ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
કૈલાસ ખાતે પરત ફરતાં જ ભગવાન શિવ પોતાની તપસ્યામાં લીન થઈ જાય છે અને માતા પાર્વતી કૈલાસની વ્યવસ્થાપનમાં કાર્યરત થઈ જાય છે. વ્યવસ્થાપનના કાર્ય દરમિયાન તેમને બે શિવગણ વચ્ચેનો વાર્તાલાપ સંભળાય છે.
એક શિવગણ બીજા શિવગણને કહેતો હોય છે કે ‘મને બ્રહ્મજ્ઞાન લાદ્યો નથી, કે તારી બધી વાત કહ્યા વગર હું સમજી જાઉં.’ એ જ સમયે માતા પાર્વતીના મનમાં પ્રશ્ર્ન ઉદ્ભવે છે કે ‘બ્રહ્મજ્ઞાન મેળવવું કેમ સુલભ નથી?’ ભગવાન શિવની તપસ્યા પૂર્ણ થતાં જ માતા પાર્વતી કહે છે, ‘હું પરમ જ્ઞાન એટલે કે બ્રહ્મજ્ઞાન વિશે વિચારી રહી હતી કે, જ્ઞાન પર તો દરેક પરિશ્રમીનો અધિકાર હોય છે, તો આ બ્રહ્મજ્ઞાન આટલું દુર્લભ કેમ છે.’
ભગવાન શિવ તેમને સમજાવતાં કહે છે કે, ‘બ્રહ્મજ્ઞાન દુર્લભ એ માટે છે કે એ જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. બ્રહ્મજ્ઞાની માટે અન્ય કોઈ જ્ઞાનની જરૂરત રહેતી નથી તે પૂર્ણતાને મેળવે છે. તેનો આત્માતત્ત્વ મારામાં વિલીન થઇ જાય છે એને પોતાના હૃદયમાં પરમાત્મા બેસેલો દેખાય છે, જેમ તમે નિદ્રાધીન થતાં પહેલા તમે તમારા ઘરેણાં ઉતારી મૂકો છો તેમ બ્રહ્મજ્ઞાની પોતાના આત્માને છોડીને પણ જીવિત રહી શકે છે.
બ્રહ્મજ્ઞાન જ અમરત્વનું પ્રતીક છે. જે દૃશ્યમાન છે તે પરમાત્મા છે. દરેકના શરીરમાં જે આત્મા છે એ પરમાત્માનો અંશ છે. આત્માનો સાક્ષાત્કાર એ જ પરમાત્માનું મિલન છે. આ મિલન બાદ કોઈ ઇચ્છા શેષ રહેતી નથી. જીવાત્મા આ મિલન બાદ પરમાત્માને પ્રાપ્ત કરે છે. બ્રહ્મજ્ઞાનનો આજ સંદેશ છે.’
આત્માનો સાક્ષાત્કાર કઈ રીતે કરી શકાય એવું માતા પાર્વતી દ્વારા પુછાતાં ભગવાન શિવ કહે છે, ‘ઉપાસના‘ દ્વારા. ઉપ એટલે પોતે અને આસના એટલે બેસવું, પોતાના આત્મા પાસે બેસવું, પોતાને ઓળખવું. પોતાને ઓળખનાર મનુષ્યને જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે અને તે પૂર્ણ જ્ઞાની બને છે. બ્રહ્મજ્ઞાન મેળવવા પોતાના આત્માને ઓળખવો પડશે, પોતાના આત્મા દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલી સદ્ગુણોનો વિકાસ કરવો પડશે, પોતાના સ્વાર્થનો ત્યાગ કરી લોકકલ્યાણ માટે પ્રયત્નશીલ રહેવું પડશે.
મન ચંચળ છે. ઇન્દ્રીયોના વશીભૂત થઈ પાપ કર્મ કરાવે છે. પરમાત્માનો અંશ એવા આત્માના વિચાર હંમેશાં માનવીને સદ્માર્ગે ચલાવી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે અને પૂર્વ દિશાથી થનારો સૂર્યોદય આપના બ્રહ્મજ્ઞાનનો દ્વાર ખોલવા જઈ રહ્યો છે દેવી.’ આટલું સાંભળતાં જ માતા પાર્વતી કહે છે, ‘પ્રભુ શું આજે જ મને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થશે.’
* * *
ભગવાન શિવ: ‘હા પાર્વતી મેં નિશ્ચય કર્યો છે કે આ હિમગીરી પર્વતની શ્રેણીની એક ગુફામાં હું એ બ્રહ્મજ્ઞાન તમને આપીશ.’
માતા પાર્વતી: ‘સ્વામી, અહીં આવી હું એક ઉત્સાહી વાતાવરણનો અનુભવ કરી રહી છું, એવું તે શું છે આ ગુફામાં જેની મને અનેરી લાગણી સ્ફૂરી રહી છે.’
ભગવાન શિવ: ‘દેવી, જ્યારે દેવતાઓ અમરતાના અભાવે અનેક ભયમાં જીવન ગુજારી રહ્યાં હતાં, ત્યારે શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્માજીની વિનંતીથી મેં દેવતાઓને અમરતા આપવાનો નિશ્ચય કર્યો, તે સમયે સમસ્ત દેવતાઓ અમારી સમક્ષ ઉપસ્થિત હતા. એ સમયે મેં મારા મસ્તક પર વિદ્યમાન ચંદ્રમાને હાથમાં લઈ નીચોવ્યો, એ ક્ષણે જે અમરત્વ ચંદ્રમાંથી નીકળ્યું તે દેવતાઓએ આચમન કરતાં દેવતાઓ અમર થઈ ગયા પણ, તે સમયે ચંદ્રમાંથી નીકળેલા અમરત્વના થોડા ટીપાં આ ક્ષેત્રમાં હજીયે વિદ્યમાન છે. અહીં કોઈ માનવ આવી શકતું નથી. જે પણ માનવ અહીં આવશે અને અમરત્વનું પાન કરશે એ અમર થઈ જશે.’ આટલું સાંભળતાં જ માતા પાર્વતી એ ગુફામાંથી નીકળી રહેલા જળનું આચમન કરે છે.
માતા પાર્વતી: ‘સ્વામી અહીં આવવા સુધીનો માર્ગ ખૂબ જ કઠિન છે, તમે માનવકલ્યાણ માટે એને થોડો સુગમ ન બનાવી શકો?’
ભગવાન શિવ: ‘દેવી તમે શું ભસ્માસુરને ભૂલી ગયા? એના જેવા અસુર મનોવૃત્તિવાળા માનવો અહીં પહોંચી ગયા અને અમરત્વનું પાન કરી લીધું તો સૃષ્ટિની વ્યવસ્થા શું છિન્નભિન્ન નહીં થાય?’
માતા પાર્વતી: ‘જેવી તમારી ઇચ્છા.’
એ જ સમયે ભગવાન શિવ પોતાનું ડમરું વગાડવા લાગ્યાં.
માતા પાર્વતી: ‘સ્વામી આ સમયે ડમરું નાદનો અર્થ શું?’
ભગવાન શિવ: ‘આ ડમરુંનો નાદ એટલો વ્યાપક છે કે અહીં આસપાસના વિસ્તારમાં કોઈપણ જીવ હોય તો એ અહીંથી દૂર નાસી જાય. તમને આપવામાં આવનાર બ્રહ્મજ્ઞાનને સાંભળી કોઈ જીવ અમર ન થઈ જાય, પણ તમારી લોક કલ્યાણની ભાવના ખૂબ ગાઢ હોવાથી હું તમને એટલું કહીશ કે આજે શ્રાવણ માસની પૂર્ણિમા છે અને આ દિવસે જે જીવ આ સ્થળની મુલાકાત લઈ મારી હિમલિંગની પૂજાઅર્ચના કરશે તે જીવ પૂર્ણ આયુષ્ય ભોગવી શિવગણમાં સ્થાન પામશે. કળિયુગમાં આ સ્થળ અમરનાથ અને મારી હિમલિંગ અમરેશ્ર્વર તરીકે ખૂબ ખ્યાત થશે.’
* * *
પ્રસન્ન માતા પાર્વતી ભગવાન શિવ સમક્ષ બેસે છે.
ભગવાન શિવ: ‘પાર્વતી તમે મારી સમક્ષ બેઠા છો, હું તમને બ્રહ્મજ્ઞાન આપીશ, થોડા થોડા સમયે તમે મને હુંકાર આપજો જેથી તમે બ્રહ્મજ્ઞાનનું રસપાન કરી રહ્યાં છો એની મને ખાતરી થતી રહે.’
માતા પાર્વતી: ‘જેવી તમારી આજ્ઞા સ્વામી.’
ભગવાન શિવ માતા પાર્વતીને બ્રહ્મજ્ઞાન આપવાની શરૂઆત કરે છે. ઘણા સમય સુધી માતા પાર્વતી હુંકાર આપતા રહે છે. બ્રહ્મજ્ઞાનના અંતિમ પડાવમાં માતા પાર્વતી નિદ્રાધીન થઈ જાય છે. ભગવાન શિવ તેમને બ્રહ્મ આપતાં જ રહે છે. એ સમયે એક કબૂતર ત્યાં ઉપસ્થિત હોય છે અને તે જુએ છે કે માતા પાર્વતી નિદ્રાધીન થઈ ગયાં છે અને જો હું હુંકાર નહીં આપું તો ભગવાન શિવ બ્રહ્મજ્ઞાન આપવાનું બંધ કરશે, એટલે માતા પાર્વતીના બદલે એ કબૂતર હુંકાર આપવાનું ચાલુ કરે છે. બ્રહ્મજ્ઞાન પૂર્ણ થતાં ભગવાન શિવ આંખ ખોલે છે અને જુએ છે કે માતા પાર્વતી નિદ્રાધીન છે.
ભગવાન શિવ: ‘કોણ છે જે પાર્વતીની જગ્યાએ મને હુંકાર આપતું હતું, તુરંત મારી સમક્ષ ઉપસ્થિત થાય.’
એ જ ક્ષણે એ કબૂતર ત્યાં ઉપસ્થિત થાય છે અને માફી માગતા કહે છે ‘પ્રભુ મને માફ કરો, મેં જ માતાના હુંકારની જગ્યાએ તમને હુંકાર આપ્યા. હું એક કબૂતર છું. તમારી ઇચ્છા વિરુદ્ધ અહીં આવી શકું? પ્રભુ તમારી કૃપાથી જ હું આ શીત પ્રદેશમાં અહીં આવી શક્યો છું, મારી કોઈ ભૂલ થઈ હોય તો તમે મને દંડ આપી શકો છો.’
ભગવાન શિવ: ‘ધરૌમ્ય ચિંતિત ન થાવ, તમને બ્રહ્મજ્ઞાન આપવા અને તમારા ગુરુના શ્રાપથી મુક્ત કરવા જ મેં આ લીલા રચી હતી. બ્રહ્મજ્ઞાન મેળવવાની તમારી પાત્રતા પહેલેથી જ નિશ્ચિત થઈ ચૂકી હતી.’
ધરૌમ્ય ઋષિ: ‘દેવાધિ દેવ મહાદેવ, ભોળેનાથ કી જય.’ ધરૌમ્ય ઋષિનો અવાજ સંભળાતા માતા પાર્વતીની નિદ્રા તૂટે છે.
માતા પાર્વતી: ‘સ્વામી તમારા ડમરું ધ્વનિ બાદ પણ આ યુવાન ઋષિ અહીં કેવી રીતે પહોંચ્યા, અને હું નિદ્રાધીન થઈ ગઈ.’
ભગવાન શિવ: ‘દેવી! દુ:ખી ન થાવ, આ ધરૌમ્ય ઋષિ છે અને તેઓને ગુરુના શ્રાપથી કબૂતર યોની મળી હતી. શિવઇચ્છાથી જ તેઓ અહીં ડમરું ધ્વનિથી ખેંચાઇ આવ્યા અને બ્રહ્મજ્ઞાનનું રસપાન કર્યું. જાઓ ધરૌમ્ય તમારા ગુરુ શિવભક્તિમાં લીન હોવા છતાં ય અધૂરાં છે, તેમનાં આશ્રમ જઇ તેમને બ્રહ્મજ્ઞાન આપો. (ક્રમશ:)