Mon Oct 05 2026

Logo

મિડલ ઈસ્ટમાં તણાવ: શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચેના 1400 વર્ષ જૂના વિવાદનું કારણ શું

Tehran   2026-03-03 18:55:52
Author: Mumbai Samachar Team
મિડલ ઈસ્ટમાં તણાવ: શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચેના 1400 વર્ષ જૂના વિવાદનું કારણ શું

તહેરાનઃ પશ્ચિમ  એશિયા અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી બાદ ઈરાને વળતો પ્રહાર કરતા અનેક આરબ દેશો પર મિસાઈલો દાગી છે, જેના કારણે સમગ્ર મિડિલ ઈસ્ટ અસ્થિર બન્યુ છે. ખાસ કરીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના નિધનના સમાચાર બાદ વિશ્વભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ શિયા સમુદાય શોકમાં ડૂબીને રસ્તા પર ઉતરી આવ્યો છે, તો બીજી તરફ સુન્ની બહુમતી ધરાવતા દેશોએ તેને ઈરાનની આંતરિક બાબત ગણાવીને અંતર જાળવ્યું છે. આ ઘટનાએ વર્ષો જૂના શિયા-સુન્ની વિવાદને ફરીથી વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.

1400 વર્ષ જૂના વિવાદનું મૂળ

ઈસ્લામ ધર્મના આ બે સમુદાયો વચ્ચેનો વિવાદ આજકાલનો નહીં, પરંતુ આશરે 1400 વર્ષ જૂનો છે. ઈસવીસન  632માં પેગંબર હજરત મોહમ્મદના નિધન બાદ તેમના ઉત્તરાધિકારી કોણ બનશે, તે મુદ્દે મતભેદ સર્જાયા હતા. એક જૂથનું માનવું હતું કે પેગંબરના નજીકના સાથી અબુ બક્ર નેતૃત્વ સંભાળે, જેઓ આગળ જતાં 'સુન્ની' કહેવાયા. જ્યારે બીજા જૂથનો આગ્રહ હતો કે તેમના જમાઈ હજરત અલી જ સાચા વારસદાર છે, આ જૂથ 'શિયા' તરીકે ઓળખાયું. શરૂઆતમાં જે રાજકીય લડાઈ હતી, તે સમય જતાં ગાઢ ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખમાં પરિવર્તિત થઈ ગઈ.

વિશ્વમાં સુન્ની મુસ્લિમોનું વર્ચસ્વ

વિશ્વની કુલ મુસ્લિમ વસ્તીમાં સુન્ની સમુદાયનો હિસ્સો સૌથી મોટો છે, જે અંદાજે 85 ટકા જેટલો થાય છે. સુન્ની મુસ્લિમો અબુ બક્રને પ્રથમ ખલીફા માને છે. હાલમાં સાઉદી અરેબિયા, તુર્કી, ઇજિપ્ત, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં સુન્નીઓ બહુમતીમાં છે. સાઉદી અરેબિયા અને તુર્કી જેવી મજબૂત રાજકીય અને સૈન્ય શક્તિ ધરાવતા દેશોને કારણે વૈશ્વિક સ્તરે સુન્ની રાષ્ટ્રોનો પ્રભાવ ઘણો મોટો અને નિર્ણાયક માનવામાં આવે છે.

શિયા સમુદાય અને ઈરાનનું પ્રભુત્વ

શિયા મુસ્લિમોની વસ્તી કુલ મુસ્લિમ વસ્તીના આશરે 15 ટકા છે. તેઓ માને છે કે ઇસ્લામનું નેતૃત્વ હંમેશાં પેગંબરના પરિવાર એટલે કે હજરત અલીના વંશજો પાસે જ હોવું જોઈએ. શિયા સમુદાયમાં ધાર્મિક નેતાઓ અને ખાસ કરીને 'આયાતુલ્લા' પદને અત્યંત પવિત્ર અને સર્વોપરી માનવામાં આવે છે. ઈરાન વિશ્વનો સૌથી મોટો શિયા બહુમતી ધરાવતો દેશ છે, જ્યાં 90 ટકા વસ્તી આ સમુદાયની છે. ઈરાન ઉપરાંત ઈરાક, લેબેનોન અને બહેરિન જેવા દેશોમાં પણ શિયાઓની નોંધપાત્ર વસ્તી છે, જે મિડિલ ઈસ્ટના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.