકો મણિકાનું મસ્તક શરીરથી છૂટું કરવાં જાય છે એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાં ઉપસ્થિત થાય છે
ક્રોધિત માતા પાર્વતી કહે છે, ‘રાજા આર્યવર્તન તમે મહાદેવના ભક્તને જ નહીં, મૂંગા પશુઓને અખંડ પ્રેમ કરનારા મહાન વ્યક્તિને મૃત્યુ દંડ આપવાનો પ્રયાસ કર્યો છે. તમે મહાન માનવીની બલી ચઢાવનાર હતા, આજ સુધી તમે રાજ્યને શક્તિશાળી બનાવવા માટે પશુઓની બલિ ચઢાવતા હતા, હવે તમારે અને તમારા રાજ્યએ પ્રકૃતિનો પ્રકોપ ભોગવવો પડશે.’ પોતાના રાજ્યનો નાશ નક્કી છે એ સમજાતાં રાજા આર્યવર્તન માફી માગે છે.
ભગવાન શિવની વિનંતીથી માતા પાર્વતી શાંત થઈ જાય છે. રાજા આર્યવર્તન કહે છે, ‘માતા તમે અને પ્રભુ મારા પરિવાર સહિત રાજ્ય પર કૃપા વરસાવતા રહેજો. હું તમને વચન આપું છું કે આજ પછી મારા રાજ્યમાં બલી પ્રથા બંધ થશે.
***
ભગવાન શિવના આશીર્વાદ લેતા મહામંત્રી મણિકા: ‘માફ કરો પ્રભુ! તમારી આટલી નજદીક તમારા સાંનિધ્યમાં રહીને પણ તમને ઓળખી ન શક્યો.’
ભગવાન શિવ: ‘મણિકા જેણે સ્વને (પોતાને) ઓળખી લીધો હોય તેણે અન્યને ઓળખવાની શું જરૂર?’
મહામંત્રી મણિકા: ‘પ્રભુ મારા માટે શું આદેશ છે?’
ભગવાન શિવ: ‘જાઓ મણિકા સંસારમાં ભ્રમણ કરો અને પશુઓના કલ્યાણ અને તેમની સુરક્ષા માટેનો સંદેશ જ્યાં સુધી પહોંચાડી શકો ત્યાં સુધી ભ્રમણ કરો. તમારા શબ્દો અને તમારાં કાવ્યોથી જેટલા પણ મનુષ્યોના હૃદયમાં પશુઓ પ્રત્યેની સંવેદનશીલતા જાગ્રત કરી શકો ત્યાં સુધી ભ્રમણ કરો. એજ તમારો માર્ગ છે અને મંઝિલ પણ.’
મહામંત્રી મણિકા: ‘પ્રભુ મારા શબ્દો અને કાવ્યોનો સ્રોત તો તમારી અને માતાની ભક્તિ છે. બધું જ એમાંથી ઉત્પન્ન છે. એના એક એક શબ્દમાં તમે સમાયેલા છો. હું સમસ્ત સંસારમાં ભ્રમણ કરી તમારી ભક્તિનો પ્રચાર પ્રસાર કરીશ અને તમારી અને માતાની ભક્તિનો મહાત્મ્ય કહીશ, પણ પ્રભુ સચ્ચાઈ તો એ છે કે જેના હૃદયમાં આપ અને માતા પ્રત્યેની સાચી ભક્તિનો વાસ થશે તે પશુઓની ઉપેક્ષા કદાપિ નહીં કરે.’
ભગવાન શિવના આશીર્વાદ લઈ મહામંત્રી મણિકા અને રાજા આર્યવર્તન પોતાના રાજ્ય તરફ વિદાય થાય છે.
***
બીજી તરફ દેવગુરુ બૃહસ્પતિ અને દેવરાજ ઇન્દ્ર માતા કામધેનુની જ્યેષ્ઠ પુત્રી સૌરભીને મળવા આગળ વધે છે. થોડા જ સમયમાં તેઓ સૌરભીને શોધવામાં સફળ થાય છે.
સૌરભી: ‘દેવગુરુ બૃહસ્પતિ અને દેવરાજ ઇન્દ્રને પ્રણામ.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘સૌરભી તમારી માતા કામધેનુ સ્વર્ગને ત્યાગી અહીં આવ્યાં છે?’
સૌરભી: ‘નહીં, દેવગુરુ મને નથી ખબર માતા ક્યાં છે?’
દેવરાજ ઇન્દ્ર: ‘સૌરભી તમે ખોટું તો નથી બોલતા તમારી માતાના કહેવાથી?’
સૌરભી: ‘દેવરાજ તમે અહીંથી જઈ શકો છો પણ હું તમને એટલું કહીશ કે મેં પંચતત્ત્વ દેવતાઓને કોઈની સાથે ઉત્તર પૂર્વ તરફ જતા જોયા છે.’
***
સૌરભીના કહેવાથી દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ ઉત્તર પૂર્વ તરફ પ્રયાણ કરે છે.
એ જ સમયે માતા કામધેનુની ચીખ તેમને સંભળાય છે તેઓ તે તરફ દોડે છે. તેઓ જુએ છે કે એક અસુર માતા કામધેનુને પ્રતાડિત કરતો નજરે પડે છે.
દેવરાજ ઇન્દ્ર: ‘એ અસુર થોભી જા, કોણ છે તું, કામધેનુને છોડી દે.’
અસુર: ‘હું અરુણાસુર છું...’
દેવરાજ ઇન્દ્ર: ‘હે અરુણાસુર તને તારા પ્રાણ પ્યારા નથી લાગતા, હું તને ચેતવણી આપું છું કામધેનુને છોડી દે.’
અરુણાસુર: ‘તમે કોણ છો? કામધેનુ મારી સેવક છે. અહીંથી ચાલ્યો જા.’
દેવરાજ ઇન્દ્ર: ‘હું દેવરાજ ઇન્દ્ર દેવતાઓનો રાજા, સ્વર્ગલોકનો આધિપતિ, કામધેનુ સ્વર્ગલોક નિવાસી છે, એને છોડી દે.’
અરુણાસુર: ‘ઓહ, તમે દેવરાજ ઇન્દ્ર છો, હું તમને પડકારું છું, જો તમે યુદ્ધમાં વિજેતા બનશો તો હું કામધેનુને છોડી દઈશ.’
દેવરાજ ઇન્દ્ર: ‘મને મંજૂર છે, પહેલો વાર હું કરીશ.’
દેવરાજ ઇન્દ્ર અને અરુણાસુર વચ્ચે યુદ્ધ થાય છે. દેવરાજ ઇન્દ્ર અરુણાસુર પર વજ્રથી ઘાત કરે છે. અરુણાસુર પર વજ્ર કોઈ અસર કરતું નથી. એ જોઈ અરુણાસુર અટ્ટહાસ્ય કરે છે. અરુણાસુર એના શસ્ત્રથી ઘાત કરતાં દેવરાજ ઇન્દ્ર મૂર્છિત થઇ જાય છે.
અરુણાસુર દેવગુરુ બૃહસ્પતિ અને કામધેનુને બંદી બનાવી પોતાની સાથે લઈ જાય છે.
એ જ સમયે આકાશ માર્ગે દેવર્ષિ નારદ ત્યાં પહોંચે છે.
દેવર્ષિ નારદ: ‘રોકાઈ જા અરુણાસુર, હું તને ચેતવણી આપું છું.’
અરુણાસુર: ‘દેવર્ષિ નારદ તમારું કામ નથી યુદ્ધ કરવાનું, હમણાં જ દેવરાજ ઇન્દ્ર મારી સાથે યુદ્ધ કરતાં મૂર્છિત થઇ ગયા છે, તો તમારી શું વિસાત? અહીંથી ચાલ્યા જાવ અને પશુપતિનાથને જઈને કહો કે, પંચતત્ત્વ દેવતાઓ, બૃહસ્પતિ અને કામધેનુ મારા કબજામાં છે. તમારામાં શક્તિ હોય તો એમને છોડાવી લઈ જાવ. અન્યથા મારી મૃત માતાને જીવિત કરી આપો હું દેવતાઓને છોડી દઈશ.’
***
અરુણાસુરને રોકી ન શકતાં દેવર્ષિ નારદ કૈલાસ પહોંચે છે.
દેવર્ષિ નારદ: ‘પ્રભુ! અરુણાસુરે પંચતત્ત્વ દેવતાઓ, દેવગુરુ બૃહસ્પતિ અને કામધેનુને બંદી બનાવ્યા છે, તે કહે છે કે પશુપતિનાથને કહો કે મારી મૃત માતાને જીવિત કરી આપો હું દેવતાઓને છોડી દઈશ. (ક્રમશ:)